ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટમાં ઘણાંબધાં નવાં ગીત, ગરબા અને અંગ્રેજી ગીતની રિધમ પણ
ગઈ કાલે નવરાત્રિની જાહેરાત કરવા માટે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં માતાજીના આશીર્વાદ લઈ રહેલી ફાલ્ગુની પાઠક, સાંસદ ગોપાલ શેટ્ટી, સંતોષ સિંહ અને અન્ય મહાનુભાવો (તસવીર : નિમેશ દવે)
છેલ્લાં છ વર્ષથી બોરીવલીમાં ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં ધૂમ મચાવી રહી છે. આ વર્ષે પણ શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૧૫ ઑક્ટોબરથી ૨૪ ઑકટોબર સુધી બોરીવલીની ચીકુવાડીમાં સ્વર્ગીય પ્રમોદ મહાજન મેદાન ખાતે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફાલ્ગુની પાઠક પોતાના સૂરોનો જાદુ રેલાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. બોરીવલીના લીજન્સી બૅન્ક્વેટમાં ગઈ કાલે તેની પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં નવરાત્રિની જાહેરાત કરાઈ હતી. ફાલ્ગુની પાઠકની સાથે સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, આયોજક સંતોષ સિંહ, શિવાનંદ શેટ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું બુકે આપીને અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગરબા-રસિકો માટે ગયા વર્ષે અમે નવું ગીત પ્રસ્તુત કર્યું હતું. આ વર્ષે મંચ પરથી શું નવું કરીશું એ હમણાં સસ્પેન્સ છે. જોકે એટલું કહીશ કે ઘણાબધાં નવાં ગીતો, ગરબા અને અંગ્રેજી ગીતની રિધમમાં ઘણું નવું હશે. ગયા વર્ષ કરતાં આ વર્ષે હું શું સારું અને નવું ગરબાપ્રેમીઓને આપી શકું એ બાબતે મારું વધુ ફોકસ હોય છે. આટલાં વર્ષ સુધી સ્મૂધલી નવરાત્રિ થઈ રહી છે એ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, આયોજક સંતોષ સિંહ, મ્યુઝિક ટીમ અને ગરબાપ્રેમીઓના સહકાર વિના શક્ય નથી. એક વાત નક્કી છે કે ગરબે ઘૂમતા ખેલૈયાઓને આ વર્ષે પણ જલસો પડશે. માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવીશું. દર વર્ષની જેમ આ વર્ષે પણ હું નવરાત્રિ માટે ખૂબ ઉત્સાહિત છું.’
ADVERTISEMENT
નવરાત્રિ ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સંતોષ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે આટલાં વર્ષોથી લોકોનો જે પ્રેમ મળ્યો છે એ આ વર્ષે પણ મળશે. આ વર્ષે પણ પાર્કિંગ અને સિક્યૉરિટીની સારી વ્યવસ્થા રહેશે. ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ઍડ્વાન્સમાં બે હજાર સીઝન પાસનું બુકિંગ થઈ ગયું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જે પૈસા બચશે એ કૅન્સરપીડિતો અને જરૂરિયાતમંદ લોકો માટે વાપરવામાં આવશે. ગયા વર્ષે બારથી તેર લાખ રૂપિયા કૅન્સરપીડિતો માટે અને જે બાળકો સ્કૂલની ફી ભરી શકતાં ન હોય તેમના માટે વાપર્યા હતા. આ વર્ષે ૨૧ લાખ રૂપિયા ડોનેટ કરવાનો અમારો ઇરાદો છે.’
કાર્યક્રમના મુખ્ય મહેમાન સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીમાં ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠક સતત છઠ્ઠા વર્ષે પર્ફોર્મ કરી રહી છે. મુંબઈની ગરબા-ક્વીન હવે વર્લ્ડની ગરબા-ક્વીન બની ગઈ છે. બોરીવલી નવરાત્રિ હબની સાથે હવે ડેવલપમેન્ટલ હબ પણ બની ગયું છે. બોરીવલીમાં ઘણી નવરાત્રિ થઈ રહી છે અને હું એ બધાને શુભેચ્છા આપું છું.’

