મુંબઈ યુનિવર્સિટીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર ટીકાસ્ત્ર છોડતાં કહ્યું...
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મુંબઈ યુનિવર્સિટીમાં વીર સાવરકરનું યોગદાન જણાવ્યું હતું.
મુંબઈ યુનિવર્સિટીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાક્રિષ્નની ઉપસ્થિતિમાં ગઈ કાલે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સ્ટડી ઍન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર ટીકાસ્ત્ર છોડતાં કહ્યું હતું કે ‘વીર સાવરકર આંદામાનની જેલમાં હતા ત્યારે એની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આંદામાનની જેલમાં ગયેલો કેદી પાછો ન આવે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં કેદ કરવામાં આવેલા લોકો શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા, પણ વીર સાવરકર હતાશ નહોતા થયા. તેઓ કેદીઓને જલદી છુટકારો મળે એ માટેની પિટિશન કરવામાં મદદ કરતા. આવા વીરને કેટલાક મૂર્ખ લોકો માફીવીર કહે છે. કોર્ટે આવા લોકોને ફટકારીને યોગ્ય જ કર્યું છે. સુપ્રીમ કોર્ટે વીર સાવરકરનું અપમાન કરશો તો સજા કરવાની ચેતવણી આપી છે. આથી મારે સુપ્રીમ કોર્ટનો આભાર માનવો છે. કેટલીક વાત ખોટી રીતે રજૂ કરવામાં આવે છે એ યોગ્ય નથી. હવે આવું કરનારાને અક્કલ આવશે એવું લાગે છે. મારું આવું કહેવું બાળબોધ છે એની મને ખબર છે. વીર સાવરકરની દેશભક્તિ અને હિન્દુત્વ પ્રજ્વલિત થશે તો પોતાને નુકસાન થશે એ આ લોકોને બરાબર જાણે છે. વીર સાવરકરને જેલમાં એકાંતવાસની સજા કરવામાં આવી હતી ત્યારે તેઓ ભાંગી પડવાને બદલે કોલસાથી દીવાલમાં કવિતા લખતા હતા. જેલર કેદીઓ સાથે ખરાબ વર્તન કરતા હતા ત્યારે વીર સાવરકરે જેલર સાથે સંઘર્ષ કરીને કેદીઓને મૌલિક અધિકાર અપાવ્યો હતો. વીર સાવરકરે આંતરજાતીય વિવાહ કરવા બાબતે આગેવાની લીધી હતી. મરાઠી ભાષાની શુદ્ધિ કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. વીર સાવરકરે મરાઠી ભાષાને વિધિમંડળ, ચિત્રપટ અને નિવૃત્તિ વેતન જેવા નવા શબ્દો આપ્યા. વીર સાવરકરનું હિન્દુત્વ વિજ્ઞાનનિષ્ઠ હતું. તેઓ એક વ્યક્તિ નહીં પણ સંસ્થા હતા. તેમના નામે સ્ટડી સેન્ટર ખૂલી રહ્યું છે. અમે આ સેન્ટર માટે જરૂરી ફન્ડ આપીશું. વીર સાવરકરની ડિગ્રી મુંબઈ યુનિવર્સિટીએ પાછી આપી હતી. જોકે તેમની બૅરિસ્ટરની ડિગ્રી હજી સુધી પાછી આપવામાં નથી આવી એટલે આશિષ શેલાર ઇંગ્લૅન્ડ સાથે આ બાબતે પત્રવ્યવહાર કરી રહ્યા છે.’


