હવે તે એકદમ ભયભીત થયો છેઃ આજે પહલગામ જનારો બોરીવલીનો એક પરિવાર પણ ખોફમાં છે
શ્રુતિ દોશી
‘મિડ-ડે’એ કાશ્મીર ફરવા ગયેલા મુંબઈના કેટલાક લોકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નેટવર્ક જૅમરને લીધે બધાનો સંપર્ક થઈ શક્યાે નહોતો. જોકે મુંબઈની બે ફૅમિલી સાથે સંપર્ક કરવામાં સફળ થઈ શક્યો હતા જેઓ આ ઘટનાસ્થળથી માત્ર થોડી મિનિટો જ દૂર હતા.
માત્ર થોડી મિનિટના અંતરે જ હતા
ADVERTISEMENT
ગોરેગામમાં રહેતો કૉલેજ-સ્ટુડન્ટ ધૈર્ય વાન કહે છે કે ‘હું મારાં મમ્મી-પપ્પા સાથે મંગળવારે સવારે જ શ્રીનગરમાં લૅન્ડ થયો હતો. અમારી ટૂર પહલગામથી જ શરૂ થવાની હતી. પહલગામમાં આતંકી ઘટના ઘટી ત્યારે અમે ઘટનાસ્થળથી થોડી જ મિનિટ દૂર ગાડીમાં હતાં. પહેલાં તો અમને કંઈ ખબર જ ન પડી; પરંતુ રસ્તામાં પોલીસની ગાડીઓ, મિલિટરી તેમ જ હેલિકૉપ્ટરનો કાફલો જોયો એટલે અમને શંકા ગઈ કે કંઈક થયું લાગે છે. એટલામાં જ ન્યુઝ આવ્યા કે પહલગામમાં આતંકવાદી હુમલો થયો છે. અમે એકદમ જ ગભરાઈ ગયાં. અમારી હોટેલ પણ આ ઘટનાસ્થળની બાજુમાં જ હતી. એટલે જેવા આ ન્યુઝ આવ્યા કે મિલિટરીએ આખો એરિયા કૉર્ડન કરી દીધો છે અને બધાં વાહનોને આગળ જતાં રોક્યા છે એટલે અમે બીજી હોટેલમાં ગયાં. જોકે આ હોટેલ સેફ જગ્યાએ છે છતાં અમે ખૂબ જ ગભરાયેલાં છીએ. મારી મમ્મીની તો સાંજે તબિયત પણ બગડી ગઈ હતી અને મારા પપ્પા પણ કોઈની સાથે વાત કરવા માગતા નથી. અમે કેટલાય વખતથી આ ટ્રિપનું આયોજન કરી રહ્યા હતા અને કાશ્મીર માટે ખૂબ જ એક્સાઇટેડ પણ હતા, પરંતુ આવતાંની સાથે જ આ ન્યુઝે અમારો પ્રવાસ કરવાનો મૂડ જ બગાડી દીધો હતો.’
મનમાં ડર તો છે જ
બોરીવલીમાં રહેતાં શ્રુતિ દોશી તેમની ફૅમિલી સાથે કાશ્મીરના પ્રવાસે છે અને આજે તેઓ પહલગામ જવાનાં હતાં. આ વિશે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘જેમ-જેમ ન્યુઝ- ચૅનલમાં સમાચારો આવી રહ્યા છે અને મરણાંકની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ-તેમ અમને પણ ડર લાગી રહ્યો છે. અત્યારે અમે સોનમર્ગમાં છીએ અને બુધવારે અમે પહલગામ જવાનાં છીએ. નો ડાઉટ ત્યાં સિક્યૉરિટી એકદમ ટાઇટ જ હશે છતાં અમે થોડાં ભયભીત છીએ. હું અહીં મારાં હસબન્ડ અને બાળકો સાથે આવી છું અને અમે એક ગ્રુપ-ટૂરમાં જ છીએ. અમારા ટૂર-ગાઇડે અમને અમુક સૂચનાઓ આપી છે એ પ્રમાણે અમે રહેવાના છીએ. તેમણે કહ્યું છે કે ક્યાંય પણ જાઓ તો ગ્રુપમાં જ જજો તેમ જ સાથે બહુ સામાન નહીં રાખતા. આમ તો અમે પહલગામ માટે ખૂબ જ એક્સાઇટેડ હતા અને ત્યાં આરામથી ફરવાનો પ્લાન કરતા હતા, પરંતુ હવે વન-ડે પિકનિકની જેમ જ પહલગામમાં હાથ લગાડીને પાછા આવી જવું પડશે જેનો અફસોસ છે. અમારી આજ સુધીની કાશ્મીર-ટ્રિપ ખૂબ જ સરસ ગઈ હતી, પરંતુ મંગળવારની ઘટના બાદ દરેકના મનમાં ગભરાટ ઘર કરી ગયો છે.’

