ATMના પાસવર્ડ વગર કઈ રીતે પૈસા ઉપાડ્યા એની તપાસ ટેક્નિકલ ટીમ કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલી-વેસ્ટના ગાવદેવી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) ઉમંગ સોનીનું શનિવારે સવારે પવઈ નજીક ચાલુ બસમાંથી પર્સ ચોરીને ગઠિયાએ ઑટોમેટેડ ટેલર મશીન (ATM)નો ઉપયોગ કરીને ૩૭,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પવઈ પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ઉમંગના ATMના પાસવર્ડ વગર કઈ રીતે ગઠિયાએ પૈસા ઉપાડ્યા એની તપાસ ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. બસમાં લાગેલા ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજની મદદથી આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
પવઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પવઈમાં જે. પી. મૉર્ગન કંપનીમાં નોકરી કરતા ઉમંગ સોનીએ શનિવારે સવારે ડોમ્બિવલીથી કાંજુરમાર્ગ ટ્રેનમાં આવી કાંજુરમાર્ગ રેલવે-સ્ટેશન નજીકથી પવઈ આવવા માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST)ની બસમાં પ્રવાસ શરૂ કર્યો હતો. બસમાં ટિકિટના પૈસા કાઢ્યા બાદ તેણે પોતાનું પર્સ પાછળના ખિસ્સામાં રાખી દીધું હતું. બસમાંથી ઊતર્યા બાદ ઑફિસે જઈને કામ કરવા બેઠો ત્યારે ATMનો ઉપયોગ કરીને ૪ ટ્રાન્ઝૅક્શનમાં ૩૭,૦૦૦ રૂપિયા તેના બૅન્ક-ખાતામાંથી ઊપડી ગયા હોવાના મેસેજ મોબાઇલમાં મળ્યા હતા. ત્યારે પર્સ કાઢવા જતાં એ ચોરાયું હોવાની ખાતરી થઈ હતી. અંતે તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં ATMના પાસવર્ડ વગર કઈ રીતે પૈસા ઉપાડવામાં આવ્યા એની તપાસ ટેક્નિકલ ટીમને સોંપવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર એવું સામે આવ્યું છે કે પર્સ ચોરી જનાર ચોરે ATM કાર્ડમાંથી Wi-Fiનો ઉપયોગ કરીને પૈસા ઉપાડ્યા હોઈ શકે છે. વધુ તપાસમાં તમામ માહિતી સામે આવશે. આ ઉપરાંત બસમાં લાગેલા CCTV કૅમેરાના ફુટેજથી પણ આરોપીની શોધ ચલાવવામાં આવી રહી છે.’


