Mumbai Sexual Crime; Pilot Molested in Cab: મહારાષ્ટ્રના મુંબઈમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર એક ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ પોલીસે 19 જૂનના રોજ કૅબમાં મહિલા પાઈલટ સાથે છેડતી કરવાના આરોપમાં કૅબ ડ્રાઈવર સાજિદ ગુલહાસનની ધરપકડ કરી છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
મહારાષ્ટ્રના મુંબઈમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર એક ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈ પોલીસે 19 જૂનના રોજ કૅબમાં મહિલા પાઈલટ સાથે છેડતી કરવાના આરોપમાં કૅબ ડ્રાઈવર સાજિદ ગુલહાસનની ધરપકડ કરી છે. પીડિત પાઈલટ ભારતીય નૌકાદળના એક અધિકારીની પત્ની છે. તેણે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રવિવારે આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ડીસીપી રાકેશ ઓલાએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી છે અને ડ્રાઈવરના બે ફરાર સાથીઓની શોધ કરવામાં આવી રહી છે.
19 જૂનની રાત્રે શું બન્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પાઈલટનો પતિ હાલમાં નેવીના કોલાબા સ્થિત નિવાસસ્થાને રહે છે જ્યારે પાઇલટ ઘાટકોપરમાં રહે છે. બંને 19 જૂનની રાત્રે દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં મળ્યા હતા અને રાત્રિભોજન પછી, મહિલાએ રાત્રે 10.45 વાગ્યે કૅબ બુક કરાવી હતી. લગભગ ૨૫ મિનિટની મુસાફરી પછી, ડ્રાઇવરે અચાનક રૂટ બદલી નાખ્યો અને રસ્તામાં તેના બે સાથીઓને કૅબમાં બેસાડ્યા. તેમાંથી એક મહિલાની બાજુમાં પાછળ અને બીજો ડ્રાઇવર સાથે આગળ બેઠો. પાઇલટનો આરોપ છે કે પાછળ બેઠેલી વ્યક્તિએ તેનો હાથ પકડીને અશ્લીલ હરકતો કરી. જ્યારે તેણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે બીજા પુરુષે તેને ચૂપ રહેવાની ધમકી આપી.
ADVERTISEMENT
પોલીસ ચેકિંગ જોઈને આરોપી ભાગી ગયો
ઘટના દરમિયાન કૅબ ડ્રાઈવરે કોઈ દખલ ન કરી અને શાંતિથી ગાડી ચલાવતો રહ્યો. મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે કાર પોલીસ ચેકિંગ પોઈન્ટ પાસે પહોંચી ત્યારે બંને આરોપીઓ કારમાંથી નીચે ઉતરીને ભાગી ગયા. વરસાદને કારણે મહિલા યોગ્ય રીતે સ્થળ ઓળખી શકી નહીં. ઘાટકોપર પહોંચ્યા પછી જ્યારે મહિલાએ ડ્રાઈવરને આ વિશે પૂછ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહીં. બીજા દિવસે, પાયલટ અને તેના પતિએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. શનિવારે FIR નોંધવામાં આવી હતી અને રવિવારે ડ્રાઈવર સાજિદ ગુલહાસનની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ ડ્રાઈવરના ભૂતકાળની પણ તપાસ કરી રહી છે કે શું તે પહેલા આવી ઘટનાઓમાં સામેલ હતો કે નહીં. પોલીસે લોકોને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે અને ખાસ કરીને મહિલાઓને રાત્રે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને પીડિતાને ન્યાય અપાવવા માટે શક્ય તેટલા પગલાં લઈશું. ડ્રાઈવરના બે ફરાર સાથીઓની શોધ કરવામાં આવી રહી છે.

