૧૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, ૨૧ વૉન્ટેડ આરોપીઓ જેલભેગા : બે દિવસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ૭૨ કેસ નોંધાયા અને ૪૦ સામે નૉન-બેલેબલ વૉરન્ટ્સની બજવણી : ગેરકાયદે પાનના ૧૪૫ ગલ્લા અને ૨૦ બાંધકામો પર ફેરવાયું બુલડોઝર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસે હાથ ધરેલા બે દિવસના સઘન સ્પેશ્યલ ઑપરેશન દરમ્યાન ૧૫.૮૭ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ કવાયત દરમ્યાન લાંબા સમયથી નાસતા ફરતા ૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ જ ૭૨ ગુના નોંધાયા હોવાનું શુક્રવારે પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું.
બુધવારે અને ગુરુવારે હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમ્યાન પોલીસે ૪૦ લોકો સામે અગાઉથી પેન્ડિંગ રહેલાં નૉન-બેલેબલ વૉરન્ટ્સની બજવણી પણ કરી હતી. શહેરમાં ૩૦ જુલાઈથી શરૂ કરાયેલી ડ્રગ-ફ્રી મુંબઈ ઝુંબેશ અને કેન્દ્ર સરકારના નશામુક્ત ભારત અભિયાનના ભાગરૂપે આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે કુલ ૪૬.૧૬ કિલોગ્રામ પ્રતિબંધિત નશીલા પદાર્થો તેમ જ કોડીન આધારિત કફ સિરપની ૯૫૪૦ બૉટલ્સ જપ્ત કરી છે. ૧૫.૮૭ કરોડ રૂપિયાના આ ડ્રગ્સ ઉપરાંત સંડોવાયેલા આરોપીઓ પાસેથી ૯.૪૭ લાખ રૂપિયા રોકડા પણ કબજે કરવામાં આવ્યા છે.
ડ્રગ-પેડલર્સના અડ્ડાઓ પર બુલડોઝર ફેરવાયું
નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણ માટે ઉપયોગમાં લેવાતા અડ્ડાઓ સામે પણ પ્રશાસને લાલ આંખ કરી છે. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ સંડોવાયેલા ગુનેગારો સાથે સંબંધ ધરાવતા ૧૪૫ ગેરકાયદે પાનના ગલ્લા અને ૨૦ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીની સાથોસાથ નવરાત્રિ, ગરબા પંડાલો, જાહેર સ્થળો અને સ્કૂલ-કૉલેજો સહિતનાં શૈક્ષણિક સંકુલો ધરાવતાં ૯૦૩૧ સ્થળો પર જાગૃતિ અભિયાન ચલાવીને અંદાજે ૧,૮૩,૯૨૮ નાગરિકોને નશાની બદી વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
