૩ દીકરીનાં મમ્મી-પપ્પા ગોપાલ અને રોહિણી પટેલ કહે છે કે બાળકીનાં માતા-પિતાને શોધવાનો પ્રયાસ કરીશું અને કંઈ ન થયું તો અમે પોતે આ ઢીંગલીને અમારી ચોથી દીકરી તરીકે ઉછેરીશું
ભાંડુપના પબ્લિક ટૉઇલેટમાંથી મળેલી બાળકી, ગોપાલ અને રોહિણી પટેલ
ભાંડુપ-વેસ્ટના તુલસીપાડામાં શિવશક્તિ ચાલના ઇંગ્લિશ ટૉઇલેટમાં રવિવારે રાતે માત્ર એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને આ જ વિસ્તારમાં રહેતાં રોહિણી અને તેના પતિ ગોપાલ પટેલે નવું જીવન આપ્યું હતું. બાળકીને જીવતી મારી નાખવાના ઇરાદે તેને ઇંગ્લિશ ટૉઇલેટમાં ઊંધા માથે ફેંકી દેવામાં આવી હતી એટલું જ નહીં, તેને ફેંકનાર મહિલાએ બેથી ૩ વાર ટૉઇલેટને ફ્લશ પણ કર્યું હતું. જોકે રામ રાખે એને કોણ ચાખે કહેવત અહીં સાચી ઠરી હતી. બાળકીને ઇંગ્લિશ ટૉઇલેટમાં ફેંક્યા બાદ તે મરી ગઈ હશે એવું જાણીને મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી. થોડી વાર બાદ બાળકીના રડવાનો અવાજ નજીકમાં રહેતા ગુજરાતી દંપતીએ સાંભળ્યો હતો. તેઓ તાત્કાલિક તેને બચાવવા દોડી જતાં બાળકીને બચાવી લેવામાં આવી હતી. આ મામલે ભાંડુપ પોલીસે બાળકીને ફેંકી જનાર મહિલા સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ભાંડુપ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાળકીને બાથરૂમમાં જાનથી મારી નાખવાના ઇરાદે જીવતી ફેંકી દેનાર મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે નજીકના વિસ્તારોમાં તેની મમ્મીની શોધ કરવામાં આવી છે અને એ માટે BMCના અધિકારીની મદદ પણ લેવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
મને ૩ દીકરી છે છતાં હું ચોથી બાળકીને દીકરી તરીકે સ્વીકારવા તૈયાર છું એમ જણાવીને ગોપાલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ બાળકીના મમ્મી-પપ્પાને શોધવા માટે અને તેના ઇલાજ માટે જે પણ ખર્ચ કરવો પડે એ કરવા હું તૈયાર છું એવી જાણકારી મેં પોલીસને આપી છે.
બાળકી સુધી કેવી રીતે પહોંચ્યાં રોહિણીબહેન?
રવિવારે રાતે ૮ વાગ્યાની આસપાસ મારા ઘર નજીકના પબ્લિક ટૉઇલેટમાંથી સતત નાનું બાળક રડતું હોવાનો અવાજ આવતો હતો એમ જણાવીને ગોપાલ પટેલે વધુમાં કહ્યું હતું કે ‘મારી પત્ની રોહિણી બાથરૂમ નજીક જોવા ગઈ ત્યારે તેને ઇંગ્લિશ ટૉઇલેટમાંથી બાળકના રડવાનો અવાજ સંભાળાયો હતો. તેણે ઇંગ્લિશ ટૉઇલેટનું કમોડ ઉપર કરીને જોયું ત્યારે માથું નીચે અને પગ ઉપર એમ એક બાળકી રડતી દેખાઈ હતી. એટલે તરત જ રોહિણીએ તેને બહાર કાઢીને શાંત કરવાની કોશિશ કરી હતી. બાળકીના માથામાં ઈજા થઈ હતી એના દુખાવાથી તે રડી રહી હતી. ત્યાર બાદ અમે બાળકીને તાત્કાલિક ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં લઈ ગયાં હતાં, જ્યાં ઘટનાની માહિતી આપ્યા બાદ પોલીસ સાથે બાળકીને સારવાર માટે મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં પહોંચાડી હતી. જોકે ત્યાં બાળકીને રાખવાની અને તેનો ઇલાજ કરવાની વ્યવસ્થા ન હોવાથી તેને હું ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તેની સારવાર શરૂ થઈ હતી. હાલમાં તેને કાચની પેટીમાં રાખવામાં આવી છે. પ્રાથમિક રીતે જોતાં એવું લાગે છે કે બાળકીનો જન્મ થયો હોવાથી તેને મારી નાખવાના ઇરાદે આવું કૃત્ય કરવામાં આવ્યું છે.’


