એકનાથ શિંદેએ ગણેશમંડળોને આપી રાહત
એકનાથ શિંદે
મુંબઈનાં ગણેશમંડળોને મૂર્તિના વિસર્જન બાબત રાહત મળ્યા બાદ હવે રસ્તા પરના ખાડા ન પૂરવા માટે જાહેર કરાયેલો વધારાનો દંડ પાછો ખેંચાતાં વધુ રાહત મળી છે. ગણેશમંડળોએ રસ્તા પર પાડેલા ખાડાને જો પૂરવામાં ન આવે તો પ્રત્યેક ખાડાદીઠ ૧૫,૦૦૦ રૂપિયા દંડપેટે વસૂલ કરવાનો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આદેશ આપ્યો હતો. જોકે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જાહેરાત કરી હતી કે ગણેશમંડળો પાસેથી અગાઉની જેમ પ્રત્યેક ખાડાદીઠ ૨૦૦૦ રૂપિયા જ વસૂલ કરવામાં આવશે.
એકનાથ શિંદેએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે જાહેરાત કરતાં લખ્યું હતું કે ‘BMCના કમિશનર ભૂષણ ગગરાણી સાથે ચર્ચા કરીને ગયા વર્ષની જેમ ખાડા માટે ૨૦૦૦ રૂપિયા દંડ જ વસૂલ કરવાનું મેં તેમને જણાવ્યું છે. રસ્તા પર ખાડા ખોદવાને બદલે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને રસ્તાને ઓછામાં ઓછું નુકસાન થાય એનું ધ્યાન રાખવા બાબતે ગણેશમંડળોને પણ અપીલ કરી છે’.


