Mumbai Fire: આ આગ લેવલ-1ની હોવાનું કહેવાય છે. ૨૩ ફ્લોરની ગગનચૂંબી બિલ્ડિંગમાં આગ લાગવાથી રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઝડપી કાર્યવાહી થકી આગને કાબૂમાં લેવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
આજે સવારે અંધેરી (પશ્ચિમ)માં આવેલ એક રહેણાંક બિલ્ડિંગમાં આગ ફાટી (Mumbai Fire) નીકળી હતી. આ આગ લેવલ-1ની હોવાનું કહેવાય છે. ૨૩ ફ્લોરની ગગનચૂંબી બિલ્ડિંગમાં આગ લાગવાથી રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. સિવિક અધિકારીઓ દ્વારા ઝડપી કાર્યવાહી થકી આગને કાબૂમાં લેવામાં આવી છે. આ આગની ઘટનાની જાણ સવારે 10:05 વાગ્યે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર કન્ટ્રી ક્લબ નજીક વીરા દેસાઈ રોડ પર સ્થિત સોરેન્ટો ટાવરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ 10મા અને 21મા માળની વચ્ચે ઇલેક્ટ્રિક શાફ્ટની અંદર ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ઇન્સ્ટોલેશનમાં લાગી હતી. ફાયર અધિકારીઓ પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું કે ફ્લોર પર રાખેલ વિદ્યુત વાયરની નજીક રાઉટર, ચપ્પલની રેક, લાકડાનું ફર્નિચર અને અન્ય સામગ્રી પણ આગમાં બળી ગઈ હતી.
બચાવ કામગીરી (Mumbai Fire) દરમિયાન જાણવા મળ્યું હતું કે અમૂક લોકોએ પોતાનો જાન બચાવવા માટે સોળમા માળે ભેગા થઈ ગયા હતા. એકત્ર થયેલા લગભગ 30થી 40 રહેવાસીઓને સીડી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આખરે ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે સ્થિતિ નિયંત્રણમાં હોવાની માહિતી શેર કરી હતી. સવારે 11:37 વાગ્યે આગને સંપૂર્ણપણે બુઝાવી લેવામાં સફળતા મળી હતી. સવારે 11:55 વાગ્યે જારી કરાયેલા તાજેતરના અપડેટ મુજબ આ ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી. તમામ રહેવાસીઓની સલામતી માટે અગ્નિશામક દળ દ્વારા લોકોના સ્થળાંતર કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
થાણે જિલ્લામાં ગોડાઉન કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
આગની બીજી ઘટના (Mumbai Fire) વિષે વાત કરીએ તો મંગળવારે સાંજે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં એક ગોડાઉન કોમ્પ્લેક્સમાં મોટી આગ ફાટી નીકળી હતી એમ સિવિક અધિકારીઓએ જણાવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. મુંબ્રા પોલીસ સ્ટેશનની સામે MAK કંપની તરીકે ઓળખાતા વિસ્તારની નજીક સ્થિત વ્યાપારી ગોડાઉનના ક્લસ્ટરમાં સાંજે 6.30 વાગ્યે આગ લાગી હતી. જોકે જહેમત બાદ સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. તડવીના જણાવ્યા અનુસાર વ્યાપારી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ત્રણ ગોડાઉન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા.
તેમણે કહ્યું કે, "આગ (Mumbai Fire)ની માહિતી મળતાં જ પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમો સાથે ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને અગ્નિશામક કામગીરી શરૂ કરી હતી. તડવીએ એ પણ સ્વીકાર્યું કે જમીન પર સમયસર કાર્યવાહીને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. તેમણે કહ્યું કે, "ભોંયરામાં ગેસ સિલિન્ડર સંગ્રહિત હોવાની માહિતી મળી હતી. તરત સિલિન્ડરને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા હતા.”


