સોમવારે અવંતી બિલ્ડિંગના બારમા માળે લાગેલી આગમાં લૉબી બળીને ખાખ: સદ્ભાગ્યે કોઈને ઈજા નથી થઈ
વિદ્યાવિહાર-વેસ્ટના નીલકંઠ કિંગડમ કૉમ્પ્લેક્સના અવંતી બિલ્ડિંગમાં સોમવારે લાગેલી આગમાં બળીને ખાખ થઈ ગયેલી બારમા માળની લૉબી.
વિદ્યાવિહાર-વેસ્ટના નીલકંઠ કિંગડમ કૉમ્પ્લેક્સના અવંતી બિલ્ડિંગના બારમા માળના કૉમન એરિયામાં સોમવારે સવારે પાંચ વાગ્યે આગ ભભૂકી ઊઠી હતી. વહેલી સવારની આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ પેસી ગયો હતો. જોકે રહેવાસીઓની સતર્કતા અને સમયસર કાર્યવાહીથી કોઈને ઈજા નહોતી થઈ. આગને કારણે બારમા માળની સંપૂર્ણ લૉબી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. લૉબીમાં રાખવામાં આવેલાં ફર્નિચર અને શૂ-રૅક્સને ભારે નુકસાન પહોંચ્યું હતું તેમ જ દીવાલની ટાઇલ્સ ઊખડી ગઈ હતી. નીલકંઠ કિંગડમ કૉમ્પ્લેક્સમાં ૭ બિલ્ડિંગો છે જેમાં છેલ્લા ૯ મહિનામાં આગની આ ત્રીજી ઘટના છે.
આ સોસાયટીમાં રહેતાં ઍડ્વોકેટ સ્તુતિ ગલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૯ મહિનામાં આગની આ ત્રીજી દુર્ઘટનાથી અમારા કૉમ્પ્લેક્સમાં હાહાકાર મચી ગયો છે. આ પહેલાં માર્ચમાં તક્ષશિલા સોસાયટીમાં આગ લાગી હતી જેમાં એક સુરક્ષારક્ષકનું મોત થયું હતું અને એક સુરક્ષારક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. એ સિવાય આ ઘટનામાં કેટલાક રહેવાસીઓને પણ નાની-મોટી ઈજા થઈ હતી. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં અમારા પરિસરમાં આવેલા નીલકંઠ બિઝનેસ પાર્ક જે કમર્શિયલ કૉમ્પ્લેક્સ છે ત્યાં આગ લાગી હતી.’
ADVERTISEMENT
સ્તુતિ ગલિયાએ સોમવારની આગની માહિતી આપતાં કહ્યું હતું કે ‘આગ ફાટી નીકળ્યા બાદ સાવચેતીના પગલા તરીકે થોડા સમય માટે ગૅસ-કનેક્શન અને લિફ્ટ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. ફાયર-બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે અને સુરક્ષા-તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લિફ્ટ બંધ રાખવામાં આવશે. લિફ્ટ ફાયર ઇન્સ્પેક્શન રિપોર્ટ આવ્યા પછી શરૂ કરવામાં આવશે. ૯ મહિના પહેલાં તક્ષશિલા બિલ્ડિંગની આજે પણ એક લિફ્ટ બંધ છે. લિફ્ટ બંધ થવાથી સિનિયર સિટિઝનો અને મહિલાઓ માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે.’


