Mumbai Crime News: મુંબઈના મલાડ સ્થિત મઢ આઇલૅન્ડ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રેહેજા એક્ઝોટિકા હાઉસિંગ સોસાયટીમાંથી ગુમ થયેલા `મિકી` નામના કમ્યુનિટિ ડૉગના શંકાસ્પદ મોતના કેસમાં રાજ્યની ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે.
મિકી
મુંબઈના મલાડ સ્થિત મઢ આઇલૅન્ડ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રેહેજા એક્ઝોટિકા હાઉસિંગ સોસાયટીમાંથી ગુમ થયેલા `મિકી` નામના કોમ્યુનિટી ડૉગના શંકાસ્પદ મોતના કેસમાં રાજ્યની ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ડિરેક્ટોરેટ ઑફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (DFSL) દ્વારા સ્ટ્રીટ ડૉગ્સની સંભવિત હત્યાની ઘટનાની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોસાયટીના રહેવાસી અને અભિનેતા સંકેત કદમે માલવાણી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકેત કદમના જણાવ્યા અનુસાર, 29 મેના રોજ અભિનેત્રી અને સોસાયટીની રહેવાસી મંજરી ફડનીસે જાણ કરી હતી કે `મિકી` સોસાયટીમાંથી ગુમ થઈ ગયો છે. ત્યારબાદ બંનેએ સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મિકીને શોધવા માટે મેસેજિસ અને અપીલો કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી.
કદમે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે સોસાયટીના સચિવ પાસે ડૉગના ગુમ થવા અંગે પૂછપરછ કરી ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો નહોતો. વધુમાં સોસાયટીના મેનેજર અને હાઉસકીપિંગ સુપરવાઇઝરે CCTV ફૂટેજ બતાવવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે ફૂટેજ "ફોર્મેટ" થઈ ગયું છે.
View this post on Instagram
પોલીસને આપેલા નિવેદનમાં કદમે એવો પણ આરોપ મૂક્યો છે કે સોસાયટીના સંચાલન દ્વારા લાંબા સમયથી મિકી પ્રત્યે દુશ્મનાવટભર્યું વલણ અપનાવવામાં આવતું હતું. તેમના જણાવ્યા અનુસાર, સોસાયટીના કેટલાક કર્મચારીઓ અગાઉ પણ કૂતરાને માર મારતા હતા અને તેને પરિસરમાંથી દૂર હાંકી કાઢવાનો પ્રયાસ કરતા હતા. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમણે શંકા વ્યક્ત કરી છે કે મિકીને મારી નાખવામાં આવ્યો હોઈ શકે છે અને પુરાવા નષ્ટ કરવા માટે તેના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હોઈ શકે છે.
સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગ હેઠળની DFSL પણ સક્રિય થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, DFSLની વિશેષ ફોરેન્સિક ટીમે રવિવારે સોસાયટીની મુલાકાત લઈને શંકાસ્પદ સ્થળોની તપાસ કરી હતી અને ત્યાંથી અનેક ભૌતિક પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ દરમિયાન મળેલા સંભવિત લોહીના ડાઘોના નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે તેની તપાસથી સ્પષ્ટ થશે કે તે લોહી ગુમ થયેલા મિકીનું છે કે નહીં.
સામાન્ય રીતે પ્રાણી ક્રૂરતાના કેસોમાં મર્યાદિત કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ કેસમાં રાજ્યની ટોચની ફોરેન્સિક એજન્સીની સંડોવણી દર્શાવે છે કે હવે સમુદાયના પ્રાણીઓ વિરુદ્ધના ગુનાઓને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. ફોરેન્સિક તપાસના પરિણામોના આધારે કેસમાં આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
આ કેસમાં મદદ કરી રહેલા પ્રાણી કલ્યાણ કાર્યકર ઝેવિયર સેન્ટિયાગોએ જણાવ્યું હતું કે જો કોઈ પ્રાણીની ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હોય તો તેને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61 હેઠળ ગુનાહિત ષડયંત્ર તરીકે ગણવામાં આવવું જોઈએ. તેમના મતે, જીવંત પ્રાણીની હત્યા માટે રચાયેલા ષડયંત્રને ગંભીર ગુના તરીકે જોવાની જરૂર છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો
આ દરમિયાન, મંજરી ફડનીસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે એક વ્યક્તિએ કબૂલાત કરી છે કે મિકીને લોખંડના સળિયાથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સીડીના વિસ્તારમાં ખેંચી લઈ જઈને ફરીથી માર મારવામાં આવ્યો અને પછી ગૂણિયાના થેલામાં ભરી નજીકની ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
વીડિયોમાં ભાવુક મંજરીએ કહ્યું હતું, "મિકીના લાંબા વાળ હતા. અમે તેને ઘરે લઈ જઈને નવડાવતા, તેની સંભાળ રાખતા અને તેના વાળની ગ્રૂમિંગ પણ કરતા. તે ખૂબ જ પ્રેમાળ અને ખુશમિજાજ ડૉગ હતો, પરંતુ હવે તે અમારી વચ્ચે નથી."
મિકી માટે ન્યાયની માગણી કરતા, અભિનેત્રી નુસરત ભરુચા, ભૂમિ પેડનેકર અને સંધ્યા મૃદુલ સહિત અનેક ફિલ્મ અને ટેલિવિઝન કલાકારોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
