Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વરલીની ફાર્મા કંપનીના ગુજરાતી માલિક સાથે ચાઇનીઝ છેતરપિંડી

વરલીની ફાર્મા કંપનીના ગુજરાતી માલિક સાથે ચાઇનીઝ છેતરપિંડી

Published : 11 June, 2026 07:23 AM | Modified : 11 June, 2026 08:34 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

સાઇબર ગઠિયાઓએ ચીનની સપ્લાયર કંપનીનું હૂબહૂ ઈ-મેઇલ આઇડી બનાવીને ૨૦ લાખ રૂપિયાનો ફટકો માર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વરલીના ઍની બેસન્ટ રોડ પર આવેલી એક ફાર્માસ્યુટિકલ કંપનીના ગુજરાતી માલિક સાથે ૨૦,૧૧,૬૨૫ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કંપનીના ૪૨ વર્ષના ગુજરાતી માલિકની ફરિયાદના આધારે સેન્ટ્રલ સાઇબર સેલે મંગળવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ગઠિયાઓએ ચીનની સપ્લાયર કંપનીના અધિકારીઓનું હૂબહૂ દેખાતું નકલી ઈ-મેઇલ આઇડી તૈયાર કરીને આ આખી છેતરપિંડી આચરી છે. ફરિયાદીની કંપનીના બૅન્ક-ખાતામાંથી ૨૧,૧૭૫ અમેરિકન ડૉલર દુબઈના એક બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરાવીને આ ગુનો આચરવામાં આવ્યો છે. બોરીવલીમાં રહેતા અને વરલી ખાતે ફાર્માસ્યુટિકલ કંપની ધરાવતા ૪૨ વર્ષના ગુજરાતી વેપારી ઍલોપૅથિક દવાઓ બનાવવા માટે વિદેશમાંથી કાચો માલ મગાવે છે અને પ્રોસેસ કરીને દવાઓ બહારના દેશોમાં નિકાસ કરે છે.

શું હતો ઘટનાક્રમ?
વરલીની આ કંપની પોતાના કાચા માલ માટે ચીનની એક ફાર્માસ્યુટિકલ કંપની સાથે ઑગસ્ટ ૨૦૨૫થી ઈ-મેઇલ દ્વારા નિયમિત સંપર્કમાં હતી. એપ્રિલ ૨૦૨૬માં કંપનીએ ચીનની આ કંપનીને ૬૦૫ કિલો કાચો માલ ખરીદવા માટે કુલ ૨૧,૧૭૫ અમેરિકન ડૉલર ઑર્ડર આપ્યો હતો.
દરમ્યાન ૧૯ મેની સાંજે ચીનની કંપની તરફથી ઑફિશ્યલ ‘સેલ્સ કૉન્ટ્રૅક્ટ’ આવવાનો હતો, પરંતુ સાઇબર ગુનેગારોએ ચીનની કંપનીનું અસલી ઈ-મેઇલ આઇડી જેવું જ દેખાતું નકલી ઈ-મેઇલ આઇડી બનાવીને નકલી સેલ્સ કૉન્ટ્રૅક્ટ મોકલી આપ્યો હતો.
આ નકલી સેલ્સ કૉન્ટ્રૅક્ટમાં સાઇબર ગઠિયાઓએ પેમેન્ટ ચીનની બૅન્કના બદલે દુબઈની  બૅન્કના ખાતામાં કરવા જણાવ્યું હતું. જ્યારે વરલીની કંપનીએ આ વિશે સવાલ કર્યો ત્યારે ગઠિયાઓએ નકલી ઈ-મેઇલથી એવો જવાબ આપ્યો કે ચીનમાં હાલમાં ઇન્ટરનૅશનલ પેમેન્ટ સ્વીકારવામાં ટેક્નિકલ સમસ્યા નડે છે એથી બિઝનેસમાં મોડું ન થાય એ માટે તેઓ દુબઈ અકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે.
સાવચેતીના ભાગરૂપે કંપનીના માલિકે ૨૬ મે પહેલાં પચીસ ડૉલર (ભારતીય ચલણ મુજબ ૨૩૭૫ રૂપિયા) ટેસ્ટ પેમેન્ટ તરીકે મોકલ્યા હતા ત્યારે ગઠિયાઓએ બીજા જ દિવસે નકલી આઇડી પરથી પૈસા મળી ગયાનો ખોટો ઈ-મેઇલ કર્યો હતો. વિશ્વાસ બેસતાં જ ફરિયાદીએ ૨૭ મેએ બાકીના ૨૧,૧૫૦ ડૉલર (ભારતીય ચલણ મુજબ ૨૦,૦૯,૨૫૦ રૂપિયા) ઑનલાઇન બૅન્કિંગ દ્વારા ટ્રાન્સફર કરી દીધા હતા.
૨૯ મેએ ગઠિયાઓએ ફરીથી એક નકલી ઈ-મેઇલ મોકલ્યો કે રશિયન ગ્રાહકોના કોઈ ઈશ્યુના લીધે અમારું દુબઈનું ખાતું બ્લૉક થઈ ગયું છે અને પૈસા મળ્યા નથી. દરમ્યાન ૧ જૂને ચીનની અસલી કંપનીના સેલ્સ મૅનેજરે ભારતીય કંપનીના પરચેઝ મૅનેજરને વૉટ્સઍપ કૉલ કરીને જણાવ્યું કે અમને હજી સુધી કોઈ પેમેન્ટ મળ્યું નથી.
જ્યારે બન્ને કંપનીઓએ સાથે મળીને ઈ-મેઇલ આઇડી ચેક કર્યા ત્યારે આખી છેતરપિંડી સામે આવી હતી. સાઇબર ગઠિયાઓએ અસલી અધિકારીઓનાં નામનો જ ઉપયોગ કર્યો હતો પણ અંદરના ઈ-મેઇલ ઍડ્રેસ બદલી નાખ્યાં હતાં.
ચીનની કંપનીનો નકલી લોગો અને નકલી ઈ-મેઇલ વાપરીને કુલ ૨૦,૧૧,૬૨૫ રૂપિયા પડાવી લેવાતાં આખરે ફરિયાદીએ સેન્ટ્રલ વિભાગ સાઇબર સેલમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 08:34 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK