ફરિયાદી મહિલાએ CCTV કૅમેરાનાં ફુટેજ પરથી આરોપીને ઓળખ્યો
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં લોકલ ટ્રેનમાં એક મહિલા મુસાફરના ૪.૫૦ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવાના આરોપસર ૪૫ વર્ષની વ્યક્તિની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે વિવિધ રેલવે-સ્ટેશનો અને પનવેલ ST બસ-સ્ટૅન્ડના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે ‘તપાસ દરમ્યાન CCTV કૅમેરાના ફુટેજમાં ટોપી પહેરેલો એક શંકાસ્પદ શખ્સ નજરે પડ્યો હતો. ફરિયાદી મહિલાએ તે વ્યક્તિને ઓળખી કાઢી હતી જે લોકલ ટ્રેનના ડબ્બામાં તેની બાજુમાં બેઠી હતી.’
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ આરોપી ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પશુઆહાર ખરીદવા માટે અવારનવાર બજારમાં આવે છે. આ માહિતીના આધારે પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ રવાના કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસની મદદથી બિજનૌરની રઝા કૉલોનીમાં દરોડો પાડીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે ‘આરોપી પાસેથી ચોરી કરાયેલા સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા છે. આ ગુનામાં સામેલ તેના અન્ય ૩ સાથીદારોની પણ ઓળખ થઈ ગઈ છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.’
