Mumbai: નાલાસોપારામાં એક ઇમારતના થાંભલાઓમાં તિરાડો જોવા મળી અને માળખું એક તરફ ઝુકવા લાગ્યું હતું; સાવચેતીના પગલા તરીકે ૧૨૫ રહેવાસીઓનું સ્થળાંતર; વીવીએમસીએ પડોશી ઇમારતને પણ ખાલી કરાવી
નાલાસોપારા પૂર્વમાં આવેલ સબા એપાર્ટમેન્ટ લગભગ ૨૦ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી (તસવીર સૌજન્યઃ મિડ-ડે)
પાલઘર (Palghar) જીલ્લામાં આવેલ વસઈ (Vasai)માં ગત અઠવાડિયે એક ઇમારત પડી જવાની દુર્ઘટનામાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગટના હજી તો તાજી જ છે. ત્યાં પાલઘર જીલ્લાના નાલાસોપારા (Nalasopara)માં વધુ એક જર્જરિત ઇમારત પર પ્રશાસનની નજર પડી છે. જોકે, ક્ષતિગ્રસ્ત ઇમારતની જાણ વહેલી તકે થતા તે ઇમારતમાં રહેતા ૧૨૫ રહેવાસીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અધિકારીઓ જરુરી પગલાં લઈ રહ્યાં છે.
વસઈ-વિરાર (Vasai-Virar)માં જર્જરિત બાંધકામોનો ખતરો ફરી એકવાર સામે આવ્યો છે. મંગળવારે સાંજે, નાલાસોપારા પૂર્વના રહમત નગર (Rahmat Nagar)માં એક રહેણાંક ઇમારત ક્ષતિગ્રસ્ત થાંભલાને કારણે ખતરનાક રીતે ઝૂકી ગયા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં બાજુની બે ઇમારતોને પણ અસર થઈ હતી, જેના કારણે અધિકારીઓને ત્રણેય ઇમારતો ખાલી કરાવવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
નાલાસોપારા પૂર્વમાં આવેલ સબા એપાર્ટમેન્ટ (Saba Apartment)માં તિરાડો દેખાયા બાદ મંગળવારે સાંજે ખાલી કરાવવામાં આવ્યું છે.
નાલાસોપારા પૂર્વમાં આવેલા સબા એપાર્ટમેન્ટના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ માળખું લગભગ ૨૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ, ઇમારતના થાંભલાઓમાં તિરાડો જોવા મળી અને માળખું એક તરફ નમી ગયું. સાવચેતીના પગલા તરીકે, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (Vasai-Virar Municipal Corporation - VVMC)એ પડોશી ઇમારત પણ ખાલી કરાવી.
સબા એપાર્ટમેન્ટમાં ૨૦ પરિવારો અને લગભગ ૧૨૫ રહેવાસીઓ રહે છે, જ્યારે બાજુની ઇમારતમાં ૩૨ ફ્લેટ છે જેમાં લગભગ ૧૧૫ રહેવાસીઓ રહે છે. બધા રહેવાસીઓને કામચલાઉ આશ્રય માટે નાલાસોપારા પૂર્વમાં પૂજારી હોલ (Pujari Hall) અને સ્થાનિક મદરેસામાં ખસેડવામાં આવ્યા હતા.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન (VVMC)ના અધિકારીઓએ પાછળથી સ્ટ્રક્ચરલ ઓડિટ હાથ ધર્યું અને સબા એપાર્ટમેન્ટને C2-A શ્રેણી હેઠળ સૂચિબદ્ધ કર્યું, જેનો અર્થ એ થયો કે ઇમારત તોડી પાડવામાં આવશે અને ફરીથી વિકસાવવામાં આવશે.
સબા એપાર્ટમેન્ટના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, ‘સોસાયટીએ સમારકામ અંગે ચર્ચા કરવા માટે બપોરે 3 વાગ્યે બેઠક બોલાવી હતી. પરંતુ જ્યારે અમે તપાસ કરી ત્યારે અમને થાંભલાઓમાં તિરાડો જોવા મળી. અમને ઇમારત એક તરફ નમેલી પણ જોવા મળી. અમે તાત્કાલિક ઇમારત ખાલી કરી અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનને તેના વિશે જાણ કરી.’
રહેવાસીઓએ જાણ કર્યા બાદ VVMCના અધિકારીઓ, નાલાસોપારા પોલીસ (Nalasopara Police) અને મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખી ઇમારત ખાલી કરાવી દેવામાં આવી હતી.
ઇમારત ધરાશાયી થાય તે પહેલાં રહેવાસીઓએ ઉતાવળમાં પોતાનો કિંમતી સામાન ઉપાડી લીધો હતો અને તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


