ટીનેજર ક્લાસ પર પહોંચતાં તે તેને કોચિંગ ક્લાસની ઑફિસમાં લઈ ગયો હતો અને તેનો વિનયભંગ કર્યો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નાલાસોપારાના કોચિંગ ક્લાસમાં કેમિસ્ટ્રી ભણાવતા ૪૨ વર્ષના ટીચરે ૧૬ વર્ષની સ્ટુડન્ટનો વિનયભંગ કર્યો હોવાની ફરિયાદ નોંધાતાં નાલાસોપારા પોલીસે ટીચરની ધરપકડ કરી હતી. પોલીસે નોંધેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ટીચરે પીડિત ટીનેજરને શનિવારે બપોરે એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી હતી. ટીનેજર ક્લાસ પર પહોંચતાં તે તેને કોચિંગ ક્લાસની ઑફિસમાં લઈ ગયો હતો અને તેનો વિનયભંગ કર્યો હતો. બીજા દિવસે આરોપી ટીચરે ક્લાસ વખતે તેનો ફોટો પાડવાનો પ્રયાસ કર્યો હતો પણ ટીનેજરે તેને રોક્યો હતો. એ પછી ટીનેજરે તેના પેરન્ટ્સને આ વિશે જાણ કરતાં પેરન્ટ્સ ક્લાસ પર આવી પહોંચ્યા હતા. તેમણે ટીચરને પકડી પોલીસને સોંપ્યો હતો. નાલાસોપારા પોલીસે આરોપી ટીચર સામે ભારતીય ન્યાય સંહિતાની વિનયભંગની કલમ અને પીડિત ૧૬ જ વર્ષની હોવાથી પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો હતો. પીડિતે કહ્યું હતું કે આ પહેલાં પણ આરોપી તેની પાસે ઘણી વાર સેક્સ્યુઅલ ફેવર માગી ચૂક્યો હતો.


