મુલુંડના ૭૫ વર્ષના મહેન્દ્ર સાવલાની ઇચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવાને બદલે દેહનું દાન કર્યું પરિવારે, આંખો અને ત્વચા પણ ડોનેટ કરી
પર્વત પર કુદરતી સૌંદર્યને માણી રહેલા મુલુંડના મહેન્દ્ર સાવલા.
આપણામાં કહેવાય છે કે માણસ કેટલું જીવ્યો એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તે કેવું જીવ્યો. મુલુંડ-વેસ્ટના ‘ગાર્ડિયન ઑફ માઉન્ટન્સ, અ ફ્રેન્ડ ટુ ધોઝ ઇન નીડ’ના સૂત્રને સાકાર કરનારા ૭૫ વર્ષના મહેન્દ્ર સાવલા જીવતેજીવ તો અનેક લોકોને મદદગાર થયા જ હતા, પરંતુ તેમના મૃત્યુ પછી તેમના પરિવારે તેમની આંખો અને ત્વચા સંબંધિત બૅન્કોને અને તેમના દેહને મુંબઈની જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સના ડિપાર્ટમેન્ટ ઑફ ઍનૅટૉમી (શરીરરચના વિભાગ)માં તબીબી સંશોધન અને અભ્યાસ માટે દાન કરીને તેમની સ્મૃતિને જીવંત રાખી છે. એટલું જ નહીં, તેમના ભોલે ગ્રુપના મિત્રોએ પણ તેમના નામે એક વૃક્ષ વાવીને તેમની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જે તેમના જીવનમાં તેમની શાશ્વત હાજરીનું પ્રતીક બની રહેશે. મૂળ કચ્છી વીસા ઓસવાળ જૈન મહેન્દ્ર સાવલા દયા અને કરુણાની દીવાદાંડી હતા. ૪૦ વર્ષ પહેલાં મુલુંડમાં સ્થાયી થયા પછી મહેન્દ્રભાઈ સાદગી અને અહંકારના અભાવથી પ્રેરિત જીવન જીવ્યા હતા. તેમણે અતૂટ પ્રતિબદ્ધતા સાથે મુલુંડની ક્રેસન્ટ એન્જિનિયરિંગમાં ચાર દાયકા સુધી કામ કર્યું હતું. એમાં તેમને તેમના સાથીદારો તરફથી આદર અને પ્રશંસા મળ્યાં હતાં. મુલુંડ ટેકરી પર વરસાદ હોય કે તડકો, તેઓ રોજ સવારે ત્યાં વૉક કરવા જતા હતા. તેઓ ફક્ત શારીરિક સુસજ્જતા માટે નહીં પરંતુ તેમના મિત્રોને મળવા, પ્રાણીઓને ફૂડ ખવડાવવા અને પ્રકૃતિ સાથે જોડાવા ટેકરી પર જતા હતા અને એ તેમની શિસ્તબદ્ધ દિનચર્ચા હતી. આ દિનચર્ચા તેમની સહાનુભૂતિ અને સમર્પણમાં વિસ્તરી હતી. એમાં તેઓ જરૂરિયાતમંદોમાં નિયમિત ચોખા, દાળ, તેલ, ખાંડ અને લોટ જેવાં આવશ્યક કરિયાણાનું વિતરણ કરતા હતા. તેમના દયા અને કરુણામય જીવને તેમની આસપાસના લોકોના જીવન પર ઊંડી છાપ છોડી છે. તેમના અવસાન પછી પણ તેમનો વારસો તેમના સ્પર્શેલાં અસંખ્ય જીવન દ્વારા જીવંત રહેશે એમ જણાવતાં તેમનાં પત્ની મંજુબહેન અને તેમના પુત્ર પ્રાર્થ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ જ્યારે જીવતા હતા ત્યારે તેમણે પોતાનું જીવન બીજાઓની સેવા માટે સમર્પિત કર્યું હતું અને તેમની ઇચ્છા હતી કે તેમના મૃત્યુ પછી પણ તેઓ બીજા લોકોની સેવા કરી શકે. જ્યારે અમે સપ્તાહના અંતે સાથે બેસતા ત્યારે તેઓ કહેતા કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે હું નથી ઇચ્છતો કે લોકો મારા મૃત્યુ પાછળ શોક કે પ્રાર્થના કરે. તેઓ તેમના મૃત્યુ બાદ તેમના શરીરનું દાન કરવા માગતા હતા જેથી તેઓ મૃત્યુ બાદ પણ અન્ય લોકોને કામ આવી શકે. આથી જ બુધવારે ૨૦ ઑગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે તેમનું હાર્ટ-અટૅકથી મૃત્યુ થયા પછી અમે તેમના મૃતદેહને ગુરુવારે સવારે એક કલાક માટે દર્શનાર્થે રાખ્યો હતો. ત્યાર પછી તેમની ઇચ્છા પૂરી કરવા માટે અમે તેમની આંખો સ્વ. શ્રીમતી શકુનદેવી મુલતાનમલજી મહેતા આઇ બૅન્ક-ભાંડુપને તેમ જ તેમની ત્વચા નવી મુંબઈના ઐરોલીમાં આવેલા નૅશનલ બર્ન્સ સેન્ટરને દાન કરવાનું પસંદ કર્યું હતું. અંતે અમે તેમના દેહનું સંશોધન અને અભ્યાસના હેતુ માટે મુંબઈની જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સને દાન કર્યું હતું જે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે તેમના એજ્યુકેશન અને રિસર્ચમાં મદદગાર બની શકશે.’ મંજુબહેને વધુમાં કહ્યું હતું કે ‘અમે તેમના મૃત્યુનો શોક મનાવવાને બદલે તેમના જેવી અદ્ભુત વ્યક્તિનું જીવન અને તેમની સેવાનો વારસો તેમની આસપાસના લોકોમાં ઊંડી અસર કરે એ રીતે વિદાય આપીને મૃત્યુનો મહોત્સવ મનાવ્યો હતો. અમે તેમની સેવા અને કરુણાની વિચારધારાને આગળ ધપાવીને અન્ય લોકો તેમના પગલે ચાલીને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવે એ માટે કટિબદ્ધ છીએ.’
સારા ટ્રેકર હતા મહેન્દ્ર સાવલા
ADVERTISEMENT
સાહસિક સ્વભાવના મહેન્દ્રભાઈએ ટ્રેકિંગના પોતાના જુસ્સાને અતૂટ ઉત્સાહ સાથે આગળ ધપાવ્યો હતો. મુલુંડ ટેકરી સુધી નિયમિત ચડાણથી લઈને કળસુબાઈ અને ડ્યુક્સ નોઝ જેવાં સહ્યાદ્રિ પર્વતમાળાનાં પ્રતિષ્ઠિત શિખરો તેમણે સર કર્યાં હતાં. તેમની ટ્રેકિંગ યાત્રાઓ તેમને ભવ્ય હિમાલય પર્વતમાળાઓ અને નૈનિતાલ અને સ્પીતિના આકર્ષક લૅન્ડસ્કેપ્સમાં પણ લઈ ગઈ હતી.


