પોલીસ બનીને જ્વેલરી-કંપનીમાં ફોન કર્યો, પછી ડિલિવરી માટે પોલીસચોકી નજીક બોલાવીને ચાલાકીથી ૨,૧૩,૦૦૦ રૂપિયાની ગિની લઈને રફુચક્કર થઈ ગયો
પ્રતીકાત્મક તસવીર
કાલબાદેવીના ઝવેરીબજારમાં પટવા ચાલ નજીક શેઠ મેમણ સ્ટ્રીટ પર આવેલી ઍસ્પેક્ટ બુલિયન ઍન્ડ રિફાઇનરી કંપનીના ડિલિવરી-બૉય સુનીલ તાંબેને પોલી-અધિકારી તરીકેની ઓળખ આપીને એક ગઠિયો ૨,૧૩,૦૦૦ રૂપિયાની ગોલ્ડની બે ગિની લઈને નાસી ગયો હોવાની ફરિયાદ ગઈ કાલે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સાગર શિંદે તરીકેની ઓળખ આપીને એક યુવાને ઍસ્પેક્ટ બુલિયન ઍન્ડ રિફાઇનરી કંપનીમાં ફોન કરીને બે ગિનીનો ઑર્ડર આપ્યો હતો. ત્યાર બાદ ગિનીની ડિલિવરી માટે પોલીસચોકી નજીક બોલાવીને ચતુરાઈપૂર્વક સુનીલ પાસેથી ૨૪ કૅરૅટની ૨૦ ગ્રામની બે ગિની પડાવી લેવામાં આવી હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જગદીશ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે ડિલિવરી-બૉયના સ્ટેટમેન્ટના આધારે અમે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. આ મામલામાં આરોપીને પકડવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.’
ADVERTISEMENT
શું હતો ઘટનાક્રમ?
સુનીલ તાંબેએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં શું થયું હતું એનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો...
સોમવારે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ અમારી કંપનીના કસ્ટમર કૅર પર ફોન કરનારે પોતાની ઓળખ PSI સાગર શિંદે તરીકે આપીને ૨૪ કૅરેટની ૨૦ ગ્રામની બે ગિની ઑર્ડર કરી હતી. તેણે કહ્યું હતું કે સિનિયર અધિકારીના નિવૃત્તિ-કાર્યક્રમમાં અધિકારીને ભેટ આપવા સોનાની ગિની જોઈએ છે.
આ ગિનીની ડિલિવરી ડંકન રોડ પર આવેલી દો ટાંકી પોલીસચોકીમાં કરવા માટે કહેવામાં આવ્યું હતું. હું બિલ અને બે ગિની લઈને ડિલિવરી માટે પોલીસચોકીની બહાર પહોંચ્યો હતો. અંદર જતાં પહેલાં મેં PSI સાગર શિંદેને ફોન કર્યો હતો. એ સમયે તેમણે કહ્યું કે તેમની સામે મોટા અધિકારીઓ બેઠા છે એટલે મને ચોકીની સામે જનતા ટી-સ્ટૉલમાં બેસવા કહ્યું હતું.
આશરે ૨૦ મિનિટ બાદ મને ફરી સાગર શિંદેનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે મારો એક માણસ તારી પાસે આવે છે, તેને તું ગિની આપી દેજે. એ મુજબ પાંચ મિનિટમાં સાગર શિંદેએ મોકલ્યો હોવાનું કહીને એક યુવાન આવ્યો હતો. તે બે ગિની લઈને પૈસા માટે થોડી વારમાં સાહેબ બોલાવશે એમ કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આશરે એક કલાક પછી પણ સાગર શિંદેનો ફોન મને ન આવતાં મેં તેમને ફોન કર્યો હતો. ત્યારે એ નંબર બંધ આવ્યો હતો.
ચોકીની અંદર જઈને તપાસ કરતાં ત્યાં કોઈ સાગર શિંદે ન હોવાનું જણાઈ આવતાં મારી સાથે છેતરપિંડી થઈ હોવાની મને ખાતરી થઈ હતી.
અંતે મેં મારા સિનિયર અધિકારીઓને ઘટનાની જાણકારી આપીને વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


