સુપ્રીમ કોર્ટે સાઉથ મુંબઈના કાલબાદેવીમાં આવેલી ૯૫ વર્ષ જૂની કલ્યાણ ભુવન ઇમારતના ૪૭ ભાડૂતોની તરફેણમાં રીડેવલપમેન્ટનો આદેશ આપતાં ભાડૂતોમાં ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે.
સાઉથ મુંબઈના કાલબાદેવીની ૯૫ વર્ષ જૂની ઇમારત કલ્યાણ ભુવન અને એના ભાડૂતો.
સુપ્રીમ કોર્ટે સાઉથ મુંબઈના કાલબાદેવીમાં આવેલી ૯૫ વર્ષ જૂની કલ્યાણ ભુવન ઇમારતના ૪૭ ભાડૂતોની તરફેણમાં રીડેવલપમેન્ટનો આદેશ આપતાં ભાડૂતોમાં ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મુંબઈમાં જૂની ઇમારતો માટે પુનર્વિકાસ પ્રોજેક્ટ્સમાં ભાડૂતોના સશક્તીકરણને મજબૂત બનાવે છે. આ પહેલાં મુંબઈ હાઈ કોર્ટે નવેમ્બર ૨૦૨૪માં ભાડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને બુધવારે સુપ્રીમ કોર્ટે બહાલી આપી હતી. કલ્યાણ ભુવન (એન્જિનિયરિંગ હાઉસ)ના ભાડૂતો છેલ્લાં ત્રણ વર્ષથી તેમની જર્જરિત સેસવાળી ઇમારતના પુનર્વિકાસ માટે લડી રહ્યા હતા.
આ બાબતની માહિતી આપતાં ભાડૂતો વતી કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરીને જોરદાર લડત આપનાર સ્થાનિક ભાડૂત અને હોલસેલ સાડીના વેપારી જગદીશ મુલચંદાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ૨૦૨૩માં અમારા મકાનમાલિક તરફથી ઇમારત ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે આ ઇમારત જર્જરિત હોવાથી એને તોડી પાડવાની જરૂર છે. જ્યારે અમારી તપાસમાં અમને જાણકારી મળી હતી કે અમારી ઇમારત રિપેરિંગ કરીને એનું જોખમ ટાળી શકાય એમ છે. જોકે અમારા મકાનમાલિક અને મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA-મ્હાડા)ના અધિકારીઓની સાઠગાંઠને પરિણામે અમારા પર નોટિસનો મારો ચાલુ જ રહ્યો હતો. ત્યાર પછી અમારી લડત શરૂ થઈ હતી જેને પરિણામે મ્હાડાએ મહારાષ્ટ્ર સરકારના ૨૦૨૨માં સુધારેલા મ્હાડાના કાયદાની કલમ ૭૯-અ પ્રમાણે અમારા મકાનમાલિકને અમારી ઇમારત રીડેવલપમેન્ટ કરવાની તક આપી હતી. જોકે અમારો મકાનમાલિક નિષ્ક્રિય રહ્યો અને રીડેવલપમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો જેની સામે અમે આ કાયદાની કલમ હેઠળ ભાડૂતોને મળતા હક્ક માટે હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી હતી. આ પહેલાં અમે મ્હાડાની અમારા મકાનમાલિક પાસેથી લેણી નીકળતી રકમ મ્હાડામાં જમા કરાવી દીધી હતી જેને કારણે અમને નવેમ્બર ૨૦૨૪માં હાઈ કોર્ટે રીડેવલપમેન્ટ કરવાની પરવાનગી આપી હતી.’
ADVERTISEMENT
જોકે આખો મામલો ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો એમ જણાવતાં જગદીશ મુલચંદાનીએ કહ્યું હતું કે ‘હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે બુધવારે બહાલી આપી હતી અને કોર્ટે અમને ભાડૂતોને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે મ્હાડાને ભાડૂતોને મિલકતના પુનર્વિકાસનો અધિકાર આપતા લેટર ઑફ ઇન્ટેન્ટ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અમારી આ જીત મુંબઈના પુનર્વિકાસના ક્ષેત્રમાં, ખાસ કરીને જૂની ઇમારતોમાં, ભાડૂત સશક્તીકરણના વધતા વલણને પ્રકાશિત કરે છે.’

