Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેના આ નેતાની વાણી કોઈ નેતા ચલાવી નહીં લે

રાજ ઠાકરેના આ નેતાની વાણી કોઈ નેતા ચલાવી નહીં લે

Published : 24 June, 2025 07:18 AM | Modified : 24 June, 2025 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિન્દીવિરોધી મિજાજમાં MNSના સંદીપ દેશપાંડેએ વિધાનભવનમાં બેઠેલા લોકોને ષંઢ એટલે કે નપુંસક કહ્યા

MNSના સંદીપ દેશપાંડે

MNSના સંદીપ દેશપાંડે


સ્કૂલોમાં કમ્પલ્સરી ત્રીજી ભાષા તરીકે હિન્દી રાખવાના રાજ્ય સરકારના પ્રસ્તાવનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ માટે તેમના દ્વારા સિગ્નેચર કૅમ્પેન પણ ચલાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં, જો સરકાર તેમના આ નિર્ણયને ફેરવી નહીં તોળે તો MNSના કાર્યકરો રસ્તા પર ઊતરી તાંડવ મચાવશે તો એની જવાબદારી સરકારની રહેશે એવું ખુલ્લું અલ્ટિમેટમ MNSના નેતા સંદીપ દેશાપાંડેએ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આપ્યું હતું. એ વખતે એક પત્રકારે તેમને માહિતી આપતાં કહ્યું કે આજે વિધાનભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ફલક, બોર્ડ પર ​ઇંગ્લિશ અને હિન્દીમાં જ લખવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં થઈ રહેલા એ પ્રોગ્રામમાં મરાઠીની જ બાદબાકી કરી દેવામાં આવી છે ત્યારે સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘વિધાનસભામાં બધા ષંઢ બેઠા છે તો બીજું શું થાય? અમે તો એમ કહીએ છીએ કે સરકારની આ નીતિનો વિરોધ કરવા બધા જ મરાઠીઓ રસ્તા પર ઊતરે.’

વિધાનસભામાં બેઠેલા લોકોને ષંઢ એટલે કે નપુંસક કહેતા તેમના આ નિવેદન પછી રાજકારણમાં ખળબળાટ મચી ગયો હતો અને સામસામે પ્રતિક્રિયા આવી રહી હતી. 




ગઈ કાલે કાંદિવલી-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની બહાર હિન્દીના વિરોધમાં લોકોની સિગ્નેચર ભેગી કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો. તસવીર : સતેજ શિંદે

સ્કૂલોમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવા બદલ વિરોધ-પ્રદર્શન હેઠળ સિગ્નેચર કૅમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત સંદીપ દેશપાંડેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં, કર્ણાટકમાં, મધ્ય પ્રદેશમાં, રાજસ્થાનમાં, તામિલનાડુમાં ક્યાંય પણ ત્રીજી ભાષા તરીકે ફરજિયાત હિન્દી વાપરવાની સખ્તી ક્યાંય નથી તો પછી મહારાષ્ટ્રમાં જ કેમ? ત્રીજી ભાષાની સખ્તી કરવાનો આ પ્રયાસ શા માટે સરકાર કરી રહી છે? એની પાછળ એમનો શું ઇરાદો છે? આ સિગ્નેચર કૅમ્પેન દ્વારા અમારો રાજ્ય સરકારને ઇશારો છે કે તમારા આ ધંધા, આ તમારું રાજકારણ રોકો. આજે સહીઆંદોલન કર્યું છે. શાંતિથી આંદોલન કરી રહ્યા છીએ. અમારી શાંતિનો ખોટો અર્થ ન કાઢતા. અમારો સૈનિક જો ચિડાશે તો મહારાષ્ટ્રના રસ્તાઓ પર જે વંટોળ થશે એની જવાબદારી સરકારની રહેશે. જ્યાં સુધી અમે શાંત છીએ ત્યાં સુધી સમજો, જે દિવસે મહારાષ્ટ્ર પેટશે તો એ દિવસે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનની યાદ અપાવ્યા વગર રહીશું નહી.’


સી. ડી. દેશમુખે રાજીનામું આપ્યું હતું

જો સરકાર આ મુદ્દે સાંભળે તો ઠીક નહીં તો અમે રસ્ત પર ઊતરીશું એમ જણાવતાં સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે ‘સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ વખતે જવાહરલાલ નેહરુએ મહારાષ્ટ્ર પ્રત્યે દ્વેષ રાખી મહારાષ્ટ્રને મુંબઈ ન મળે એમ જ્યારે કહ્યું ત્યારે કેન્દ્રમાં રહેલા મહારાષ્ટ્રના પ્રધાન સી. ડી. દેશમુખે તેમને રાજીનામું ધરી દીધું હતું અને કહ્યું હતું કે તમારા મનમાં મહારાષ્ટ્ર પ્રત્યે દ્વેષ છે એથી હું તમારા મંત્રીમંડળમાં નહીં રહું. તેમનો આ આદર્શ હાલના રાજ્યના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર દાદાસાહેબ ભુસેએ અપનાવવો જોઈએ એટલું જ નહીં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને દિલ્હીમાં બેસેલા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ખખડાવીને કહી દેવું જોઈએ કે જો તમારા મનમાં મહારાષ્ટ્ર પ્રત્યે દ્વેષ રાખશો તો આ દાદા ભુસે અહીં પ્રધાનપદે નહીં રહે. ઍટ લીસ્ટ આટલું સ્વા​ભિમાન તો બાળાસાહેબ ઠાકરેનું નામ લેનાર પક્ષે (શિવસેના) જા‍ળવવું જ જોઈએ એવી અમારી માગણી છે.’

અમે ક્યારેય કેમ છો વરલી કે પછી જલેબી ને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા કર્યું નથી : સંદીપ દેશપાંડે

ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા ભૂતકાળમાં ભાષાના મુદ્દે ગુજરાતીઓ સામે બાંયો ચડાવાઈ હતી. જોકે એ પછી ચૂંટણીના સમયે ગુજરાતી મતદારોને આકર્ષવાના પ્રયાસો પણ થયા હતા. એ વખતે વરલીમાં બૉર્ડ લાગ્યાં હતાં કે ‘કેમ છો વરલી’ અને એક એવું પણ કૅમ્પેન ચલાવવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી મતદારોને બોલાવીને જલેબી–ફાફડાનો નાસ્તો પણ કરાવવામાં આવતો હતો અને સ્લોગન વહેતું મુકાયું હતું હતું કે ‘જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા.’ હવે આ જ બાબતને વણી લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા સંદીપ દેશપાંડેએ શિવસેનાને ચીંટિયો ખણ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેના-UBT અને રાજ ઠાકરેના વડપણ હેઠળની MNS વચ્ચે યુતિ થવાની જ્યાં વાતો ચાલી રહી છે ત્યારે MNSના નેતા સંદીપ દેશપાંડેએ ટ્વિટર પર મૂકેલી પોસ્ટને કારણે અનેકનાં ભવાં વંકાયાં છે. શિવસેનાની ટીકા કરતી એ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ‘હા, અમે નવા છીએ પણ ક્યારેય ‘કેમ છો વરલી’ કહીને કોઈના પગ ચાટ્યા નથી. ‘જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપડા’ એવું બોલ્યા નથી. મુસલમાનોના મત મેળવવા પોતાના જ ભાઈના ૨૦,૦૦૦ કાર્યકરો પર કેસ કર્યા નથી. અમને અભિમાન છે, અમે નવા છીએ પણ તમે જૂના થઈને શું ઉખાડી લીધું?’

MNSના જ નેતા બાળા નાંદગાવકરે કહ્યું હતું કે ‘રાજ અને ઉદ્ધવ ઠાકરે બન્ને પાછા સાથે આવે એ માટેની ચર્ચાએ જોર પકડ્યું છે. એ સાથે આવશે કે નહીં એ આપણને ખબર નથી. રાજકારણમાં યોગ્ય સમય આવવો જરૂરી હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2025 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK