Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની આવશ્યકતા હવે શાંતિની નહીં પણ ક્રાન્તિની જરૂરિયાત

હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની આવશ્યકતા હવે શાંતિની નહીં પણ ક્રાન્તિની જરૂરિયાત

Published : 09 June, 2025 07:27 AM | Modified : 10 June, 2025 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાધુ-સાધ્વી ભગવંતોની હત્યાઓના વિરોધમાં નીકળેલી મહારૅલીમાં મહારાજસાહેબોની આક્રમક હાકલ : ​દ​િક્ષણ મુંબઈમાં નીકળેલી હજારો જૈૈનોની મહારૅલીમાં આહ્‍વાન

મહારૅલી

મહારૅલી


જૈનો નમ્ર છે પણ નમાલા નથી. હાલ સફેદી ઘણી વધી છે પણ હવે કેસરિયાં કરવાની જરૂર છે. જૈનોની નસોમાં હવે લોહી નહીં, સાધુ-સંતોની સુરક્ષાનો તેજાબ વહાવવાની જરૂર છે


મંગલ પ્રભાત લોઢાએ રૅલીમાંથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના ગવર્નરને ફોન કર્યો



 


દક્ષિણ મુંબઈના વી. પી. રોડના રસ્તાઓ ગઈ કાલે સેંકડો જૈન સાધુ-સાધ્વી ભગવંતો અને હજારો જૈનોથી ઊભરાઈ ગયા હતા.

ભારતભરના કરોડો જૈનોની વ્યથાની લાગણીને વાચા આપવા શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને શાસન સૈનિક પરિવાર દ્વારા યોજાયેલી રૅલીની શરૂઆત પૂજ્ય ગુરુદેવોનાં માંગલિક પ્રવચનો પછી થઈ હતી. મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ લીલી ઝંડી દેખાડી હતી.


વી. પી. રોડથી શરૂ થયેલી આ રૅલીમાં નાનાં બાળકોથી લઈને મોટેરાઓ શાસનધ્વજ અને અનેક પ્લૅકાર્ડ્સ લઈને જૈનમ જયતિ શાસનમ્‍ના નારા સાથે ‘નહીં ચલેગી નહીં ચલેગી, સાધુહત્યા નહીં ચલેગી’ના જયઘોષ સાથે રિલાયન્સ હૉસ્પિટલ સર્કલ, એસ. વી. પી. રોડ, ગોકુલધામ હોટેલ, નાનુભાઈ દેસાઈ રોડ, માધવબાગ, સી. પી. ટૅન્ક સર્કલ થઈને ભુલેશ્વર ગોડીજી જૈન મંદિર પહોંચીને ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.

જૈનાચાર્ય પુંડરિક રત્નસૂરીશ્વરજી અને શ્રી અભિનંદન મુનિની કથિત હત્યાને ઍ​ક્સિડેન્ટલ ડેથમાં ખપાવવાની જે સાજિશ કરવામાં આવી અને છેલ્લાં ૧૦ વર્ષમાં પચાસથી વધુ મહાત્માઓની એકસરખી રીતરસમથી જે પ્રમાણે હત્યા કરવામાં આવી છે એની સામે સભામાં ખૂબ આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. મંગલ પ્રભાત લોઢાએ મુખ્ય પ્રધાન સાથે ફોન પર વાત કરીને સભામાંથી જૈનોની લાગણીનો પડઘો પાડ્યો હતો અને રાજસ્થાનના ગવર્નર સાથે પણ સ્પીકરફોનમાં વાત કરીને ઇન્સ્પેક્ટર જનરલ (IG) ઑફ પોલીસ લેવલના અધિકારીની હાજરીમાં સ્થાનિક જૈન આગેવાનને સાથે રાખીને રાજ્યસ્તરની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ  (SIT)ની સ્થાપના કરવામાં આવે અને આ હત્યાઓના મૂળમાં રહેતાં તત્ત્વોની ધરપકડ કરવામાં આવે એવી વાત પૂજ્ય ગુરુભગવંતોએ રાજ્યપાલને કરી હતી. બન્ને જગ્યાએથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમે આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લેવા માટે કટિબદ્ધ છીએ. રવિવારની રજા હોવા છતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કલેક્ટરને આવેદનપત્ર સ્વીકારવા મોકલ્યાં હતાં અને તેમણે પણ આ બાબતમાં ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.

જૈનાચાર્ય શ્રી રાજપરમસૂરીશ્વરજી મહારાજસાહેબે તમામ જૈનોને આવી બાબતમાં પોતાનો રોષાગ્નિ પ્રગટ કરીને શાસનસુરક્ષા કરવા આગળ આવવાની અપીલ કરી હતી.

આચાર્ય ભગવંત શ્રી અક્ષયચંદ્રસાગરસૂરિજી મહારાજસાહેબે કહ્યું હતું કે અમે જૈનોને કાયદાઓ પાળવાની સમજ આપીએ છીએ અને એ જ સાધુભગવંતોની આવી નિર્મમ હત્યાનો અવાજ સરકાર સુધી પહોંચવો જોઈએ.

ગણિવર્ય જિનરત્ન વિ. મ. સા.ના શિષ્યરત્ન પ્રભુશાસનવિજયજીએ માર્મિક શૈલીમાં કહ્યું હતું કે ‘જૈનો નમ્ર છે પણ નમાલા નથી. વિરતિથી જિનશાસનની સ્થાપના થાય છે, પણ ચાલના અને રક્ષા વીરતાથી થાય છે. હાલ સફેદી ખૂબ વધી છે, પણ હવે કેસરિયાં કરવાની જરૂર છે. જૈનોની નસોમાં હવે લોહી નહીં, સાધુ-સંતોની સુરક્ષાનો તેજાબ વહાવવાની જરૂર છે.’

પંન્યાસ શ્રી રાજધર્મવિજયજી મહારાજસાહેબ અને સભાનું સફળ સંચાલન કરનાર રાજસુંદરવિજયજી મહારાજસાહેબે પહલગામ અટૅક સાથે સરખાવીને અહો જિનશાસનના નારા સાથે હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની આવશ્યકતા પર જોર આપ્યું હતું.

આચાર્ય ભગવંત નયપદ્મસાગરજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘ટ્રકોના માલિકોની ધરપકડ કરીને ટ્રકની જપ્તી કરવી જોઈએ અને પ​બ્લિક પ્રોસિક્યુટરોએ દિલથી આ કેસ લડીને દોષીઓને જામીન ન મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. પૂ. શ્રી મોક્ષાંગરત્નવિજયજીએ સંરક્ષણાત્મક અને સમર્પણની માર્મિક વાત કરીને લોકોને નાનકડું સટિક કાર્ય કરીને સંતસુરક્ષામાં આગળ વધવાની અપીલ કરી હતી.

પૂ. વિનીતસાગરજી મહારાજસાહેબ તેમ જ પૂ. આચાર્ય ભગવંત જયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબ અને વિનયચંદ્રસાગરસૂરિજીએ સભાને આશીર્વચન આપ્યાં હતાં તેમ જ પૂજ્ય શ્રી યુગંધર વિજયજીના શિષ્યરત્ન શ્રી ધનંજયવિજયજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં સભાને બહુશ્રુત દિવંગત આચાર્ય પુંડરિક રત્નસૂરીજીનો માર્મિક પરિચય આપ્યો હતો.

પૂ. શ્રી વિનમ્રસાગરજી મહારાજસાહેબે પોતાના જોશીલા વક્તવ્યમાં મંગલ પ્રભાત લોઢાની અનુમોદના કરી હતી અને હવે શાંતિની નહીં પણ ક્રાન્તિની જરૂરિયાત પર ભાર આપ્યો હતો.

સમગ્ર સભામાં હકડેઠઠ મેદની થઈ જતાં હજારો જૈનો ગોડીજી જૈન મંદિરની બહાર રસ્તા પર એકઠા થઈને સંતોની રક્ષા અને શાસનસુરક્ષાના નારા બોલાવતા નજરે પડ્યા હતા.

સભાની પૂર્ણાહુતિ બાદ ગોડીજી દેરાસરના ચોથે માળે પૂ. મહાત્માઓની નિશ્રામાં એક પ્રેસ-કૉન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી.

સાધુસંતોની સુરક્ષા માટે સરકાર પગદંડી બનાવે, પોલીસ પ્રોટેક્શન આપે પણ હવે આ કથિત હત્યાઓ ચલાવી લેવામાં નહીં આવે એવી ભાવના સાથે સભા સંપન્ન થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK