સાધુ-સંતોની કથિત હત્યાના વિરોધમાં હજારો જૈનો રસ્તા પર ઊતરશે
પ્રતીકાત્મક તસવીર
આચાર્ય ભગવંત શ્રી પુંડરિક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ અને અભિનંદનવિજયજી મુનિશ્રીની ઘાતકી ઍક્સિડેન્ટલ હત્યાના વિરોધમાં શાંત અને અહિંસક એવા હજારો જૈનો દક્ષિણ મુંબઈના રાજમાર્ગો પર મક્કમતાથી પોતાની વેદના અને વ્યથાને વાચા આપવા ઊતરશે.
આદિત્ય ઍવન્યુ, વી. પી. રોડ, સી. પી. ટૅન્કથી સર્વે ફિરકાઓના સર્વે પૂજનીય ગુરુભગવંતોની નિશ્રામાં નીકળનારી આ મહારૅલી રિલાયન્સ હૉસ્પિટલ સર્કલથી એસ. વી. પી. રોડ, ગોકુલધામ હોટેલથી નાનુભાઈ દેસાઈ રોડ, માધવબાગ, સી. પી. ટૅન્ક સર્કલથી ભુલેશ્વર થઈને ગોડીજી જૈન દેરાસર પાયધુની ખાતે સંપન્ન થશે, જ્યાં અનેક મહાત્માઓ આ ધર્મસભાને સંબોધશે. આજે સવારે ૯ વાગ્યે આ રૅલીની શરૂઆત થશે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને શાસન સૈનિક પરિવાર તરફથી આયોજિત આ રૅલીમાં મહારાષ્ટ્રના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા આગેવાની લેશે અને કલેક્ટરને ત્યાં મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવામાં આવશે.
ADVERTISEMENT
જૈન સાધુઓ રસ્તાની બાજુમાં ચાલીને દિવસના ઉજાસમાં વિહાર કરતા હોવા છતાં તેમના પર કોઈક અસામાજિક તત્ત્વોના ઇશારાથી થતી આવી અનેક હત્યાઓથી જૈન સંઘ ભારે વ્યથિત થયો છે અને હવે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માગણી સાથે સંતોની સુરક્ષા કાજે રસ્તા પર ઊતર્યો છે. સરકારને વિનંતી કરવામાં આવશે કે રાજ્યસ્તરની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સ્થાપના કરવામાં આવે, જેમાં સ્થાનિક જૈન આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવે. પબ્લિક પ્રોસિક્યુટરના ઢીલા વલણથી ગુનેગારોને બેઇલ મળી જાય છે એટલે એ માટે સખત વલણ અપનાવીને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમનાં વાહનની જપ્તી કરવામાં આવે એવી માગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે.
સાધુ-સંતો માત્ર જૈન સંઘની ધરોહર નહીં, પરંતુ ભવ્ય ભારતની દિવ્ય મૂડી અને અનામત છે. તેમની સુરક્ષા માટે ઑપરેશન સિંદૂરની જેમ ઑપરેશન સુરક્ષા જરૂરી છે એવી માગણી ઊઠી છે. હજારો જૈનો રવિવારે સવારે ૯ વાગ્યે દક્ષિણ મુંબઈના રસ્તાઓ પર ઊતરીને પોતાની વ્યથાને વાચા આપશે.

