છગન ભુજબળે આવી ચીમકી આપીને કહ્યું હતું કે અમે પણ ઉપવાસ પર ઊતરીશું, લાખોની સંખ્યામાં મુંબઈ આવીને લડીશું
છગન ભુજબળ
એક બાજુ મનોજ જરાંગે મરાઠાને અનામત અપાવવા અનશન કરી રહ્યા છે ત્યારે જો તેમને અનામત અધર બૅકવર્ડ ક્લાસ (OBC)માંથી આપવામાં આવશે તો OBC સમાજ બીજા જ દિવસે કોર્ટમાં જઈ એને પડકારશે એવી ચીમકી છગન ભુજબળે આપી છે. મનોજ જરાંગેએ માગણી કરતાં કહ્યું છે કે દરેક મરાઠા કુણબી જ છે અને એથી તેમને દરેકને કુણબી સર્ટિફિકેટ આપી OBC હેઠળ ૧૦ ટકા અનામતનો લાભ આપવામાં આવે.
મુંબઈમાં ગઈ કાલે આ સંદર્ભે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છગન ભુજબળની આગેવાની હેઠળ OBC નેતાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બેઠક પછી એમાં શું નિર્ણય લેવાયો એ વિશે જણાવતાં છગન ભુજબળે કહ્યું હતું કે ‘મરાઠા સામાજિક દૃષ્ટિએ પછાત નથી, તેઓ પ્રગતિશીલ છે. મરાઠા અને કુણબી સમાજનું એકીકરણ થઈ જ ન શકે એમ સર્વોચ્ચ ન્યાયાલયે અનેક વાર કહ્યું છે. એમ છતાં સીધેસીધું મરાઠાઓને કુણબીના દાખલા દેવાની માગણી થઈ રહી છે. અમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે પણ બેઠક કરી હતી અને અનામત સંદર્ભે સુપ્રીમ કોર્ટે આ પહેલાં આપેલા નિર્ણય, ચુકાદા અમે તેમની સમક્ષ રજૂ કર્યા હતા. જો તેમણે જરાંગે પાટીલની માગણી અનુસાર સીધેસીધા મરાઠા સમાજને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લીધો તો અમે બીજા જ દિવસે તેની સામે કોર્ટમાં જઈશું એવી ચીમકી અમે તેમને આપી છે.’
ADVERTISEMENT
અનામતનો વિષય મુખ્ય પ્રધાનના હાથમાં હોતો જ નથી એવો દાવો કરીને છગન ભુજબળે કહ્યું હતું કે ‘કેટલાક કુણબી છે તેમની નોંધ છે, એ બાબતે અમારે કશું નથી કહેવું પણ સીધેસીધા મરાઠા સમાજને કુણબી સમાજ ઠેરવી શકાય નહીં. આ બાબત કાયદામાં સ્પષ્ટ હોવા છતાં જો કોઈ એ માટે હઠ કરે તો એ અમને માન્ય નથી. વળી એકાદી જાતિને અમુક કૅટેગરીમાં મૂકવાનું કોઈ પણ મુખ્ય પ્રધાનના હાથમાં નથી હોતું. એ પછી ફડણવીસ હોય કે શરદ પવાર હોય, નકામો શાસનને દોષ દેવાનો કોઈ અર્થ નથી.’
OBCને આપવામાં આવેલી અનામતમાંથી કોઈને પણ ભાગ આપવો નહીં એમ સ્પષ્ટ જણાવતાં છગન ભુજબળે કહ્યું હતું કે ‘જો સરકારે એવો નિર્ણય લીધો તો અમે પણ ઉપવાસ પર ઊતરીશું. જિલ્લા-જિલ્લામાં રૅલી નીકળશે. લાખોની સંખ્યામાં મુંબઈમાં આવી અમારી લડાઈ તીવ્ર કરીશું.’


