સોમવારે બૉમ્બે હાઈ કોર્ટે મરાઠાઓને આંદોલન આઝાદ મેદાન પૂરતું જ સીમિત રાખવાનો આદેશ આપ્યો તો ખરો, પણ... શહેરને બાનમાં લેનારી અનામતની ધમાલ સામે થયેલી જનહિતની અરજી સાંભળતી વખતે અદાલતે બરાબરના ખખડાવ્યા મનોજ જરાંગેને, આજે ત્રણ વાગ્યે ફરી સુનાવણી
ગઈ કાલે સવારે છત્રપતિ શિવાજી ટર્મિનસનાં તમામ પ્લૅટફૉર્મ્સ પર આરામ ફરમાવતા અને રાત્રે બહાર ધમાલ મચાવતા મરાઠા આંદોલનકારીઓ. તસવીર : અતુલ કાંબળે, તસવીર : શાદાબ ખાન
કી હાઇલાઇટ્સ
- આઝાદ મેદાન સિવાય ક્યાંય જવાની આઝાદી નહીં
- બૉમ્બે હાઈ કોર્ટે મનોજ જરાંગેને ખખડાવીને કહ્યું કે CSMT
- મરીન ડ્રાઇવ અને દક્ષિણ મુંબઈમાંથી આંદોલનકારીઓને હટાવો
આજે બપોરે ૪ વાગ્યા સુધીમાં આસપાસના પરિસરને ક્લિયર કરવાનો આદેશ : મુંબઈના જનજીવનને અસ્તવ્યસ્ત કરનારા આંદોલન સામેની જનહિતની અરજીની સુનાવણીમાં અદાલતનો આકરો મિજાજ, આજે ત્રણ વાગ્યે ફરી સુનાવણી
મરાઠા આંદોલનને લઈને ઍમી ફાઉન્ડેશન નામની સંસ્થાએ ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. એ અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘આંદોલન માટે ૫૦૦૦ લોકોની લિમિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ નિયમ અને શરતોનું પાલન કરતા નથી એવું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે. બહુ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ દક્ષિણ મુંબઈમાં ધામા નાખીને પડ્યા છે એને કારણે સામાન્ય મુંબઈગરાઓએ હેરાનગતિ વેઠવી પડી રહી છે. આંદોલન કાબૂની બહાર જઈ રહ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), મરીન ડ્રાઇવ, ફ્લોરા ફાઉન્ટન અને દક્ષિણ મુંબઈમાંથી આંદોલનકારીઓને હટાવવામાં આવે. ફક્ત આઝાદ મેદાન પૂરતું જ આંદોલન સીમિત રહેવું જોઈએ. એ સિવાય ક્યાંય પણ આંદોલનકારી ન દેખાવા જોઈએ. મંગળવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં આખો પરિસર ક્લિયર કરો. હવે પછી વધુ આંદોલનકારીઓ મુંબઈમાં ન આવવા જોઈએ.’
ADVERTISEMENT

આઝાદ મેદાન પાસે રસ્તા પર જમીને ગંદકી કરી મૂકી આંદોલનકારીઓએ. તસવીર : શાદાબ ખાન
આંદોલનકારીઓએ આખો CSMT પરિસર કબજે કરી લીધો છે અને વાહનોની અવરજવર અટકાવી દીધી છે. આખો દિવસ નારાબાજી કરે છે, ઢોલ-નગારાં વગાડે છે, રસ્તા પર જ જમે છે સ્નાન કરે છે, રમત રમે છે. CSMT પર પણ તેઓ બધી રમત રમતા રહે છે. ટોળેટોળાં પ્લૅટફૉર્મ પર બેસી જાય છે, સૂઈ જાય છે એને લીધે મુંબઈગરાની હાલત કફોડી બની છે.

રાત્રે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર ધમાલ. તસવીર : અતુલ કાંબળે
એમાં મનોજ જરાંગેએ હુંકાર કર્યો છે કે અમે અનામત લીધા સિવાય અહીંથી હટીશું નહીં એટલે હવે ગામડાંઓમાંથી વધુ મરાઠાઓ મુંબઈ આવી રહ્યા છે. ઍમી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે મનોજ જરાંગેને આંદોલન કરવાનો અધિકાર છે, પણ આવતી કાલે સ્કૂલો-કૉલેજો બંધ રહેશે તો? નોકરિયાતો ઑફિસ ન જઈ શકે તો? મુંબઈને શાકભાજી ન મળે તો? લોકોના ઘરે દૂધ ન પહોંચે તો? આંદોલનકારીઓની હુલ્લડબાજીને કારણે શું પરિસ્થિતિ ઊભી થશે એની કલ્પના આંદોલન કરનારાઓએ કરવી.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર ટ્રેનની સામે નાચતા મરાઠાઓ. તસવીર : શાદાબ ખાન

ટ્રાફિક અટકાવીને ભરરસ્તે નાહતા આંદોલનકારીઓ.
સરકાર CSMT, મરીન ડ્રાઇવ, ફ્લોરા ફાઉન્ટન અને દક્ષિણ મુંબઈના વિસ્તાર ક્લિયર કરે અને આંદોલનકારીઓને ત્યાંથી હટાવે એવો નિર્દેશ કોર્ટે આપ્યો છે અને સાથે જ આઝાદ મેદાન સિવાય બીજે ક્યાંય આંદોલન કરનારાઓએ ફરવું નહીં એવું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.

આંદોલન છોડીને જુહુ બીચ પહોંચેલા મરાઠા. તસવીરો : નિમેશ દવે

બૉમ્બે હાઈ કોર્ટમાં જસ્ટિસ ગૌતમ અનખડ અને જસ્ટિસ રવીન્દ્ર ઘુગે સામે શું રજૂઆત કરવામાં આવી?
કોર્ટે શું કહ્યું?
હવે બહારથી આવી રહેલા આંદોલનકારીઓને રોકો.
મુંબઈને રોકવાના આંદોલનકારીઓ પ્રયાસ કરી રહ્યા છે.
અમને મનોજ જરાંગેની તબિયતની ચિંતા છે.
ગૅરન્ટી લેટર પરની સહી જરાંગેની જ છે?
મરાઠા આંદોલનકારીઓએ મુંબઈ બ્લૉક કરી દીધું છે કે?
આંદોલન માટે વાનખેડે સ્ટેડિયમ અને બ્રેબર્ન સ્ટેડિયમ આપો એમ કહો છો, એ બન્ને આઇકૉનિક જગ્યાઓ છે; શું તમે એ વાતની ગૅરન્ટી લો છો કે તમારા સમર્થકો એને કશું નુકસાન નહીં પહોંચાડે?
મંગળવાેર સાંજે ૪ વાગ્યા સુધી આઝાદ મેદાન સિવાય કોઈ પણ જગ્યાએ આંદોલનકારીઓ ન હોવા જોઈએ, આખો વિસ્તાર ક્લિયર કરી નાખો.
સરકાર તરફથી ઍડ્વોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે શું કહ્યું?
પાંચ હજાર આંદોલનકારીઓને પરવાનગી આપવામાં આવી હતી પણ વધુ આંદોલનકારીઓ આવ્યા.
પરવાનગી મેળવવા જરાંગેએ ગૅરન્ટી લેટર આપ્યો હતો એમાં નિયમો અને શરતોનું પાલન કરવામાં આવશે એમ જણાવ્યું હતું પણ એનું ઉલ્લંઘન થયું હતું.
આંદોલનને પરવાનગી લંબાવી ન આપવામાં આવી હોવા છતાં આંદોલન ચાલુ રાખવામાં આવ્યું.
આંદોલનકારીઓ કંઈ આરોપીઓ નથી: શ્રીરામ પિંગળે, મનોજ જરાંગેના વકીલ
મનોજ જરાંગેના વકીલ શ્રીરામ પિંગળેએ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ બહાર આવી પત્રકારો સાથે વાત કરી હતી. શ્રીરામ પિંગળેએ કહ્યું હતું કે ‘તમે ૨૭ ઑગસ્ટથી થયેલો ઘટનાક્રમ સમજો. પહેલા જ દિવસે આંદોલનકારીઓને પાણી, ખાવાનું અને શૌચાલયની સુવિધા ન મળી; આવી મૂળભૂત જરૂરિયાતથી તેમને દૂર રાખવામાં આવ્યા. એ બાબતની પ્રતિક્રિયારૂપે આંદોલનકારીઓ તરફથી કેટલીક બાબતો થઈ. જે દિવસે આંદોલનની શરૂઆત થઈ એની કલ્પના સરકારને પણ હતી જ. એથી મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતી સાથે પણ આ બાબતે બેઠક કરવામાં આવી હતી. એમ છતાં આંદોલનકારીઓને મૂળભૂત જરૂરિયાતો પૂરી ન પાડવામાં આવી. મરાઠા આંદોલનકારીઓ કોઈ આરોપીઓ નથી. મનોજ જરાંગેએ આની પહેલાં મરાઠા અનામત માટે ૭-૮ વાર આંદોલન કર્યું છે. જો આ પહેલાં જ સરકારે અનામત આપી દીધું હોત તો તેમને મુંબઈ આવવાની ગરજ જ નહોતી. આંદોલનમાં કેટલાક ઘૂસણખોરો આવી ગયા છે જે હુલ્લડ મચાવે છે. તેમની ખરાબ બાબતો કોર્ટ સમક્ષ બતાવવામાં આવી. મનોજ જરાંગે પાટીલે મુંબઈ આવતાં પહેલાં આંતરવાલીમાંથી નીકળતી વખતે જ મરાઠાઓને કહ્યું હતું કે કોર્ટ અને પ્રશાસનના બધા જ નિયમોનું પાલન કરવામાં આવે. મુંબઈ આવ્યા પછી પણ તેમણે કાયદો અને સુવ્યવસ્થા પાળવા સંદર્ભે આંદોલનકર્તાઓને આહવાન કર્યું હતું. મીડિયામાં અને અન્ય જગ્યાએ ખરાબ બાબતો જ દેખાડવામાં આવી, સારી બાબતો ન દેખાડી. મરાઠા સમાજે ક્યારેય કોઈનો હક છીનવ્યો નથી, ઊલટું બીજાના હક પ્રસ્થાપિત કર્યા છે.’


