પોલીસ અને ફાયર-બ્રિગેડની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો તેમ જ તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપરના રમાબાઈનગરમાં રવિવારે આઠ વર્ષની છોકરી નાળામાં પડી ગઈ હતી. તેને બચાવવા ગયેલા ૨૮ વર્ષના યુવકે જીવ ગુમાવ્યો હતો. રવિવારે બપોરે રમાબાઈનગરમાં એક છોકરી નાળા પાસે રમી રહી હતી. નાળામાં ફસાઈ ગયેલો બૉલ લેવા જતાં તે નાળામાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવા મજૂરીકામ કરતો શહઝાદ શેખ નાળામાં ઊતર્યો હતો. શહઝાદે છોકરીનો હાથ ખેંચીને તેને બહાર કાઢીને પાસે ઊભેલી બીજી એક વ્યક્તિને આપી દીધી, પરંતુ પોતે નાળામાં પડેલી ફાટમાં ફસાઈ ગયો હતો અને કચરા સાથે અંદર ખેંચાઈ જતાં ડૂબી ગયો હતો. પોલીસ અને ફાયર-બ્રિગેડની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો તેમ જ તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનામાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.


