અજિત પવાર અને તેમની સાથેના વિધાનસભ્ય બે વખત શરદ પવારને મળ્યા અને તેમના નેતા હોવાનું કહ્યું : પવારના બળવાને છૂપા આશીર્વાદ હોવાની ચર્ચા
ફાઇલ તસવીર
એનસીપીના સુપ્રીમો શરદ પવારે ગયા મહિને અચાનક પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપી દીધું ત્યારે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્રણ દિવસ ચાલેલા રાજીનામાના ડ્રામા બાદ શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લીધું હતું અને સુપ્રિયા સુળેની સાથે પ્રફુલ પટેલને પક્ષના વર્કિંગ પ્રેસિડન્ટ બનાવ્યા હતા અને અજિત પવારને સાઇડલાઇન કરી દીધા હતા. હવે અજિત પવાર નવાજૂની કરશે એવી ચર્ચા હતી, જે સરકારમાં સામેલ થઈને નાયબ મુખ્ય પ્રધાન બનતાં સાચી ઠરી છે. અજિત પવારની સાથે એનસીપીના મોટા ભાગના વિધાનસભ્યો છે અને તેમણે બે વખત શરદ પવારના આશીર્વાદ લીધા છે. પક્ષમાં આટલો મોટો બળવો થયા બાદ પણ શરદ પવારે હજી સુધી ખાસ કંઈ કહ્યું નથી. આથી ચર્ચા છે કે અજિત પવારને તેમના છૂપા આશીર્વાદ છે.
પક્ષમાં બળવો કરનારાઓને અપાત્ર ઠેરવવા માટેની પ્રોસેસ શરદ પવાર જૂથે શરૂ કરી દીધી છે, પણ એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ જેવી રીતે ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારે બળવો કરનારાઓ સાથેના સંબંધ કાપી નાખ્યા છે એવું શરદ પવારે કર્યું નથી. આ વિશે રાજકીય નિષ્ણાત ભાઉ તોરસેકરનું માનવું છે કે શરદ પવારના ઇશારાથી જ અજિત પવારે બળવો કર્યો છે અને પક્ષને બચાવવા સુપ્રિયા સુળેનો ભોગ લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ વિશે જાહેર કરેલા વિડિયોમાં ભાઉ તોરસેકર કહે છે, ‘શરદ પવાર ક્યારેય સત્તાથી દૂર નથી રહી શકતા. ૨૦૧૪થી અનેક વખત તેમણે બીજેપી સાથે જવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સુપ્રિયા સુળે સહિત પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓને લીધે તેમણે બાદમાં પીછેહઠ કરી હતી. બીજી જુલાઈએ કાકાએ હાંસિયામાં ધકેલી દીધેલા અજિત પવારે બળવો કર્યો હતો અને એનસીપીના નવ વિધાનસભ્યો સાથે સરકારમાં સામેલ થઈને પ્રધાન તરીકે શપથ લીધા હતા. શરદ પવારના અત્યંત વિશ્વાસુ અને થોડા સમય પહેલાં જ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે જેમની નિયુક્તિ કરવામાં આવી હતી એ પ્રફુલ પટેલ પણ અજિત પવાર સાથે જોડાયા છે. આથી શરદ પવારના આશીર્વાદથી જ આ બધું થયું હોવા સામે કોઈ શંકા નથી રહેતી. સુપ્રિયા સુળે પક્ષને સાચવી શકે એમ નથી એટલે એનસીપીને બચાવવા માટે અજિત પવારને આગળ કરવામાં આવ્યા છે.’
જાણીતા રાજકીય નિષ્ણાત અભય દેશપાંડે જોકે આ વિશે જુદો મત ધરાવે છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરદ પવાર અને સુપ્રિયા સુળે સહિત એનસીપીના મોટા નેતાઓ ક્યારેય બીજેપી સાથે જોડાવાની શક્યતા નથી. અત્યારે જે કંઈ થયું છે એમાં મને નથી લાગતું કે શરદ પવારે જ એ કરાવ્યું છે. સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો બીજેપીએ ઉઠાવ્યો હતો. આથી આ મુદ્દે ૧૯૯૯માં શરદ પવારે કૉન્ગ્રેસનો સાથ છોડ્યો હતો ત્યારે લાગતું હતું કે શરદ પવાર બીજેપીમાં જોડાશે. જોકે તેમણે એનસીપીની સ્થાપના કરીને બીજેપીથી અંતર રાખ્યું હતું. એનસીપી જેવા નાના પક્ષો સરકારમાં સામેલ થયા વિના લાંબું ટકે નહીં. આથી જ શરદ પવાર કાયમ કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથે રહ્યા છે. અત્યારે એનસીપીને સરકારમાં રહેવાની જરૂર છે એટલે તેઓ અજિત પવાર સાથેના સંબંધો કાપશે નહીં. લોકસભાની ચૂંટણી સુધી તેઓ મોટા ભાગે મૌન રહેશે.’
બીજેપીને શિવસેના બાદ એનસીપી તોડવાની જરૂર કેમ પડી? એના જવાબમાં અભય દેશપાંડેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અસ્તિત્વમાં આવ્યા બાદ બીજેપી માટે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં; પશ્ચિમ બંગાળ, બિહાર અને કર્ણાટકમાં ખતરાની ઘંટી વાગી હતી. આ ચારેય રાજ્યોની લોકસભાની ૧૫૭ બેઠકમાંથી બીજેપીએ ૧૩૫ બેઠક મેળવી હતી. જોકે મહાવિકાસ આઘાડી બન્યા બાદ બીજેપીની સ્થિતિ સારી ન હોવાનું પક્ષના જ આંતરિક સર્વેમાં જણાયું હતું. ઓછામાં ઓછી ૫૦ બેઠક બીજેપી આ રાજ્યોમાં ગુમાવે એવી સ્થિતિ ઊભી થઈ હતી. આથી ૧૦૫ વિધાનસભ્યો હોવા છતાં બીજેપીએ અડધા વિધાનસભ્યો ધરાવતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા. એનસીપી, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ પણ બીજેપીને રાજ્યમાં ટક્કર આપી રહ્યાં હતાં એટલે એનસીપીમાં ભંગાણ કરાવવું પડ્યું છે. ’


