ગેરવ્યવસ્થા અને VIP દર્શન સિસ્ટમ બાબતે ૬ સપ્તાહમાં જવાબ નહીં મળે તો મંડળ વિરુદ્ધ દીવાની કાર્યવાહી થશે એમ પંચે ચીમકી આપી હતી.
હૈયું હૈયું દળાય ગઈ કાલે લાલબાગચા રાજાનાં દર્શન માટે ઊમટેલી જનમેદની. તસવીર : સતેજ શિંદે
મુંબઈના માનીતા લાલબાગચા રાજાનાં દર્શને જતા સામાન્ય ભક્તો સાથે દુર્વ્યવહાર થતો હોવાનો અને VIP દર્શન માટે અલગ લાઇન બનાવીને તેમને સુવિધા અને સુરક્ષા આપતી હોવાનો દાવો કરીને ઍડ્વોકેટ આશિષ રાય અને પંકજ કુમાર મિશ્રાએ રાજ્યના માનવઅધિકાર પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ધ્યાનમાં લઈને માનવઅધિકાર પંચે વિવિધ સરકારી વિભાગો અને લાલબાગચા રાજા સાર્વજનિક મિત્ર મંડળ પાસેથી જવાબ માગ્યો છે. ગેરવ્યવસ્થા અને VIP દર્શન સિસ્ટમ બાબતે ૬ સપ્તાહમાં જવાબ નહીં મળે તો મંડળ વિરુદ્ધ દીવાની કાર્યવાહી થશે એમ પંચે ચીમકી આપી હતી.
પંચે અરજીને ધ્યાનમાં લીધા બાદ દર્શનાર્થીઓ સાથે થઈ રહેલા ગેરવર્તનના અનેક વિડિયો પણ તપાસ્યા હતા જેમાં સ્પષ્ટ જણાયું હતું કે વડીલો, બાળકો અને મહિલાઓ સાથે પણ કાર્યકર્તાઓ ગેરવર્તન કરી રહ્યા છે. દર્શનાર્થીઓનો માનવઅધિકાર ભંગ કરવાનો કાર્યકર્તાઓને કોઈ હક નથી એમ પંચે જણાવ્યું હતું. પંચે નોંધ્યું હતું કે દર્શનાર્થીઓનો વધુ પડતો ધસારો હોવો એ સામાન્ય બાબત છે, એને કાબૂમાં રાખવા અને વ્યવસ્થા સાચવવા કાર્યકર્તાઓને બદલે તાલીમ લીધેલા સ્ટાફને કામ સોંપવું જોઈએ.
ADVERTISEMENT
રાજ્યના મુખ્ય સચિવ, મુંબઈ પોલીસ-કમિશનર, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત લાલબાગચા રાજા સાર્વજનિક મિત્ર મંડળના અધ્યક્ષ અને સેક્રેટરીને છ સપ્તાહમાં જવાબ આપવાની નોટિસ મોકલવામાં આવી છે. ૭ ઑક્ટોબરે આ અરજીની આગામી સુણાવણી થશે.


