મહારાષ્ટ્ર એટીએસ(Maharashtra ATS)ની તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. ATSએ વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. NIAના સૂત્રોએ જણાવ્યું કે આ આતંકી ષડયંત્રમાં ભાજપના નેતાઓ અને RSSના સભ્યોને નિશાન બનાવવાના હતા.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર એટીએસ(Maharashtra ATS)દ્વારા અલ-સુફા આતંકવાદી સંગઠનની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ATSએ વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબ્દુલ કાદિર હોવાનું કહેવાય છે, જેની ઉંમર 40 વર્ષ છે. સૂત્રોએ જણાવ્યું કે અબ્દુલની મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાંથી ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કાદિર પર આરોપ છે કે તેણે આ કેસમાં અગાઉ પકડાયેલા બે આરોપીઓને આશ્રય અને સંતાવાની જગ્યા આપી હતી. કાદિરને આજે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે વધુ તપાસ માટે તેને ATS કસ્ટડીમાં રિમાન્ડ પર લીધો હતો.
અન્ય એક આરોપીની ધરપકડ
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પુણે પોલીસ (Pune)એ બે આરોપી મોહમ્મદ ઈમરાન અલીયાસ (23 વર્ષ) અને મોહમ્મદ યુનુસની ધરપકડ કરી હતી. પોલીસે બાઇક ચોરીની શંકાના આધારે તેની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ બાદ પુણે પોલીસને ખબર પડી કે આ આરોપીઓ રાજસ્થાનના એક કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા વોન્ટેડ છે. ઈન્ડિયા ટીવી ડોટ કોમ અનુસાર એટીએસના સૂત્રોએ માહિતી આપી હતી કે ધરપકડ કરાયેલા આરોપીઓ અનેક આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા અને તેઓ અલ-સુફા સાથે જોડાયેલા હતા.
આ સંગઠન યુવાનોને ફસાવતું હતું
ધરપકડ દરમિયાન ATSએ આરોપીઓ પાસેથી વિસ્ફોટકો, ડ્રોન સંબંધિત સાધનો, લેપટોપ અને અરબીમાં લખેલા ગુનાહિત પુસ્તકો જપ્ત કર્યા છે. ATSને શંકા છે કે આરોપીઓએ મોટરસાઇકલનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી. ATSએ મહારાષ્ટ્રમાં અલ-સુફાના કાવતરાની તપાસ કરવા માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. NIAના સૂત્રોએ જણાવ્યું કે આ આતંકી ષડયંત્રમાં ભાજપના નેતાઓ અને RSSના સભ્યોને નિશાન બનાવવાના હતા. તપાસ બાદ એવું સાબિત થયું કે કરાચી સ્થિત ઇન્ડિયન મુજાહિદ્દીનના કેટલાક નેતાઓ પણ સામેલ હતા, જેના કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસ NIAને સોંપ્યો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ સંગઠન રાજસ્થાનના યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યું હતું.
નોંધનીય છે કે થોડા મહિના પહેલા મહારાષ્ટ્ર એટીએસ દ્વારા જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા અવૉર્ડવિજેતા વિજ્ઞાની પ્રદીપ કુરુલકરે પાકિસ્તાની એજન્ટ સાથે વિવિધ મિસાઇલ સિસ્ટમ અને અન્ય પ્રોજેક્ટ્સને લગતી જટિલ અને ગોપનીય માહિતી શૅર કરી હતી, જેનું તેઓ નેતૃત્વ કરી રહ્યા હતા. તપાસમાં જણાયું હતું કે કુરુલકરને પાકિસ્તાની એજન્ટ દ્વારા હની-ટ્રૅપમાં ફસાવવામાં આવ્યા હતા.


