તાતા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડના નોડલ ઑફિસર બેબી જૉને આ બાબતે ફરિયાદ કરી હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન, મુંબઈ અને ક્રાઇમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે તપાસ કરીને જે. પી. ડેબ્ટ મૅનેજમેન્ટ કંપનીના માલિક અને આ કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
તાતા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડના નોડલ ઑફિસર બેબી જૉને આ બાબતે ફરિયાદ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે તેમની લાઇનને રી-રૂટ કરીને સર્વિસિસનો દુરુપયોગ થઈ રહ્યો છે. એથી આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭ને વધુ કામગીરી સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તપાસ કરીને શોધી કાઢ્યું હતું કે એ રી-રૂટ કરેલી લાઇનથી ગ્રે માર્કેટના હવાલા જેવાં કામ થતાં હતાં. એથી એ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરીને મેસર્સ જે. પી. ડેબ્ટ મૅનેજમેન્ટ કંપનીના ૪૫ વર્ષના માલિક-આરોપીની ધરપકડ કરાઈ હતી. એ સિવાય એ આંતરરાષ્ટ્રીય કૉલ્સ રી-રૂટ કરવા માટે જે ગૅજેટ્સ વાપરવામા આવતાં હતાં એ પણ જપ્ત કરાયાં છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કેસ ભાંડુપ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ભાંડુપ પોલીસ કેસની વધુ તપાસ કરશે.


