આવું કહીને નરેન્દ્ર મોદીએ રાજકોટવાસીઓનો પોતાની સ્પીચમાં ત્રણ વખત આભાર માન્યો અને કહ્યું પણ ખરું કે રાજકોટનો તો હું આજીવન ઋણી છું
નરેન્દ્ર મોદી
રાજકોટ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ અને એ સિવાયના બે અલગ-અલગ પ્રકલ્પ યોજનાઓના લોકાર્પણ માટે ગઈ કાલે રાજકોટ આવેલા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટની પોતાની જાહેર સભાની શરૂઆત જ રાજકોટવાસીઓના રંગીલા સ્વભાવથી કરી હતી અને કહ્યું હતું કે ઇલેક્શન સમયે એવું કહેવાય કે બપોરના સમયે રાજકોટમાં જાહેર સભા રાખવી નહીં. બધા બપોરે એકથી ચાર વાગ્યા દરમ્યાન ઘરે જઈને સૂઈ જાય છે, કોઈ જાહેર સભામાં આવશે નહીં. જોકે આજે બપોરે સાડાત્રણ વાગ્યે લોકો અહીં આવીને બેઠા છે.
ઘરે જઈ બપોરે ૪ વાગ્યા સુધી સૂઈ જતા રાજકોટવાળા અત્યારે સભામાં આવ્યા છે એ વાત જ મારી જવાબદારી વધારે છે.
ADVERTISEMENT
રાજકોટથી પહેલી વાર વિધાનસભા ઇલેક્શનમાં સામેલ થનારા નરેન્દ્ર મોદીએ ૨૦૦૧ના એ સમયને યાદ કરતાં કહ્યું કે ‘આ રાજકોટથી તો મારી રાજકીય યાત્રા શરૂ થઈ હતી. રાજકોટનો હું આજીવન ઋણી રહેવાનો છું. હા, વચ્ચે-વચ્ચે હું થોડું-થોડું ઋણ ઉતારતો જાઉં છું, પણ એમ છતાં રાજકોટનું ઋણ તો મારા પર અકબંધ જ રહેવાનું છે.’
નરેન્દ્ર મોદીના શબ્દો ખોટા પણ નથી. પોતાની રાજકીય કારકિર્દી દરમ્યાન નરેન્દ્ર મોદીએ રાજકોટને એઇમ્સ અને ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જેવી અનેક નવી સુવિધા આપીને તેમણે પુરવાર પણ કર્યું છે કે ગુજરાતની સરખામણીએ રાજકોટ તેમને વધારે લાડકું છે.

