ખોટું બોલીને માતોશ્રીમાંથી બહાર કાઢવામાં આવ્યા એને પગલે કલ્યાણના નેતા વિજય ઉર્ફે બંડ્યા સાળવીને માઠું લાગી ગયું
ફાઇલ તસવીર
વિધાનસભાની ચૂંટણીને માત્ર આઠ દિવસ બાકી છે ત્યારે ઉદ્ધવ ઠાકરેને કલ્યાણમાં ઝટકો લાગ્યો છે. અઢી વર્ષ પહેલાં એકનાથ શિંદેએ બળવો કર્યો હતો ત્યારે પણ ઉદ્ધવ ઠાકરે સાથે રહેનારા કલ્યાણના વરિષ્ઠ નેતા વિજય ઉર્ફે બંડ્યા સાળવી રાજીનામું આપ્યું છે. વિજય સાળવે ઉદ્ધવ ઠાકરેના કટ્ટર સમર્થક છે અને તેમણે રાજીનામું આપવાની સાથે ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે, જેમાં લખ્યું હતું કે ‘શિવસેનામાં ૪૦ વર્ષ પ્રામાણિક, નિઃસ્વાર્થ હેતુથી કામ કરી રહ્યો છું. વિદ્યાર્થી સેનામાંથી ક્યારે શિવસૈનિક થયો એનો ખ્યાલ ન આવ્યો. બાદમાં બાળાસાહેબના વિચારથી પ્રેરિત થઈને પક્ષના સંગઠનનું કામ કર્યું. ૧૦ વર્ષ શાખાપ્રમુખ, ૧૫ વર્ષ વિભાગપ્રમુખ, ૭ વર્ષ શહેરપ્રમુખ, પાંચ વર્ષ મહાનગરપ્રમુખ, બે વર્ષ જિલ્લાપ્રમુખ અને ઉપનેતાપદ તરીકેની જવાબદારી સંભાળી. વિધાનસભાની ચૂંટણી માટે સચિન બાસરેને ટિકિટ આપતી વખતે વિનાયક રાઉતે ખોટું બોલીને મને માતોશ્રીની બહાર જવાનું કહ્યું હતું. ઉપનેતા પદે હોવા છતાં મારી જાણ બહાર ઉમેદવારી આપવી એ અત્યંત અપમાનજનક છે. મને બહાર કાઢીને મારા જ વિસ્તારમાં મને પૂછ્યા વિના ઉમેદવારી આપવી યોગ્ય છે?’


