મહારાષ્ટ્ર સરકારે હ્યુલેટ-પૅકાર્ડ સાથે MoU સાઇન કર્યું
મહાએઆઇશાળા યોજના હેઠળ પ્રાયોગિક ધોરણે HP આવતા ૬ મહિનામાં ૩ સ્કૂલમાં AI લૅબ શરૂ કરશે જે લેટેસ્ટ ટેક્નૉલૉજી અને ટૂલ્સથી સજ્જ હશે.
મહારાષ્ટ્રની ૧૦૦૦ સ્કૂલોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) લૅબ ઉપલબ્ધ થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે હ્યુલેટ-પૅકાર્ડ (HP) સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) સાઇન કર્યું છે. રાજ્ય સરકારના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા મહાએઆઇશાળા (mahaAIshala) મિશન માટે HP સાથે કરેલા કોલૅબરેશન અંતર્ગત દરેક બાળકને ભવિષ્ય માટે તૈયાર કરવાનો ઉદ્દેશ હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ગઈ કાલે MoU સાઇન કરતી વખતે HPના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) એનરીકે લોરેસ, HPના ઇન્ડિયા ખાતે મૅનેજિંગ ડિરેક્ટર ઇપ્સિતા દાસગુપ્તા તથા રાજ્ય સરકારના પ્રતિનિધિઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી. મહાએઆઇશાળા યોજના હેઠળ પ્રાયોગિક ધોરણે HP આવતા ૬ મહિનામાં ૩ સ્કૂલમાં AI લૅબ શરૂ કરશે જે લેટેસ્ટ ટેક્નૉલૉજી અને ટૂલ્સથી સજ્જ હશે.


