પોલીસને તેમની પાસેથી જે સુસાઇડ-નોટ મળી હતી એમાં તેમણે પોતાની આત્મહત્યા માટે જજ રફિક શેખ અને ક્લાર્ક તાયડેને જવાબદાર ગણાવ્યા હતા
સરકારી વકીલ વિનાયક ચંદેલ
એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વડવણી ખાતે સરકારી વકીલે કરેલી આત્મહત્યાના કેસમાં જજ સામે જ આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરવામાં આવ્યા હોવાનો ગુનો નોંધાયો છે.
શુક્રવારે સવારે જ્યારે વડવણીની લોકલ કોર્ટ ખૂલી ત્યારે ૪૭ વર્ષના સરકારી વકીલ વિનાયક ચંદેલનો મૃતદેહ અદાલતમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પોલીસને તેમની પાસેથી જે સુસાઇડ-નોટ મળી હતી એમાં તેમણે પોતાની આત્મહત્યા માટે જજ રફિક શેખ અને ક્લાર્ક તાયડેને જવાબદાર ગણાવ્યા હતા.
ADVERTISEMENT
વિનાયક ચંદેલના દીકરાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘મારા પપ્પા વિનાયક ચંદેલ જાન્યુઆરી ૨૦૨૫થી વડવણી કોર્ટમાં સરકારી વકીલ તરીકે કાર્યરત હતા. છેલ્લાં કેટલાંક અઠવાડિયાંઓથી તેઓ સ્ટ્રેસમાં રહેતા હતા. તેમણે અમને કહ્યું હતું કે ‘જજ રફિક શેખે હાલમાં જ ચાર્જ લીધો હતો. તેઓ બધા સામે કોઈ પણ કારણ વગર મારું અપમાન કરતા હતા અને ત્રાસ આપતા હતા. મારી કોઈ વાત સાંભળતા નહોતા. વળી સમન્સ ઇશ્યુ કરનારો ક્લાર્ક તાયડે પણ મારી વાતોને ગણકારતો નહોતો.’ એટલું જ નહીં, તાયડે પણ પપ્પા માટે અપશબ્દો વાપરતો હતો. એટલે તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.’
સ્થાનિક પોલીસે જજ રફિક શેખ અને ક્લાર્ક તાયડે સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮ અંતર્ગત આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરાયા હોવાનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.


