નવી આધાર ઍપ લૉન્ચ થયા પછી આધાર કાર્ડની ફોટોકૉપી દરેક જગ્યાએ રાખવાની જરૂર નથી
પ્રતીકાત્મક તસવીર
યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ ૨૮ જાન્યુઆરીથી આધાર સાથે જોડાયેલો મોબાઇલ-નંબર અપડેટ કરવા માટે વધુ આરામદાયક સિસ્ટમ શરૂ કરી છે. આ નવી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે જેમાં આધારનું નવું ફુલ વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું છે. નવી ઍપથી ઘેરબેઠાં જ રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર બદલી શકાશે. UIDAIના જણાવ્યા મુજબ નવી સુવિધા આધારધારકોને તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ગમે ત્યારે અને ગમે ત્યાં તેમનો રજિસ્ટર્ડ મોબાઇલ-નંબર અપડેટ કરવાની મંજૂરી આપે છે. હાલમાં આધાર સાથે જોડાયેલો મોબાઇલ-નંબર બદલવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે, જ્યાંથી નંબર બદલી શકાય છે. આધાર કેન્દ્રો પર મોટી ભીડને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પગલાનો હેતુ આધાર-સેવાઓને સરળ બનાવવા અને આધાર કેન્દ્રો પર નિર્ભરતા ઘટાડવાનો છે.
નવી આધાર ઍપ લૉન્ચ થયા પછી આધાર કાર્ડની ફોટોકૉપી દરેક જગ્યાએ રાખવાની જરૂર નથી. તમે તમારા આધાર કાર્ડને સીધા મોબાઇલ ઍપ પર બતાવી શકો છો અને તમારી વ્યક્તિગત વિગતો છુપાવી શકો છો.


