BMCના ઇલેક્શન માટે ઉમેદવારીનો આવતી કાલે છેલ્લો દિવસ: ફૉર્મ્યુલા નક્કી ન હોય એવી બેઠકો પર BJP-શિવસેનાના જ નહીં, ઠાકરેબંધુઓના ઉમેદવારો પણ અધ્ધરતાલ
પ્રતીકાત્મક તસવીર
ઉમેદવારી નોંધાવવાના બે જ દિવસ બાકી છે પણ ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના યુતિ તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT)ના ગઠબંધનમાં મોટા ભાગની બેઠકોની વહેંચણીની સમસ્યા ઉકેલાઈ ગઈ હોવાનું જાણવા મળે છે, પણ કોઈએ નક્કી ફૉર્મ્યુલા જાહેર નથી કરી. આ વિલંબને કારણે બન્ને તરફના આગેવાનો અને ઉમેદવારો ચિંતા અને તનાવમાં જોવા મળ્યા હતા.
ઠાકરેબંધુઓએ દાદર, ભાંડુપ અને શિવડી જેવા મરાઠી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો અને અન્ય અમુક મ્યુનિસિપલ વૉર્ડમાં સીટ-શૅરિંગ ફાઇનલ કરી દીધું છે.
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ૨૨૭ મ્યુનિસિપલ વૉર્ડ અને ૨૮ અન્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનો માટેની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે જેને માટે નૉમિનેશન દાખલ કરવાની છેલ્લી તારીખ ૩૦ ડિસેમ્બર છે.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે ઠાકરેબંધુઓ વચ્ચે કોઈ સમસ્યા નથી અને તેમની યુતિમાં ઉમેદવારોને ફૉર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શિવસેના (UBT)-MNSની જેમ જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેના ગઠબંધનના નેતાઓએ પણ BMC અને થાણે, નવી મુંબઈ સહિત અન્ય મુખ્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનો માટે યુતિ અને સીટ-શૅરિંગની ફૉર્મ્યુલાની કોઈ વિગત સત્તાવાર રીતે જાહેર કરી નથી. જોકે તેમના નેતાઓએ દાવો કર્યો હતો કે ચિત્ર સોમવાર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
MNSના પ્રમુખ રાજ ઠાકરેએ આજે સવારે તેમના પાર્ટીના તમામ પદાધિકારીઓની મીટિંગ બોલાવી છે. જોકે આ મીટિંગનું કારણ જાણી શકાયું નથી. બીજી તરફ શરદ પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) ઠાકરે-બ્રધર્સ સાથે યુતિમાં BMCની ચૂંટણી લડવાનું વિચારી શકે છે એવી માહિતી મળી હતી.
BMCમાં અજિત પવારની NCP એકલી લડશે: કૉન્ગ્રેસનું વંચિત બહુજન આઘાડી સાથે ગઠબંધન
અજિત પવારના નેતૃત્વવાળી NCP મહાયુતિ સાથે BMC ઇલેક્શન નહીં લડે એવું પાર્ટીનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. બીજી તરફ કૉન્ગ્રેસે ગઈ કાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી વંચિત બહુજન આઘાડી (VBA) સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી.


