સોશ્યલ મીડિયા પર મળતી ક્ષણિક વાહવાહી અને આર્થિક લાભ માટે પેરન્ટ્સ જ પોતાનાં બાળકોને કન્ટેન્ટ બનાવી રહ્યા છે ત્યારે ડિજિટલ દુનિયામાં બાળકોના એક્સપોઝર અને એની લાંબા ગાળાની અસરો વિશે નિષ્ણાતોએ લાલ બત્તી ધરી છે
પ્રતીકાત્મક તસવીર
રાજ્યસભાના નૉમિનેટેડ સભ્ય અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિએ તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી છે કે સોશ્યલ મીડિયા પર વ્યુઝ અને કમાણી માટે પેરન્ટ્સ પોતાનાં બાળકોના ખાનગી જીવનને જાહેર કરી રહ્યાં છે. નાની ઉંમરે મળતી આ ડિજિટલ પ્રસિદ્ધિ બાળકના માનસિક વિકાસ પર લાંબા ગાળે નકારાત્મક અસર કરી શકે છે. સૌથી કરુણ બાબત એ છે કે જે બાળકના જીવનની ક્ષણો પોસ્ટ થઈ રહી છે તેની તો કોઈ પરવાનગી જ નથી લેતું. બાળકો પાસેથી ઍક્ટિંગ કરાવીને તેમને માત્ર કમાણીનું સાધન બનાવવાં એ નૈતિક રીતે કેટલું યોગ્ય એ વિશે નિષ્ણાત પાસેથી સમજીએ.
બાળક વ્યક્તિ છે કે પ્રોજેક્ટ?
ADVERTISEMENT
પેરન્ટ્સ પોતાના બાળકને કૅમેરામાં રેકૉર્ડ કરે ત્યારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે એના વિશે વાત કરતાં મુલુંડની અનુભવી સાઇકોલૉજિસ્ટ જાહ્નવી ઠક્કર કહે છે, ‘હું જ્યારે દસમા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વર્કશૉપ કરું છું ત્યારે બૉડી-સેફ્ટીનો મુદ્દો ખાસ ઉલ્લેખ સાથે મૂકું છું. એ જ વાત હું પહેલા-બીજા ધોરણનાં બાળકોના પેરન્ટ્સ સાથે પણ કરું છું, કારણ કે બૉડી-સેફ્ટી માત્ર શારીરિક સીમાઓ પૂરતી નથી. આજે એ ડિજિટલ સીમાઓ સાથે પણ સીધી રીતે જોડાયેલી છે. એક રસપ્રદ પરંતુ ગંભીર વિસંગતિ એ છે કે જ્યારે બાળક એક વર્ષથી નાનું હોય છે ત્યારે ઘણા વાલીઓ સોશ્યલ મીડિયા પર ફોટો મૂકતી વખતે તેના ચહેરા પર ઇમોજી લગાવી દે છે. કારણ પૂછો તો જવાબ મળે ‘નજર લાગી જશે’, પરંતુ એ જ બાળક જ્યારે બેથી ત્રણ વર્ષનું થાય છે ત્યારે તેનાં નખરાં, હરકતો, રડવું, ગુસ્સો કરવો બધું રેકૉર્ડ કરીને ખુલ્લેઆમ સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવે છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે શું બાળક મોટું થાય એટલે નજર લાગવાનું બંધ થઈ જાય છે? અને જો નજરનો ખતરો નથી તો પહેલાં ઇમોજી લગાવવાની જરૂર શું હતી? હકીકતમાં અહીં નજરનો મુદ્દો નથી, વાલીઓની પસંદગીનો મુદ્દો છે. શરૂઆતમાં બાળકને છુપાવવાનું કારણ સુરક્ષા કહેવાય છે અને થોડા સમય પછી એ જ બાળકની હરકતોને કન્ટેન્ટ બનાવી દેવામાં આવે છે. ટેક્નિકલી અને એથિકલી બન્ને રીતે આ ખોટું છે, કારણ કે બાળકને ખબર જ નથી હોતી કે તેની વ્યક્તિગત ક્ષણો, લાગણીઓ અને જીવન ઇન્ટરનેટ પર કાયમી રીતે ઉપલબ્ધ બની રહ્યાં છે. બાળક સંમતિ આપી શકતું નથી. તેને પરિણામોની સમજ નથી. પરંતુ એક દિવસ એ જ બાળક મોટું થઈને પોતાનો ડિજિટલ ભૂતકાળ જુએ છે ત્યારે શરમ, ગુસ્સો અને વિશ્વાસઘાતની લાગણી ઊભી થાય છે. કોઈ એક તબક્કે તે પ્રશ્ન જરૂર પૂછે છે કે મારા પેરન્ટ્સે મારા આવા વિડિયો કેમ મૂક્યા? જો મારા ફ્રેન્ડ્સે જોયા હશે તો તેઓ મારા વિશે શું વિચારશે? આ પ્રશ્નો માત્ર મનમાં નથી રહેતા, ઘણી વાર એ વાલીઓ અને સંતાન વચ્ચેના સંબંધોને પણ પ્રભાવિત કરે છે. આજના સમયમાં ઘણા વાલીઓનો એક છુપાયેલો ભાવ હોય છે. હું દુનિયાને બતાવું કે મારું બાળક કેવું છે. આ દેખાડવાના ચક્કરમાં તેઓ પ્રાઇવસી સાથે રમત રમે છે. બાળક એક સ્વતંત્ર વ્યક્તિ નહીં, પરંતુ જાહેર પ્રદર્શનનું સાધન બની જાય છે.’
જ્યારે નાનપણથી જ કોઈ કન્ટેન્ટ વાઇરલ થઈ જાય અને ઇન્સ્ટન્ટ ફેમ મળે ત્યારે બાળકને મહેનતની વૅલ્યુ સમજાતી નથી; તેની ખુશી વ્યુઝ અને લાઇક્સ પર આધાર રાખવા લાગે છે. આ બાબતની છણાવટ કરતાં જાહ્નવી કહે છે, ‘આ સ્થિતિમાં માનસિક અને બૌદ્ધિક વિકાસ અવરોધાય છે. ઘણાં બાળકો પોતાની સાચી ઓળખ ગુમાવી દે છે અને માત્ર કૅમેરા માટેનું એક પાત્ર બની જાય છે. કેટલાક વાલીઓ તો પોતાના બાળકને વ્યક્તિ તરીકે નહીં પરંતુ પ્રોજેક્ટ તરીકે જુએ છે. આવા કેસોમાં બાળક પોતાની ઇચ્છાઓ વિકસાવી શકતું નથી. આ પણ એક પ્રકારનું શોષણ જ છે. ડિજિટલ રીતે અત્યંત એક્સપોઝ થયેલાં બાળકોને પછી પોતાના સામાન્ય મિત્રો સાથે મિક્સ થવામાં પણ મુશ્કેલી પડે છે. વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ જેમ કે અસ્વીકાર, ટીકા તેમને અજાણ્યાં અને અસહજ લાગે છે. આ કારણે બાળકને નાની ઉંમરે પર્ફોર્મન્સના દબાણમાં મૂકવું માનસિક વિકાસ માટે જરૂરી નથી. મોટા ભાગે એમાં લાભ વાલીઓનો હોય છે, બાળકનો નહીં.’
યોગ્ય રસ્તો એ છે કે બાળક સમજણું થાય પછી તેની પરવાનગી લઈને જ સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ ક્રીએશનમાં આગળ વધવું એમ જણાવતાં જાહ્નવી કહે છે, ‘જેમ ટીવી અને ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટો માટે કડક નિયમો બનાવ્યા છે એમ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ માટે પણ સ્પષ્ટ નિયમો હોવા જોઈએ. આજે કિડ્સ કન્ટેન્ટ ક્રીએટર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. ફ્રાન્સ જેવા દેશોમાં આ બાબતે નિયમન થયું છે. બાળ-કન્ટેન્ટથી થતી આવક પર નિયંત્રણ, ફરજિયાત ટ્રસ્ટ ફન્ડ અને મોટા થયા પછી એ કન્ટેન્ટ દૂર કરવાનો અધિકાર. ભારતમાં પણ આવા કાયદાકીય અને સામાજિક ફેરફારોની જરૂર છે. આપણા દેશમાં અજાણી વ્યક્તિ બાળકનું અહિત કરે તો કાર્યવાહી થાય છે, પરંતુ જો જાણીતા લોકો એટલે કે પોતાના જ વાલીઓ અનુમતિ વગર બાળકની સંપૂર્ણ લાઇફ જાહેર કરે તો એની સામે કોઈ સ્પષ્ટ ધારાધોરણો નથી. સાઇબર સિક્યૉરિટી અને પ્રાઇવસી વિશે તેમને જાગ્રત કરવાની જરૂર છે.’
ડિજિટલ ચાઇલ્ડ લેબર
કન્ટેન્ટ માટે ફ્રેમ કરવામાં આવી રહેલાં બાળકો પર સામાજિક સ્તરે કેવી અસર થશે અને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે એ વિશે જણાવતાં SNDT વિમેન્સ યુનિવર્સિટી અને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સનાં રિટાયર્ડ પ્રોફેસર વિભૂતિ પટેલ કહે છે, ‘બાળકોને પોતાની રીતે ખીલવાનો અને તેમને ગમતું હોય એ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. એ અધિકાર તેમનાં માતાપિતાને પણ નથી. નાની ઉંમરથી જ બ્રૅન્ડ-કોલૅબરેશન, ફૉલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સની ભાષા શીખવાડશો તો એ ક્યારેય પ્રગતિ નહીં કરી શકે. તેને પોતાને જીવનથી શું જોઈએ છે એ ઓળખી જ નહીં શકે. પ્રગતિશીલ સમાજની આઇડિયલ ઓળખ એ જ છે જેમાં આવક એલ્ડર જનરેશનથી યંગર જનરેશનમાં પાસ થાય, બાકી નાની વયમાં જ બાળકોને આવકનો સ્રોત બનાવાય એ સમાજ પછાત હોવાની નિશાની છે. આથી આપણે નક્કી કરવાનું છે કે સમાજ વિકસિત થવો જોઈએ કે એનો ગ્રાફ નીચે જાય એ ચાલે. પેરન્ટ્સ તેના બાળકને જબરદસ્તી કૅમેરા સામે નખરાં કે ઍક્ટિંગ કરવાનું કહે અને મજબૂરીમાં બાળકને એ કરવું પણ પડે તો એને ડિજિટલ ચાઇલ્ડ લેબર કહેવાય. આનાથી તેમનું બાળપણ છીનવાઈ જાય છે. કૅમેરાની દુનિયાથી બહાર લઈ જઈને વિવિધ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી જેમ કે સ્વિમિંગ, સાઇક્લિંગ, ક્રિકેટ જેવી પ્રવૃત્તિ તેમને સોશ્યલ થવામાં કનેક્ટ કરશે. જો તેમની દુનિયા રીલ્સ પૂરતી જ સીમિત રહી તો જીવનમાં તેઓ એકલતા ફીલ કરશે. સોશ્યલ મીડિયા પર બાળકોની કન્ટેન્ટ વધી રહી હોવાથી દરેક સ્કૂલમાં પેરન્ટ્સ-ટીચર્સ મીટિંગમાં આ મુદ્દો હોવો જોઈએ. એનાં નકારાત્મક પાસાંઓ વિશે વાત થવી જોઈએ. પબ્લિક એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે. ફ્રાન્સની જેમ ઑસ્ટ્રેલિયામાં પણ બાળકોની કન્ટેન્ટ પર રેગ્યુલેશનના નિયમો લદાયા છે ત્યારે ભારતમાં પણ કાયદો તો બની જાય પણ અમલ થાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.’
પેરન્ટ્સ સાવધાન
તમારા બાળકનું પેજ ક્રીએટ કરીને તેની તસવીર કે વિડિયો મૂકતાં પહેલાં આ વાતોનું ખાસ ધ્યાન રાખો:
કોઈ પણ વિડિયો પોસ્ટ કરતાં પહેલાં વિચારજો કે જ્યારે મારું બાળક ૧૮ વર્ષનું થશે ત્યારે શું તેને આ વિડિયો જોઈને ગર્વ થશે કે શરમ અનુભવાશે? જો જવાબ નકારાત્મક હોય તો એવી કન્ટેન્ટ પોસ્ટ ન કરવી.
બાળકના રડવાના, નહાવાના કે બીમાર હોય એવા વિડિયો ક્યારેય ન મૂકો. આ તેમની પ્રાઇવસી છે, એને દુનિયા સામે પ્રદર્શનનું સાધન ન બનાવો.
બાળકની સામે ક્યારેય ‘તારા વિડિયો પર આટલા વ્યુઝ આવ્યા’ એવી વાતો ન કરો. એનાથી બાળકના મનમાં એવું ઠસી જાય છે કે તેની કિંમત માત્ર લાઇક્સ પર નિર્ભર છે.
જો બાળકનો મૂડ ન હોય કે તે કૅમેરા સામે આવવા ના પાડતું હોય તો તેને ક્યારેય ઍક્ટિંગ કરવા મજબૂર ન કરો. તેને ના કહેવાનો પૂરો હક છે.
બાળકને મોબાઇલ કૅમેરાથી દૂર નૅચરલ પ્લેસ પર મિત્રો સાથે અને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરો. તેને સેલિબ્રિટી બનવા કરતાં ‘સામાન્ય બાળક’ બનવામાં વધુ આનંદ આવશે.
બાળકના વિડિયોમાં તેના ઘરનું સરનામું, તેની સ્કૂલનું નામ, યુનિફૉર્મ કે તે કયા બગીચામાં રમે છે એવી માહિતી ક્યારેય જાહેર ન કરો.
જો તમે બાળકના વિડિયો મૂકો જ છો તો કમેન્ટ્સ-સેક્શન ડિસેબલ કરી નાખો. સોશ્યલ મીડિયા પરની ટીકાઓ કે અણછાજતી ટિપ્પણીઓ બાળકની માનસિકતા પર ખરાબ અસર કરી શકે છે.
દિવસના અમુક કલાકો બેડરૂમ કે ડાઇનિંગ ટેબલને ‘નો કૅમેરા’ ઝોન જાહેર કરો. આનાથી બાળકને સમજાય છે કે જીવનમાં કૅમેરા વગરની દુનિયાનો અનુભવ જરૂરી છે.
સોશ્યલ મીડિયાને જેટલું વગોવવામાં આવે છે એટલું ખરાબ નથી. બાળકના દેખાવ કે તેના વિડિયો-પર્ફોર્મન્સને બદલે મદદ કરવાની વૃત્તિ કે મહેનતની વાસ્તવિક પ્રશંસા કરો. આવા પ્રકારની રિયલ કન્ટેન્ટ પોસ્ટ કરવાથી બીજાં બાળકોમાં પણ એ ગુણ આવશે.


