થિયેટર-માલિક અને પ્રોડ્યુસર મનોજ દેસાઈએ એક ઇન્ટરવ્યુમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે
મનોજ દેસાઈ
અમિતાભ બચ્ચન પોતાની પ્રતિબદ્ધતા અને નૈતિક મૂલ્યો માટે જાણીતા છે. તાજેતરમાં થિયેટરમાલિક અને પ્રોડ્યુસર મનોજ દેસાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે એક વર્ષે અમિતાભ બચ્ચને બેસ્ટ ઍક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ ખરીદવાનો ઇનકાર કર્યો અને એ જ વર્ષે અનિલ કપૂરે એ અવૉર્ડ ખરીદ્યો હતો.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં મનોજ દેસાઈએ જણાવ્યું હતું કે ‘એક વખત હું અને અમિતાભ બચ્ચન સાથે બેઠા હતા ત્યારે એક અવૉર્ડ-ફંક્શન ચાલી રહ્યું હતું. આ સમયે દિવંગત ફિલ્મ લેખક રઉફ મોહમ્મદ અમારી પાસે આવ્યા અને પૂછ્યું કે જો અમિતાભ બચ્ચનને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપી દેવામાં આવે તો શું તેઓ આ પાર્ટીનો સમગ્ર ખર્ચ ઉઠાવશે? જોકે અમિતાભે આ ઑફરને કડકાઈથી નકારી કાઢી હતી અને કહ્યું કે અમિતાભ બચ્ચન ક્યારેય અવૉર્ડ ખરીદતો નથી.’
ADVERTISEMENT
આ ઘટનાક્રમ વિશે વધારે માહિતી આપતાં મનોજ દેસાઈએ જણાવ્યું હતું કે ‘હું જાણતો હતો કે એ અવૉર્ડ કોને મળવાનો છે. તે અનિલ કપૂરને મળવાનો હતો, કારણ કે તેણે પોતાના ઘરની ટેરેસ પર મોટી પાર્ટી રાખી હતી. આ અવૉર્ડ પછી અનિલને ‘મિસ્ટર ઇન્ડિયા’ માટે મળ્યો હતો, કારણ કે તે ફિલ્મફેર પાર્ટીનો ખર્ચ ઉઠાવવા તૈયાર હતો.’
જોકે મનોજ દેસાઈના દાવાનું તથ્ય ચકાસતાં માહિતી મળે છે કે અનિલ કપૂરને આ અવૉર્ડ ૧૯૮૯માં ‘મિસ્ટર ઇન્ડિયા’ માટે નહીં પણ ‘તેજાબ’ માટે મળ્યો હતો. આ જ વર્ષે ‘શહેનશાહ’ માટે અમિતાભ બચ્ચન પણ આ કૅટેગરીમાં નૉમિનેટ થયા હતા.


