૨૦૧૭માં ફાંટા પડ્યા એ પહેલાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાને ટેકો આપ્યો હોવા છતાં તેમને આપવામાં આવેલાં વચનો ઠાલાં સાબિત થયાં હતાં
મુંબઇના ડબ્બાવાળા
મુંબઈ ડબ્બાવાલા અસોસિએશને મહાયુતિ ગઠબંધનને ટેકો આપવાની જાહેરાત કરી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ઇલેક્શનના થોડા દિવસો પહેલાં જ શિવસેના (UBT)એ મુંબઈના પ્રસિદ્ધ ડબ્બાવાલા કમ્યુનિટીનો ટેકો ગુમાવી દીધો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ડબ્બાવાલા અસોસિએશન સાથે જોડાયેલા એક પદાધિકારીએ જણાવ્યું હતું કે ‘૨૦૧૭માં ફાંટા પડતાં પહેલાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ અમને જે વચન આપ્યાં હતાં એ બધાં હજી અધૂરાં છે. એટલે આ વખતે અમે મહાયુતિને ટેકો આપવાનું નક્કી કર્યું છે.’
૨૦૧૭માં શિવસેનાએ ડબ્બાવાળાઓને કયાં વચનો આપ્યાં હતાં?
ADVERTISEMENT
અહેવાલો મુજબ ૨૦૧૭માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ મૅનિફેસ્ટોમાં મુંબઈના ડબ્બાવાળાઓને ઘણાં વચનો આપ્યાં હતાં. તેમના માટે એક અલગ કંપની બનાવીને ૫ કરોડ રૂપિયાની સરકારી સહાય, સાઇકલ અને પાર્કિંગ ફૅસિલિટીઝ પૂરી પાડવા જેવાં પ્રૉમિસ શિવસેનાએ આપ્યાં હતાં. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી દ્વારા ડબ્બાવાળાઓ અને તેમના પરિવારોને એજ્યુકેશન અને હેલ્થકૅર માટે મદદ કરવી તથા મુંબઈમાં ડબ્બાવાળા ભવનનું નિર્માણ કરવાનો પણ મૅનિફેસ્ટોમાં ઉલ્લેખ હતો. આમાં એક સિવાય બધાં વચન અધૂરાં હોવાથી અસોસિએશનના પદાધિકારીઓએ આ વર્ષે મહાયુતિને સમર્થન જાહેર કર્યું હતું. ૨૦૧૭માં અપાયેલાં વચનોમાંથી ડબ્બાવાળા ભવનનું એક જ વચન પૂરું થયું હતું અને એ પણ દેવેન્દ્ર ફડણવીસે કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.


