જોકે રાજાના વિસર્જનમાં ચેઇન અને મોબાઇલની ચોરીની ૧૦૦+ ઘટનાઓ બની : કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા લાંબી લાઇન : જો પોલીસ આરોપીઓને પકડી ન શકે તો લાલબાગચા રાજા મંડળ અમને વળતર આપે એવી લોકોની માગણી
શ્રોફ બિલ્ડિંગ પાસે લાલબાગચા રાજા, જ્યાં ચોરીની ઘટનાઓ બની.
લાલબાગચા રાજાની વિસર્જનયાત્રા વખતે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હોવાથી પ્રચંડ ગિરીદીનો લાભ લેવા પાકીટમારો, મોબાઇલચોર અને ચેઇન-સ્નૅચર્સ ઍક્ટિવ થઈ જાય છે. આ વર્ષે પણ એવું જ બન્યું હતું અને અનેક લોકોએ મોબાઇલ અને સોનાનાં ઘરેણાં આ ગિરદીમાં ગુમાવ્યાં હતાં. લગભગ ૧૦૦ જેટલી ઘટના બની હતી એમ એક પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું. એ પછી પીડિતોએ કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લાંબી લાઇન લગાવી હતી. પોલીસ એક પછી એક ફરિયાદ નોંધતી હતી. ગઈ કાલ બપોર સુધી ૨૦ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે ઍક્શન લેવાનું શરૂ કરી દીધું છે અને ૧૨ આરોપીઓને તાબામાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ચોરાયેલી બે સોનાની ચેઇન હસ્તગત કરવામાં આવી હતી.
મોટા ભાગના પીડિતોનું કહેવું હતું કે તેઓ જ્યારે લાલબાગચા રાજાના વિસર્જનમાં હતા ત્યારે તેમના મોબાઇલ અને સોનાની ચેઇન ચોરાયાં હતાં. તેમનું કહેવું હતું કે જો પોલીસ એ આરોપીઓને પકડવામાં નિષ્ફળ જશે તો લાલબાગચા રાજા મંડળે અમને એ કૉમ્પન્સેટ કરી આપવું જોઈએ.
ADVERTISEMENT
લોઅર પરેલમાં રહેતા અજય ચવાણે કહ્યું હતું કે ‘હું મારા પરિવાર સાથે લાલબાગચા રાજાના ગેટ પાસે જ દર્શન કરી રહ્યો હતો ત્યારે શ્રોફ બિલ્ડિંગ પાસે ચેઇન-સ્નૅચર મારી ૩ તોલાની સોનાની ચેઇન ઝૂંટવી ગયો હતો. મેં કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હું અન્ય પીડિતોની સહીઓ લઈ રહ્યો છું. હું લાલબાગચા રાજાના મંડળને પત્ર લખીને અમારી કીમતી ચીજો ચોરાઈ હોવાથી કૉમ્પેન્સેશન માગવાનો છું.’
આવું જ માહિમનાં ઉજ્જ્વલા સાવંત સાથે બન્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે શ્રોફ બિલ્ડિંગ પાસે લાલબાગચા રાજાનાં દર્શન કરવા ઊભાં હતાં ત્યારે ત્યાં બહુ ગિરદી હતી અને ચેઇન-સ્નૅચર મારા ગળામાંથી દોઢ તોલાનું મંગળસૂત્ર ઝૂંટવી ગયો હતો. જો પોલીસ એ ચોરને ન શોધી શકે તો લાલબાગચા રાજાના મંડળે અમને એની સામે વળતર આપવું જોઈએ. હું પોલીસની FIRની કૉપી, મારા મંગળસૂત્રનું બિલ અને લેટર આપવા તૈયાર છું.’
કાલાચૌકી વિસ્તારમાં રહેતા ચૈતન્ય પવારે કહ્યું હતું કે ‘હું મારી મમ્મી સ્વાતિ પવાર સાથે શ્રોફ બિલ્ડિંગ પાસે ઊભો હતો ત્યારે કોઈ વ્યક્તિ મમ્મીના ગળામાંથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર તફડાવી ગયું હતું.’
શ્રોફ બિલ્ડિંગ પાસે જ દર્શન માટે ઊભેલા સમીર દળવીનો મોબાઇલ ફોન પણ કોઈ ઉઠાવગીર તફડાવી ગયું હતું એ જ રીતે નેરુળનાં સુષ્મા નાગોજી તેમની બહેન સાથે શ્રોફ બિલ્ડિંગ પાસે દર્શન કરવા ઊભાં હતાં ત્યારે તેમની બૅગમાંથી મોબાઇલ ચોરાઈ ગયો હતો. કરી રોડમાં રહેતા મારુતિ ચૌગુલે પરિવાર સાથે લાલબાગચા રાજાનાં દર્શન કરી રહ્યા હતા ત્યારે તેમની સવા તોલાની સોનાની ચેઇન કોઈક ઝૂંટવી ગયું હતું. તેમણે પણ કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


