રાત્રે છેક ૯ વાગ્યા પછી વિદાય થઈ, વિઘ્નોની હારમાળા સર્જાઈ એને પગલે ગિરગામ ચોપાટી પર પહોંચ્યાના ૧૩ કલાક બાદ થયું વિસર્જન
ગઈ કાલે રાત્રે વિદાય લેતા લાલબાગચા રાજા
રાત્રે છેક ૯ વાગ્યા પછી વિદાય થઈ, વિઘ્નોની હારમાળા સર્જાઈ એને પગલે ગિરગામ ચોપાટી પર પહોંચ્યાના ૧૩ કલાક બાદ થયું વિસર્જન : પરંપરાગત રીતે કોળી બાંધવોની મદદથી થતા વિસર્જનને બદલે આ વખતે ગુજરાતથી લાવેલા મોટરાઇઝ્ડ તરાપાનો ઉપયોગ કરવાનો નિર્ણય ફેલ ગયો : પૂનમની રાતે ખગ્રાસ ચંદ્રગ્રહણ પણ હતું એટલે ભરતીએ પણ ભારે કરી
• ભરતી આવવાથી તરાપો દરિયામાં ઊંચે રહેતો હતો અને મૂર્તિને એના પર ઊંચકીને મૂકી શકાય એ શક્ય નહોતું • ભરતી ઊતરે અને ઓટ ચાલુ થાય તો તરાપો નીચે આવે અને મૂર્તિ એના પર સરકાવી શકાય એ માટે કલાકો સુધી રાહ જોવી પડી • એમાં ગઈ કાલે પૂનમ હતી અને સાથે ભારે ખગ્રાસ ચંદ્રગ્રહણ હતું એટલે એ પતે પછી વિસર્જન કરવાનો નિર્ણય લેવાતાં વિસર્જન લંબાયું • કોસ્ટગાર્ડનું હેલિકૉપ્ટર પણ રાજાની ઉપરથી ચક્કર મારીને પરિસ્થિતિનો ક્યાસ કાઢી ગયું હતું
ADVERTISEMENT
મુંબઈના લાડકા લાલબાગચા રાજાની મૂર્તિની વિસર્જનયાત્રા અનંત ચતુર્દશીના દિવસે સવારે ૧૦ વાગ્યે ચાલુ થઈ હતી અને બાવીસ કલાક પછી ગઈ કાલે સવારે ૮ વાગ્યે રાજા ગિરગામ ચોપાટી પહોંચ્યા હતા. સામાન્ય સંજોગોમાં ચોપાટી પર પહોંચ્યા પછી એકાદ-બે કલાક બાદ વિસર્જન થતું હોય છે. જોકે ગઈ કાલે રાતે ૯ વાગ્યા બાદ લાલબાગચા રાજાનું વિસર્જન કરવું શક્ય બન્યું હતું. વિસર્જન વખતે ટેક્નિકલ મુસીબત આવી હતી અને વિસર્જન નહોતું થઈ શક્યું. વર્ષોથી સામાન્ય રીતે સવારના ૬.૧૫ વાગ્યાથી લઈને ૮ વાગ્યા પહેલાં વિસર્જન થઈ જતું હોય છે, જ્યારે ગઈ કાલે આખો દિવસ નીકળી જવા છતાં વિસર્જન ન થઈ શકતાં ભક્તોની આંખમાં આંસુ આવી ગયાં હતાં. એમાં પાછું ગ્રહણ હોવાને કારણે લોકોના મનમાં શંકાકુશંકા થવાથી મેસેજોથી સોશ્યલ મીડિયા છલકાઈ ગયું હતું.

લાલબાગચા રાજા જ્યારે કલાકો સુધી ચોપાટી પર રહ્યા હતા ત્યારે કોસ્ટગાર્ડના હેલિકૉપ્ટરે પણ ઉપરથી ઊડીને ચકાસણી કરી હતી. તસવીર : શાદાબ ખાન
વર્ષોથી લાલબાગચા રાજાની મૂર્તિનું વિસર્જન ગિરગામ ચોપાટી પર લઈ જવાયા બાદ માછીમારોની હોડી સાથે બાંધેલા તરાપામાં લઈ જઈને કરાતું હોય છે. જોકે ગઈ કાલે પહેલી જ વાર ગુજરાતથી લાવવામાં આવેલા મોટરાઇઝ્ડ તરાપામાં વિસર્જન કરવાનું નક્કી થયું અને પ્રથમ ગ્રાસે મિક્ષકા જેવો ઘાટ ઘડાયો હતો. બન્યું એવું કે પૂનમને કારણે મોટી ભરતી હોવાથી સવારે ભરતીને કારણે પાણીની સપાટી વધી ગઈ હતી. એથી જે મોટરાઇઝ્ડ તરાપો હતો એ પહેલાં તો બહુ જ હાલકડોલક થઈ રહ્યો હતો. બીજું, મૂર્તિના પ્લૅટફૉર્મ કરતાં તરાપો ઊંચો જ રહેતો હતો. એથી તરાપા પર જો મૂર્તિ મૂકવી હોય તો એ ઊંચકીને મૂકવી પડે એમ હતી. મૂર્તિ મોટી અને વજનદાર હોવાથી એ શક્ય નહોતું. એમ કરવા જતાં મૂર્તિ ખંડિત થવાનો પણ અંદેશો રહેતો હતો. એથી એમ ન કરતાં પાણી ઓછું થાય અને ઓટ આવે એની રાહ જોવામાં આવી હતી જેથી તરાપો પણ નીચે આવે અને એના પર રાજાની મૂર્તિ આસાનીથી સરકાવી શકાય.
જોકે એ પછી એક બીજી સમસ્યા પણ આવી હતી. ભરતી વખતે રાજાની મૂર્તિ કમર સુધી પાણીમાં ડૂબી ગઈ હતી. એને કારણે પ્લાસ્ટર ઑફ પૅરિસની એ મૂર્તિમાં પાણી શોષાઈ જતાં વજન બહુ વધી ગયું હતું અને પાટલા પરથી મૂર્તિ હલી પણ નહોતી રહી. એ વખતે મંડળના કાર્યકરોની હાલત કફોડી થઈ ગઈ હતી. એ પછી ગણેશ ગલીના કાર્યકરો તેમની મદદ આવ્યા હતા. બધાએ મળીને સહિયારો પ્રયાસ કર્યા બાદ આખરે મૂર્તિ પાટલા પરથી હલી હતી અને સાંજે પાંચ વાગ્યાની આસપાસ મૂર્તિ તરાપા પર ચડાવી શકાઈ હતી. જોકે પાણી ઘટી જવાને કારણે એ તરાપો હવે ઊંડા પાણીમાં લઈ જવામાં પણ સમસ્યા આવી હતી. એમાં ગ્રહણનો સમય થઈ જવાથી રાતે મૂર્તિનું વિસર્જન કરવાનો નિર્ણય મંડળે લીધો હતો. આમ વિઘ્નેશ્વરની મૂર્તિના વિસર્જનમાં વિઘ્નોની હારમાળા સર્જાઈ હતી.
જોકે ૭ વાગ્યા બાદ ફરી ધીમે-ધીમે ભરતીની શરૂઆત થઈ હતી અને ૮ વાગ્યા બાદ પાણી અંદર સુધી આવતાં તરાપો ધીમે-ધીમે ઊંડા પાણીમાં લઈ જવાયો હતો. રાજાને લઈ જતા એ પ્લૅટફૉર્મ અને ખાસ તરાપા પર મંડળના કાર્યકરો, પદાધિકારીઓ, મુંબઈ પોલીસ અને તેમની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી પણ હાજર હતા. આખરે રાતે ૯ વાગ્યા પછી રાજાનું અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિબાપ્પા મોરયા પુઢચ્યા વર્ષી લવકર યાના વાયદા સાથે બાપ્પાને રજા આપવામાં આવી હતી.


