દુબઈથી ઑપરેટ કરતા કૌશિક ઇટાલિયાની નવી મુંબઈની સાઇબર ટીમે સુરતથી ધરપકડ કરી : ૧૦ કરોડ કરતાં વધારે રકમ તેના અકાઉન્ટમાં આવી હતી અને તેની સામે આખા ભારતમાં ૬૦ કરતાં વધારે ફરિયાદો છે
નવી મુંબઈની સાઇબર ટીમે કૌશિક ઇટાલિયાની ધરપકડ કરી હતી.
નવી મુંબઈ, મુંબઈ અને થાણેમાં રહેતા નવ લોકો સહિત ભારતના ૬૦ કરતાં વધારે નાગરિકો સાથે શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર નવી મુંબઈ પોલીસે સુરતમાં રહેતા કૌશિક ઇટાલિયાની ધરપકડ કરી છે. કૌશિક શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. તે મૂળ સુરતનો છે, પણ છેલ્લાં ચાર વર્ષથી દુબઈમાં રહીને ઑપરેટ કરતો હતો. જુલાઈની શરૂઆતમાં તે નજીકના સંબંધીના પ્રસંગમાં આવવાનો હોવાની બાતમી પોલીસને મળતાં છટકું ગોઠવીને તેની ધરપકડ કરવામાં આવી છે.
નવી મુંબઈમાં રહેતા ત્રણ સિનિયર સિટિઝનોને શૅરમાર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપીને આશરે અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જેની ત્રણ સેપરેટ ફરિયાદમાં અમે આરોપીને શોધી રહ્યા હતા એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શૅરમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડમાં લોકોના પૈસા જે અકાઉન્ટમાં ગયા હતા એની તપાસ કરતાં સુરતના બૅન્ક-અકાઉન્ટ વિશે અમને માહિતી મળી હતી. એ અકાઉન્ટ કોનું છે અને કોણ ઑપરેટ કરે છે એની તપાસ કરી ત્યારે કૌશિક ઇટાલિયા વિશે અમને માહિતી મળતાં તાત્કાલિક તેને પકડવા માટે અમારી ટીમ સુરત રવાના થઈ હતી. જોકે કૌશિકના ઘરે જતાં તે દુબઈમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું એટલે અમે અમારા ખબરીઓ દ્વારા તેની વધુ વિગતો કઢાવી ત્યારે અમને જાણ થઈ કે તે જુલાઈની શરૂઆતમાં કોઈ પ્રસંગ નિમિત્તે સુરત આવવાનો છે. અંતે છટકું ગોઠવીને તેની ધરપકડ કરવામાં અમને સફળતા મળી હતી.’
સુરતની આસપાસનાં નાનાં-નાનાં ગામોમાં રહેતા ગરીબોના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને એ પૈસા ઑટોમેટેડ ટેલર મશીન (ATM) મારફત તેમની પાસે કઢાવતો હતો અને એના બદલામાં નાની અમાઉન્ટ કમિશન તરીકે તેમને આપતો હતો એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૌશિકનું બૅન્ક-ટ્રાન્ઝૅક્શન તપાસતાં જાણવા મળ્યું હતું કે એમાં આવી છેતરપિંડીની ૧૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ આવી છે. હાલમાં તેના અકાઉન્ટમાં રહેલા ૪૭ લાખ રૂપિયા અમે ફ્રીઝ કરી દીધા છે. મુંબઈ કે બીજા કોઈ રાજ્યની પોલીસ તેના સુધી ન પહોંચી શકે એટલે તે છેલ્લાં ચાર વર્ષથી દુબઈમાં રહીને છેતરપિંડીનો ધંધો કરી રહ્યો હતો. તેની સાથે બૅન્ક-અધિકારીઓ અને બીજા લોકોની સંડોવણી હોવાની અમને શંકા છે. આ કેસમાં વધુ લોકોની ધરપકડ થવાની શકયતા છે એટલું જ નહીં, તેને લોકલ પૉલિટિકલ સપોર્ટ હોવાની પણ અમને જાણ થઈ છે.’
કેવી રીતે કરતો હતો છેતરપિંડી?
ADVERTISEMENT
કૌશિક અને તેના સાથીઓ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅરમાર્કેટ સંબંધિત જાહેરાતો આપતા. એને જોઈને કોઈ વ્યક્તિ શૅરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે આ લોકોએ આપેલી લિન્ક પર ક્લિક કરે ત્યારે તેને વૉટ્સઍપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમુક સ્ક્રીનશૉટ મોકલવામાં આવતા જેમાં તેમના મારફત ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓને બહુ જ નફો થયો હોવાનું દર્શાવવામાં આવતું. ત્યાર બાદ આરોપી અને તેના સાથીઓ પોતાની ક્રીએટ કરેલી લિન્ક તેને મોકલતા અને એમાં શૅરનું ટ્રેડિંગ કરવા જણાવતા. એ જ લિન્ક મારફત ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પેમેન્ટ કરવાનું કહેવામાં આવતું એટલે લોકો પોતાના બૅન્ક-ખાતામાંથી એ લિન્કમાં પૈસા ઍડ કરી દેતા. પહેલાં બેથી ત્રણ વાર એમાં પ્રૉફિટ થતો; પણ જ્યારે તે વ્યક્તિ પૈસા કઢાવવા જાય ત્યારે એ નીકળતા નહોતા, કારણ કે આ લિન્કની તમામ ઍક્સેસ કૌશિક અને તેના સાથીઓ પાસે રહેતી. આ કેસમાં કૌશિકનો રોલ એવો હતો કે તે જે પૈસા છેતરપિંડીમાં આવતા એને અલગ-અલગ માધ્યમથી કાઢી પોતાની પાસે રાખતો અને અમુક પૈસા સાથીઓને પહોંચાડતો.


