દિલ્હીથી મુંબઈ આવતી વખતે કાંદિવલીનો ગુજરાતી વેપારી સાઇબર ફ્રૉડનો શિકાર બન્યો
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલીના ચારકોપમાં રહેતો ૩૧ વર્ષનો ગુજરાતી જયેશ પટેલ મંગળવારે ૧૨૦ સંબંધીઓ અને મિત્રો સાથે દિલ્હીથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે સાત્ત્વિક ભોજન માટે સ્વામીનારાયણ મંદિરનો નંબર ઑનલાઇન શોધવા જતાં તેની સાથે કુલ ૫૪,૯૩૨ રૂપિયાની સાઇબર છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ બોરીવલી રેલવે પોલીસે નોંધી છે. સાઇબર ગઠિયાએ આગળના રેલવે-સ્ટેશન પર ખાવાનું મોકલવાનો વાયદો કર્યો હતો. જોકે એ સ્ટેશન પર જમવાનાં પૅકેટ ન આવતાં પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં ફરિયાદ કરવા બીજી વાર ગૂગલ પર નંબર શોધવા જતાં તે પણ સાઇબર ગઠિયો જ નીકળ્યો હતો અને એમાં જયેશ પટેલે વધુ પૈસા ગુમાવ્યા હતા. આ ઘટનાને કારણે દિલ્હીથી મુંબઈની સફર દરમ્યાન આશરે ૧૨૦ લોકોને ભૂખ્યા રહેવાની ફરજ પડી હતી.
ચારકોપ અને કચ્છમાં રહેતા કુલ ૧૨૦ લોકો દિલ્હી, હરિદ્વાર, ચારધામ યાત્રા માટે ગયા હતા. લસણ અને કાંદાવાળી કોઈ પણ ચીજ અમને ન ચાલે એટલે મેં સ્વામીનારાયણ મંદિરનો નંબર ઑનલાઇન શોધ્યો હતો એમ જણાવતાં કચ્છના રાપર ગામના જયેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૭ મેએ રાત્રે નવ વાગ્યે અમે ૧૨૦ લોકોએ દિલ્હીથી મુંબઈ માટે મુસાફરી શરૂ કરી હતી. ત્યારે દિલ્હી કૅન્ટોનમેન્ટ રેલવે-સ્ટેશન આવતાં મેં તમામના જમવાની વ્યવસ્થા કરવા મોબાઇલ પર ગૂગલ ઍપમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના શ્રી સ્વામીનારાયણ મંદિરનો નંબર સર્ચ કર્યો હતો. ત્યારે મને એક નંબર મળ્યો હતો જેણે ભોજનનો ઑર્ડર સ્વીકારીને ૯૩૦૦ રૂપિયા ઍડ્વાન્સ મોકલવાનું કહ્યું હતું. બધાની જમવાની વ્યવસ્થા થઈ ગઈ એવી શાંતિ થતાં મેં ૯૩૦૦ રૂપિયા ઑનલાઇન મોકલી દીધા હતા. ત્યાર બાદ જે રેલવે-સ્ટેશન પર જમવાનું મોકલવાની વાત થઈ હતી એ સ્ટેશન પર કોઈ જમવાનું લઈને આવ્યું નહોતું. આપેલા નંબર પર વારંવાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો તો એ નંબર પણ સ્વિચ્ડ-ઑફ આવ્યો હતો. એટલે પછી મને ખાતરી થઈ કે અજાણી વ્યક્તિએ ભોજનનો ઑર્ડર લેવાના બહાને મારી સાથે ૯૩૦૦ રૂપિયાની ઑનલાઇન છેતરપિંડી કરી હતી.’
ADVERTISEMENT
આની ફરિયાદ કરવા માટે ગૂગલ પર નંબર શોધવા જતાં ફરી મારા ખાતામાંથી રૂપિયા ઊપડી ગયા હતા એમ જણાવતાં જયેશ પટેલે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ કરવા માટે મેં મારા મોબાઇલ પરથી ફરિયાદ કેન્દ્ર સર્ચ કર્યું હતું. મેં એમાં મળેલા નંબર પર ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. ત્યારે મારી રકમ પરત કરવાના બહાને અજાણી વ્યક્તિએ મને મારા મોબાઇલની ગૂગલ-પે ઍપમાં UPI ID ખોલવાનું કહીને એમાં પાસવર્ડ નાખવા માટે કહ્યું હતું. મેં UPI ID ખોલ્યું અને મારો ગૂગલ પાસવર્ડ નાખ્યો ત્યાર બાદ એક વાર ૪૧૪૮ રૂપિયા અને બીજી વાર ૪૧,૪૮૪ રૂપિયા ઊપડી ગયા હતા. અંતે આ વ્યક્તિએ પણ મારી સાથે છેતરપિંડી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એમ મેં જમવાનું મેળવવાના ચક્કરમાં ૫૪,૯૩૨ રૂપિયા ગુમાવી દીધા હતા જેની ફરિયાદ બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. આ ઘટનાથી જમવાનું ટ્રેનમાં ન પહોંચી શકતાં બધાને ભૂખ્યા રહેવાની ફરજ પડી હતી.’
આ ઘટના દિલ્હીમાં નોંધાઈ છે એમ જણાવતાં બોરીવલી રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર દત્તાજી ખુપેરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર અમે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધી છે. જોકે આ ઘટના દિલ્હીમાં નોંધાઈ હોવાથી આગળની તપાસ અમે ત્યાં ટ્રાન્સફર કરી છે.’

