કાંદિવલીમાં એક ગુજરાતી આરોપીની પોલીસે કરી ધરપકડ, જોકે હજી સુધી તો બીજા આરોપીઓ હાથમાં નથી આવ્યા
પ્રતીકાત્મક તસવીર
જતીન પાસે ૨૩ ગ્રાહકો શૅરમાર્કેટના સોદા માટે હતા, જેમના સોદા મુડી ઍપ્લિકેશનમાં તે લેતો હતો : દરેક ગ્રાહકને ઍપ્લિકેશન આપતી વખતે ૫૦,૦૦૦ રૂપિયા પણ લેતો હતો
મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે કાંદિવલીમાં રહેતા ૪૬ વર્ષના ગુજરાતી વેપારીની ૪૬૭૨ કરોડ રૂપિયાનું ડબ્બા ટ્રેડિંગ કરીને આશરે ૧૦ કરોડ રૂપિયાના ટૅક્સની ચોરી કરવા માટે ગઈ કાલે ધરપકડ કરી હતી. આરોપીએ આશરે ૨૩ લોકોને ઑનલાઇન અકાઉન્ટ આપીને શૅરમાર્કેટમાં ડબ્બા ટ્રેડિંગ કરતો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આરોપીને ઍપ્લિકેશન પ્રોવાઇડ કરનાર અન્ય એક આરોપી સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ-૧૧ કરી રહ્યું છે.
ADVERTISEMENT
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં આવેલા સંકેત બિલ્ડિંગમાં શૅરમાર્કેટનું ડબ્બા ટ્રેડિંગ થઈ રહ્યું છે. એના આધારે સાઇબર એક્સપર્ટ સાથે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે છાપો મારવામાં આવ્યો હતો. ત્યાં જતીન મહેતા નામનો યુવક મળી આવ્યો હતો. ત્યાર બાદ લૅપટોપ, ટૅબ અને મોબાઇલની વિગતવાર માહિતી કાઢવામાં આવી હતી. એમાં મુડી નામની ઍપ્લિકેશનના માધ્યમથી વ્યવહાર થતો હોવાનું જાણવા મળતાં વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે જતીન પાસે ૨૩ ગ્રાહકો શૅરમાર્કેટના સોદા માટે હતા, જેમના સોદા મુડી ઍપ્લિકેશનમાં તે લેતો હતો દરેક ગ્રાહકને ઍપ્લિકેશન આપતી વખતે ૫૦,૦૦૦ રૂપિયા પણ લેતો હતો. ત્યાર બાદ વિગતવાર માહિતી કાઢતાં માર્ચથી ૨૦ જૂન સુધીમાં આશરે ૪,૬૭૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર આ ઍપ્લિકેશનમાં કરવામાં આવ્યું હતું, જેમાં સરકારને આશરે ૧૦ કરોડ રૂપિયાનુ નુકસાન થયું હતું. ત્યાર બાદ તેની સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પાસેથી પાંચ મોબાઇલ ફોન, લૅપટૉપ અને ૫૦,૦૦૦ રૂપિયા રોકડા મળ્યાં છે જે જપ્ત કરવામાં આવ્યાં છે. આ કેસમાં વધુ એક આરોપી ધીવન ગાંધી પણ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. હાલમાં ધરપકડ કરેલો આરોપી ધીવન ગાંધીનો સબબ્રોકર હતો. આ તમામ નેટવર્ક કેવી રીતે ચાલે છે એની માહિતી અમે કાઢી રહ્યા છે. આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના છે.’
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં બીજાં મોટાં માથાં સામેલ હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે, જેની તપાસ અમે શરૂ કરી છે.’


