પોલીસે જ્વેલરની દુકાન પરથી જ મહિલા અને તેના સાથીને પકડી પાડ્યાં હતાં
આરોપી મયૂર પાટોળે અને અશ્વિની શેવાળે તેમ જ કલ્યાણના જ્વેલર પાસે ગિરવી મૂકવામાં આવેલી નકલી હૉલમાર્કવાળી વીંટી.
એક વીંટી ગિરવી લઈને પૈસા આપ્યા એના બે જ દિવસ પછી મહિલાને ફરી એવી વીંટી ગિરવી મૂકવા આવેલી જોઈને કલ્યાણના જ્વેલરને શંકા ગઈ, મશીન ન પકડી શકી એની જાતે તપાસ કરીને છેતરપિંડી પકડી પાડી
કલ્યાણ-વેસ્ટના સ્ટેશન રોડ પર ત્રણથી ૪ જ્વેલરની દુકાનમાં ખોટા હૉલમાર્કવાળા સોનાના દાગીના ગિરવી મૂકીને પૈસા પડાવી જતા એક કપલને પોલીસે પકડી પાડ્યું છે. આ મામલામાં મયૂર પટોળે અને અશ્વિની શેવાળે સહિત ૩ વ્યક્તિની મહાત્મા ફુલે પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર મહિનાના અંતમાં કલ્યાણના ૩ જ્વેલરની દુકાનમાં બીમારીનું બહાનું બતાવીને આરોપી મહિલા BIS હૉલમાર્કવાળી વીંટી ગિરવી મૂકીને ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા લઈ ગઈ હતી. એક જ્વેલરને તેના પર શંકા જતાં તેણે વીંટીની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. તપાસમાં વીંટી ખોટી હોવાનું પુરવાર થતાં આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.
ADVERTISEMENT
મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બલીરામ પરદેશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મયૂર પાટોળે અને અશ્વિની શેવાળે સાથે મળીને આ છેતરપિંડી કરે છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બન્નેએ માત્ર કલ્યાણ જ નહીં, મુંબઈ અને પુણેના બીજા વિસ્તારોમાં પણ આવી જ રીતે જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. આરોપીઓ પુણેથી આ દાગીના તૈયાર કરી લાવતા હોવાની માહિતી મળતાં અમે પુણેના કાત્રજથી ખોટા BIS હૉલમાર્ક દાગીના તૈયાર કરનારાની પણ ધરપકડ કરી છે.’
આ રીતે પકડાયું કપલ
કલ્યાણ સ્ટેશન રોડ પર પંકજ જ્વેલર્સના નામે દુકાન ધરાવતા પંકજ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલી ઑક્ટોબરે સાંજે એક મહિલા મારી દુકાનમાં આવી હતી. તેના પતિને ડેન્ગી થયો હોવાથી ઇલાજ માટે તાત્કાલિક પૈસાની જરૂર હોવાનું તેણે કહ્યું હતું. પાંચ ગ્રામની વીંટી ગિરવી મૂકવાની તેણે વિનંતી કરી હતી. એ સમયે વીંટીની તપાસ કરતાં એના પર BIS હૉલમાર્ક હતો એટલે એને મશીનમાં ચેક કરવા મૂકી હતી. મશીનમાં એ બાવીસ કૅરૅટ ગોલ્ડ હોવાનો રિપોર્ટ આવ્યો હતો એટલે મેં એ વીંટી ગિરવી મૂકીને મહિલાને ૩૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. દરમ્યાન, શનિવારે તે જ મહિલા કલ્યાણ સ્ટેશન વિસ્તારમાં આવેલી સંઘવી છોરમલ દાનાજી જ્વેલર્સમાં વીંટી ગિરવી મૂકવા ગઈ હતી. મારી દુકાનમાં સોનું તપાસવાનું મશીન હોવાથી સંઘવી છોરમલ દાનાજી જ્વેલર્સના માલિક રિતેશ જૈન એ વીંટીની શુદ્ધતા તપાસવા માટે મારે ત્યાં આવ્યા હતા. ત્યારે એ વીંટી પર પણ BIS હૉલમાર્ક હતો. આ યોગાનુયોગને કારણે મને શંકા ગઈ હતી. વીંટીને કટ કરીને જોતાં ઉપર બેથી ત્રણ એમ.એમ.નું સોનાનું માત્ર લેયર હતું. બાકી અંદર ચાંદી હોવાની ખાતરી થઈ હતી. તાત્કાલિક આ ઘટનાની જાણ અમે પોલીસને કરી હતી અને સાથે તે મહિલાનો ફોટો અમારા કલ્યાણ, ડોમ્બિવલી, થાણે, વસઈ-વિરારના જ્વેલર્સ અસોસિએશનના વૉટ્સઍપ-ગ્રુપમાં પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપી હતી. આ સમયે અન્ય ૩ જ્વેલર્સ સાથે પણ આ મહિલાએ આવી જ રીતે છેતરપિંડી કરી હોવાની માહિતી મળી હતી.’ પોલીસે જ્વેલરની દુકાન પરથી જ મહિલા અને તેના સાથીને પકડી પાડ્યાં હતાં.


