પોલીસે તાત્કાલિક કલવા રેલવે-સ્ટેશનને ચેતવણી આપી એ પછી બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ડૉગ સ્ક્વૉડ સાથે રેલવે પોલીસની ટીમે સ્ટેશન પર ચકાસણી શરૂ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
કલવા રેલવે સ્ટેશનને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપનાર ૪૩ વર્ષના પુરુષને થાણે રેલવે પોલીસે પકડી પાડ્યો હતો. રવિવારે બપોરે ૪ વાગ્યે પોલીસ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેણે કલવા રેલવે-સ્ટેશન પર બૉમ્બ મૂક્યો હોવાનું કહ્યું હતું. પોલીસે તાત્કાલિક કલવા રેલવે-સ્ટેશનને ચેતવણી આપી એ પછી બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ડૉગ સ્ક્વૉડ સાથે રેલવે પોલીસની ટીમે સ્ટેશન પર ચકાસણી શરૂ કરી હતી. તપાસમાં પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. ત્યાર બાદ પોલીસે બૉમ્બની ધમકી આાપનારની શોધખોળ કરીને રૂપેશ રાનપીસે નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે આ વ્યક્તિએ દારૂના નશામાં આવો કૉલ કર્યો હોવાની સંભાવના છે.
સ્ટેશન પર અનેક લોકોનો જીવ જોખમમાં મુકાય એવી અફવા ફેલાવવા બદલ આ વ્યક્તિની ધરપકડ કરીને તેના પર કેસ નોંધવામાં આવ્યો છે.


