જાલનાની ઘટના: જમીનમાંથી કાળા રંગનું પ્રવાહી બહાર આવવા માંડ્યું એટલે લોકો ગભરાઈ ગયા
જમીનમાંથી કાળો લાવા બહાર આવતાં જાલનાના લોકો ગભરાઈ ગયા હતા.
જાલના શહેરના સમાનાગાવ રોડ વિસ્તારમાં સોમવારે જમીનમાંથી કાળા રંગનું પ્રવાહી બહાર આવતાં લોકો ગભરાઈ ગયા હતા. જોકે એ ફૉલ્ટી ઇલેક્ટ્રિક કનેક્શનને કારણે થયું હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.
જમીનમાંથી કાળું ઘટ્ટ પ્રવાહી બહાર આવવા માંડતાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગે તાત્કાલિક મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સાંજે ૪.૪૫ વાગ્યાની આસપાસ ખામી દૂર કરવામાં આવી હતી અને વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ફૉલ્ટને કારણે વિદ્યુત પ્રવાહ સીધો જમીનમાં વહેતો થયો હતો, અર્થિંગમાં પાસ થયો હતો. આ વિસ્તારમાં ખડકાળ ભૂપ્રદેશ હોવાથી હેવી ઇલેક્ટ્રિક કરન્ટને કારણે ભારે હીટ ઉત્પન્ન થઈ હતી જેના કારણે ખડકો પીગળી ગયા હતા અને લાવા જેવો પદાર્થ નીકળ્યો હતો જેનાથી સ્થાનિક રહેવાસીઓ ભયભીત થયા હતા.
ADVERTISEMENT
અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ફૉલ્ટનું પરિણામ હતું અને એ કોઈ પણ જ્વાળામુખી અથવા અન્ય જિયોલૉજિકલ ઘટના નથી.
