મહાબળ વિસ્તારમાં રહેતાં વંદના સુનીલ ગુજરાથી ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે સિટીથી વાઘનગર તરફ પૂરઝડપે જઈ રહેલી કારે તેમને અડફેટે લીધાં હતાં
પૂરઝડપે જઈ રહેલી કારે વંદના ગુજરાથીને અડફેટે લીધાં હતાં, કારે અડફેટે લીધા પછી વંદના ગુજરાથીને ઘસડ્યાં પણ હતાં
જળગાવમાં ગુરુવારે રાતના ૮ વાગ્યે એક કારના ડ્રાઇવરે દારૂના નશામાં પૂરપાટ કાર ચલાવીને ૪૫ વર્ષનાં વંદના ગુજરાથીને અડફેટે લીધાં હતાં એટલું જ નહીં, તેમને કાર સાથે ઘસડ્યાં પણ હતાં અને અન્ય બે જણને ટક્કર મારી હતી. આ કેસમાં ગંભીર ઈજા થવાને કારણે વંદના ગુજરાથીનું ગઈ કાલે સવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અકસ્માતની આ ઘટના ત્યાં દુકાન પર લગાડવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ઝડપાઈ ગઈ હતી.
મહાબળ વિસ્તારમાં રહેતાં વંદના સુનીલ ગુજરાથી ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે સિટીથી વાઘનગર તરફ પૂરઝડપે જઈ રહેલી કારે તેમને અડફેટે લીધાં હતાં. એમાં પહેલાં તો તેઓ ૧૫થી ૨૦ ફુટ દૂર ફંગોળાયાં હતાં અને એ પછી કાર સાથે થોડે દૂર સુધી ઘસડાયાં હતાં. આટલેથી ન અટકતાં કારના દારૂ પીધેલા ડ્રાઇવરે અન્ય બે જણને પણ ટક્કર મારી હતી અને વાઘનગરમાં કેટલાંક ઘરની બહાર મૂકેલાં કૂંડાં અને બેન્ચોને પણ ટક્કર મારીને એમને નુકસાન કર્યું હતું. એ પછી તેની કાર આગળ જઈને કાદવમાં ફસાઈ જવાથી અટકી પડી હતી એટલે ડ્રાઇવર કાર મૂકીને નાસી ગયો હતો. રામાનંદ પોલીસ-સ્ટેશનના પોલીસ-કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે દારૂ પીને કાર ચલાવનાર મૉન્ટુ સૈનીને ઝડપી લીધો હતો. બીજી બાજુ ઘાયલ વંદના ગુજરાથીને તરત જ નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જ્યાં શુક્રવારે તેમનું મૃત્યુ થયું હતું.

