શીતલ બોર્ડેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ આવવાનું હતું
જળગાવની શીતલ બોર્ડેને કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માટે મુંબઈ આવવાનું હતું
જળગાવના મુક્તાઈ નગરમાં શુક્રવારે નીકળેલી સંત મુક્તાબાઈની પાલખીમાં હાજરી આપવા ગયેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ત્યાંથી જળગાવ આવતાં મોડું થઈ ગયું અને એમાં તેમના પ્લેનના પાઇલટની કંઈક માથાકૂટ થઈ એમાં તેમની ચાર્ટર્ડ ફ્લાઇટ મોડી ઊપડી હતી. જોકે એનો લાભ અન્ય એક મહિલા દરદીને મળ્યો હતો.
જળગાવની શીતલ બોર્ડેને કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી માટે મુંબઈ આવવાનું હતું. તે જળગાવ ઍરપોર્ટ પહોંચી ત્યારે તેની ફ્લાઇટ ઊપડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું એથી તેનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જોકે એ વખતે પરિવારને જાણ થઈ કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જળગાવથી મુંબઈ તેમની પ્રાઇવેટ ચાર્ટર્ડ ફ્લાઇટમાં જવાના છે. તેમણે એક સ્થાનિક ઍક્ટિવિસ્ટને ફોન કરીને મદદ કરવા કહ્યું. ઍક્ટિવિસ્ટે ગિરીશ મહાજનને ફોન કર્યો. ગિરીશ મહાજને એકનાથ શિંદેને ફોન કરીને એની જાણ કરી. એકનાથ શિંદેએ તરત એ મહિલા પેશન્ટને મદદ કરવાની તૈયારી દાખવી અને એ મહિલા, તેનો પતિ અને તેમની સાથેની અન્ય એક મહિલાને પોતાની ચાર્ટર્ડ ફ્લાઇટમાં જળગાવથી મુંબઈ લઈ આવ્યા હતા એટલું જ નહીં, મુંબઈ ઍરપોર્ટથી હૉસ્પિટલ સુધી જવા માટે તેમને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરી આપી હતી.’

