ચેતનસિંહની વાઇફે સિનિયર અધિકારીઓને કત્લેઆમ માટે જવાબદાર ગણાવતાં કહ્યું કે નાદુરસ્ત તબિયતને કારણે તેને ઘરે જવાની પરવાનગી મળી હોત તો આવું કશું ન થાત
ફાઇલ તસવીર
આરોપી કૉન્સ્ટેબલ ચેતન સિંહની પત્ની રેણુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે મારો પતિ એક સૈનિક છે, કોઈ હત્યારો નથી.
આ મામલે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે ‘મારા પતિના મગજમાં ગાંઠ હતી. વળી દોડવાની શારીરિક પ્રવૃત્તિ દરમ્યાન તેમને બ્રેઇન હૅમરેજ થવાનો પણ ડર હતો. તેમણે તાવને કારણે ઘરે જવા માટે રજા માગી હતી, પરંતુ આરપીએફના સિનિયર ઑફિસરે ના પાડી દીધી હતી. આ બેદરકારીને કારણે આ ઘટના બની હતી.’
ADVERTISEMENT
ચેતન સિંહ તેના પિતાના મૃત્યુ બાદ ૨૦૦૯માં રેલવે પોલીસ ફોર્સમાં જોડાયો હતો. ૨૦૧૨માં તેણે રેણુ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. દંપતીને નવ વર્ષની દીકરી અને આઠ વર્ષનો દીકરો છે. તેઓ મથુરામાં ભાડાના એક ઘરમાં રહે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના પતિએ ક્લૉટિંગનો રિપોર્ટ આરપીએફમાં સબમિટ કર્યો હતો.
‘મિડ-ડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં રેણુ સિંહે પોતાના પતિ અને બાળકો પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કર્યો હતો અને કહ્યું હતું કે મારો પતિ ક્યારેય કોઈની હત્યા કરવા જેવાં હિંસક કૃત્યોમાં સામેલ થાય એવો નહોતો. તેણે કહ્યું હતું કે ‘મારાં સાસુ, મારા પતિનો ભાઈ જે ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તેનો પરિવાર અમારી સાથે જ રહે છે. સમગ્ર પરિવાર મારા પતિની આવક પર નિર્ભર છે. મારો પતિ એક સૈનિક છે, હત્યારો નહીં. તે બીજા બધા કરતાં દેશને વધુ પ્રેમ કરે છે. નોકરી દરમ્યાન તેમની વિરુદ્ધ કોઈ રેકૉર્ડ કે ફરિયાદ નથી.’
રેણુના જણાવ્યા પ્રમાણે ચાર-પાંચ વર્ષ પહેલાં ઘરમાં લપસી પડતાં ચેતનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે તેની સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૩માં તે ફરી બીમાર પડ્યો હતો. તેના માથામાં અસહ્ય દુખાવો થતો હતો. એમઆરઆઇ બાદ મગજમાં લોહી ગંઠાતું હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે ફાયરિંગની ઘટના થઈ ત્યારે રેણુએ તેમના પતિને ફોન કર્યો હતો. રેણુએ કહ્યું હતું કે ‘ચેતન મુંબઈથી ટ્રેનમાં જતો હતો ત્યારે તેમની તબિયત સારી નહોતી. મેં તેમને સલાહ આપી હતી કે કંઈ તકલીફ હોય તો મને ફોન કરજો. તેઓ જ્યારે સુરત પહોંચ્યા ત્યારે મેં તેમની તબિયત જાણવા ફરી ફોન કર્યો હતો. બ્રેઇન-ક્લૉટિંગની દવાઓ લેવાની પણ મેં તેમને યાદ અપાવી હતી. તેઓ જ્યારે સુરતથી મુંબઈ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે મને ફોન કર્યો અને જણાવ્યું કે તેમને ઘરે જવાની રજા મળી નથી. મેં તેમને ઑફિસરને વિનંતી કરવાની અને ઘરે આવવાની સલાહ આપી હતી. કમનસીબે તેમના વરિષ્ઠ અધિકારીએ તેમની વિનંતી નકારી કાઢી હતી. સવારે ન્યુઝ-ચૅનલ દ્વારા મને આ ઘટનાની માહિતી મળી હતી. જે ઘટના બની છે એ માટે અધિકારીઓ જવાબદાર છે. જો મારા પતિને બ્રેઇન હૅમરેજ થયું હોત તો તેમણે જીવ ગુમાવ્યો હોત. અમે આરપીએફને ચેતનની તબિયતને કારણે ઘર નજીકના ડિવિઝનમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ચેતનની બદલી મુંબઈ ડિવિઝનમાં કરી દીધી હતી. ચેતને મુંબઈ જવાનું નક્કી કર્યું હતું તેમ જ બાદમાં મુથરા ડિવિઝનમાં ટ્રાન્સફર માટે વિનંતી કરીશ એવું ઠરાવ્યું હતું.’


