જૈન મુનિ નીલેશચંદ્ર વિજયે દાદરના કબૂતરખાનાની બહાર અનશન કરવાનું માંડી વાળ્યું, કહ્યું કે કબૂતરોને ચણ આપવાનું શરૂ થઈ ગયું છે
જૈન મુનિ નીલેશચંદ્ર વિજય, દાદર કબૂતરખાના પાસે ગઈ કાલે પોલીસ દ્વારા ડબલ બૅરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. તસવીર: આશિષ રાજે
દાદરના કબૂતરખાનાના વિવાદને લઈને કોલાબામાં રૅલી કાઢનાર જૈન મુનિ નીલેશચંદ્ર વિજય ગઈ કાલે જૈનો સાથે દાદરના કબૂતરખાના પર પહોંચ્યા હતા. એ વખતે કબૂતરખાનામાં કબૂતરોને ચણ આપવામાં આવી રહ્યું હતું. તેમણે ૩ ઑગસ્ટે એવી જાહેરાત કરી હતી કે જો કબૂતરોને ચણ અને પાણી નહીં આપવામાં આવે અને મરવા માટે છોડી દેવાશે તો હું ૧૦ ઑગસ્ટથી અનશન પર બેસીશ. તેમણે જ્યારે જોયું કે કબૂતરોને ચણ અને પાણી આપવામાં આવી રહ્યું છે એટલે તેમણે અનશન પર બેસવાનો નિર્ણય માંડી વાળ્યો હતો. એ વખતે પત્રકારોએ તેમને આ સંદર્ભે કેટલાક અણિયાળા સવાલો પૂછ્યા હતા. ત્યારે નીલેશચંદ્ર વિજયે કહ્યું હતું કે ‘બંધારણમાં પણ પશુપંખીઓને જીવવાનો અધિકાર અપાયો છે. જો કોર્ટ, BMC અને પ્રશાસને અમારી વાત ન માની તો હું એકલો નહીં, ભારતભરના લાખો જૈનો અહીં અનશન પર બેસશે.’
BMCની ચૂંટણીઓ આવી રહી છે એટલે આ બધો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમ જણાવતાં નીલેશચંદ્ર વિજયે કહ્યું હતું કે ‘જ્યાં સુધી અમારા જૈન ધર્મના પર્યુષણ પતતા નથી ત્યાં સુધી શાંત છીએ. એ પછી અમે નિર્ણય લઈશું કે અમારે શું કરવું. અમને દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર સરકાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું છે કે દરવાજા ખોલો, ચણ નાખો. હાઈ કોર્ટે BMCને આદેશ આપ્યો છે, દેવેન્દ્ર ફડણવીસને નથી આપ્યો. એ હવે BMCને આદેશ આપશે. અમે ૧૩ ઑગસ્ટે આ બાબતે નિર્ણય લઈશું. અમારું આંદોલન ચાલુ જ રહેશે, અમે શાંત નહીં બેસીએ. અમે શાંતિપ્રિય છીએ. અમે અનશન કરીશું. આમ તો અમારે શસ્ત્ર ઉપાડવાની જરૂર નથી, પણ જો જરૂર પડશે તો અમે શસ્ત્ર પણ ઉપાડીશું. અમે બંધારણનું માન્યું, કોર્ટનું માન્યું, દેવેન્દ્ર ફડણવીસનું કહ્યું સાંભળ્યું. જો અમારા ધર્મની સામે પડ્યા તો પછી... આ અમારા ધર્મની વિરુદ્ધ જ છે. જો ધર્મની વિરુદ્ધમાં કોર્ટ આવશે તો અમે કોર્ટને પણ માનીશું નહીં.’
ADVERTISEMENT
અમે જૈન સમાજ તરફથી અમારા ચાર વકીલ કોર્ટમાં રાખ્યા છે એમ જણાવતાં નીલેશચંદ્ર વિજયે કહ્યું હતું કે ‘બાબાસાહેબે રચેલા બંધારણનું અમે માન રાખીએ છીએ. બંધારણની કલમ ૨૨૩માં પણ લખ્યું છે કે કોઈ પણ પક્ષીને મારવું અપરાધ છે. અમે કોર્ટને પૂછીશું. કોર્ટ અમને નકારશે, BMC અમને નકારશે, પ્રશાસન અમને નકારશે તો અમે આખા જૈન સમાજને જગાડીશું અને અનશન કરીશું.’
દાદર કબૂતરખાના પર ડબલ બૅરિકેડિંગ
દાદર કબૂતરખાનાના વિવાદ સંદર્ભે કોલાબામાં રૅલી કાઢનાર અને ગઈ કાલે દાદર કબૂતરખાનાની સામેના શ્રી શાંતિનાથ જૈન દેરાસરની મુલાકાત લેનાર જૈન મુનિ નીલેશચંદ્ર વિજયે એવો દાવો કર્યો હતો કે કબૂતરોને ચણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું હોવાથી મારે હવે અનશન પર બેસવાની જરૂર નથી. જોકે દાદરના કબૂતરખાનામાં ચણ આપવાનું ચાલુ કરાયું નથી, ઊલટું ત્યાં ગઈ કાલે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો અને ડબલ બૅરિકેડ લગાડી દેવાયાં હતાં.
દાદર કબૂતરખાનાના પદાધિકારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અન્ય કબૂતરખાનાંઓમાં, ચોપાટી પર અને અન્ય જગ્યાઓ પર કબૂતરોને ચણ નાખવામાં આવી રહ્યું છે અને એના વિડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે પણ દાદર કબૂતરખાનામાં ચણ નાખવાનું ચાલુ કરાયું નથી.’
આજથી ચણ નાખવાનું ચાલુ કરાયું છે એટલે અનશન નથી કર્યા
પત્રકારે જ્યારે પૂછ્યું કે તમે ૧૦ ઑગસ્ટથી અનશન પર બેસવાના હતા તો એનું શું થયું? ત્યારે નીલેશચંદ્ર મુનિએ કહ્યું હતું કે ‘૧૦ ઑગસ્ટથી પક્ષીઓને ચણ નાખવાનું ચાલુ કરી દેવાયું છે તો પછી અનશન પર બેસવાની જરૂર નથી. આ લોકોનો ટાર્ગેટ છે કબૂતરખાનાને બંધ કરવું. આ લોકોને અહીં સ્ટૅચ્યુ બનાવવું છે. કોનું બનાવશે એની મને ખબર નથી. જે સાચો જૈન હોય તે જ મારી સાથે આવે. કોઈ પણ નેતાના ગુલામ હોય તે મારી પાસે નહીં આવતા. કોંબડીના ચક્કરમાં શિવસેના હારી ગઈ હતી. કાંદાને કારણે કૉન્ગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. હવે કબૂતરના ચક્કરમાં કોણ જશે એ તો પરમેશ્વર જ કહી શકે. જોકે એમ છતાં અમે મોદીજીની સાથે છીએ, મોદીજીના વિચારની સાથે છીએ. મોદી લોકોની રગરગમાં હિન્દુત્વ લાવ્યા છે અને હિન્દુત્વ રહેશે.’
ભારતભરનો જૈન સમાજ અહીં અનશન પર બેસશે
પૉલિટિશ્યનો પર આક્ષેપ કરતાં મુનિ નીલેશચંદ્ર વિજયે કહ્યું હતું કે ‘અહીં નેતાઓના ચમચા પણ બધા મળેલા છે. તે બધાને ભડકાવી રહ્યા છે. હું કોઈ નેતાનો નથી, કોઈ પાર્ટીનો નથી. હું ભગવાન મહાવીરનો છું. હું અનશન માટે એકલો નહીં બેસું. ભારતભરના જૈન સમાજના લાખો લોકો અહીં શાંતિપૂર્વક અનશન પર બેસશે.’


