Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઝીરોમાંથી હીરો બનવાની ૩ સંજીવની કઈ?

ઝીરોમાંથી હીરો બનવાની ૩ સંજીવની કઈ?

Published : 02 November, 2026 09:07 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જૈન સાધ્વી શીલભદ્રાશ્રીજીએ ચાઇલ્ડ રિમાન્ડ હોમમાં બાળકોને આપ્યું માર્ગદર્શન : પ્રવચન દરમ્યાન અનેક બાળકોએ આજીવન વ્યસનમુક્તિનો સંકલ્પ કર્યો, માતા-પિતાના ઉપકારો યાદ કરીને ભાવુક બન્યાં

જૈન સાધ્વી શીલભદ્રાશ્રીજી મહારાજ.

નગર ડાયરી

જૈન સાધ્વી શીલભદ્રાશ્રીજી મહારાજ.


જીવનમાં ભૂલો થઈ હોય તો એનો પશ્ચાત્તાપ કરીને સારા માર્ગે આગળ વધી શકાય છે એ સંદેશ સાથે જૈન સાધ્વી શીલભદ્રાશ્રીજી મહારાજે ડોંગરીમાં આવેલા ચાઇલ્ડ રિમાન્ડ હોમમાં બાળકોને સદ્ગુણો કેળવવા, ખરાબ આદતોનો ત્યાગ કરવા અને માતા-પિતાનું સન્માન કરવા પ્રેરિત કર્યાં હતાં. કોઈક ગુનાસર રિમાન્ડ હોમમાં મોકલવામાં આવેલાં સગીર વયનાં બાળકો માટે આયોજિત આ કાર્યક્રમમાં અનેક બાળકોએ આજીવન વ્યસનમુક્તિનો સંકલ્પ કર્યો હતો. પ્રવચનકાર જૈન સાધ્વી શીલભદ્રાશ્રીજી મહારાજ સાથે તેમનાં શિષ્યા સાધ્વી શીલહિતાશ્રીજી જોડાયાં હતાં.
કલિકુંડ તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયનાં સાધ્વી શીલભદ્રાશ્રીજીએ પહેલાં ૩૩ બાલિકાઓને અને ત્યાર બાદ આશરે ૮૦ બાળકોને સંબોધ્યાં હતાં. પ્રવચન દરમ્યાન તેમણે બાળકોને જીવનમાં પરિવર્તન લાવવાની પ્રેરણા આપતાં કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં બે બાબતો કેળવવી 
જોઈએ—એક પોલીસ અને બીજું સ્મશાન. પોલીસ એટલે ખોટું કામ કરતાં રોકતી આંતરિક જાગૃતિ; જ્યારે સ્મશાન એટલે ખરાબ વિચારો, ખોટી આદતો અને દુર્ગુણોને કાયમ માટે ત્યજી દેવાની ભાવના.’



મુંબઈના ચાઇલ્ડ હોમની બાલિકાઓને હિતશિક્ષા આપી રહેલાં જૈન સાધ્વીજી.


મુંબઈના ચાઇલ્ડ હોમનાં બાળકોને વ્યસન ન કરવાની શીખ આપી રહેલાં જૈન સાધ્વી.


સાધ્વીજી ભગવંતે આ બાળકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ૩ સંજીવની સમજાવી હતી. માતા-પિતાનો આદર અને સન્માન, સદ્ગુરુનું માર્ગદર્શન તથા ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા. તેમણે બાળકોને પોતાની ભૂલો ઓળખીને એમાં સુધારો કરવા અને જીવનમાં સારા વિચારો તથા સદ્ગુણો અપનાવવા જણાવ્યું હતું.

માતા-પિતાના ઉપકારો અને તેમના પ્રત્યેની ફરજની વાત કરતાં અનેક બાળકો ભાવુક બની ગયાં હતાં. કેટલાંક બાળકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. આ પ્રસંગે સાધ્વીજીએ બાળકોને સંસ્થા તરફથી ભેટમાં મળેલી નોટબુકમાં રાત્રે સૂતાં પહેલાં પોતાની ભૂલો અને માતા-પિતાના વિશ્વાસને ઠેસ પહોંચાડી હોય એવા પ્રસંગો લખવા જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે પોતાની ભૂલોનો સાચા હૃદયથી સ્વીકાર અને પશ્ચાત્તાપ જીવનમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ બની શકે છે.
પ્રવચનથી પ્રેરાઈને બાળકોએ માતા-પિતાનું હંમેશાં સન્માન જાળવવાનો સંકલ્પ કર્યો હતો. સાથે જ અનેક બાળકોએ ગુરુભગવંતની સાક્ષીએ આજીવન કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 09:07 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK